23 November, 2024 08:23 AM IST | Mumbai | Anil Patel
બોમ્બે સ્ટોક એક્સચેન્જ
બિટકૉઇન નવા શિખર સાથે એક લાખ ડૉલર થવાના આરે, પાકિસ્તાની શૅરબજાર પણ ૯૯,૦૦૦ની પાર : સેન્સેક્સ અને નિફ્ટીમાં તમામ શૅરના સુધારા સાથે પાંચ મહિનાનો મોટો જમ્પ : રિલાયન્સ સાડાત્રણ ટકાની તેજીમાં બજારને ૨૫૧ પૉઇન્ટ ફળ્યો : સ્ટેટ બૅન્ક બન્ને મેઇન બેન્ચમાર્ક તથા બૅન્કિંગ સેક્ટરમાં ટૉપ ગેઇનર બન્યો : ઝિન્કા લૉજિસ્ટિક્સમાં પોણાપાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી : NTPC ગ્રીન અઢી ગણા રિસ્પૉન્સ સાથે પૂરો થયો, પ્રીમિયમ ૫૦ પૈસાનું : રેમન્ડ ૨૩૮ની તેજીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર, અદાણી ગ્રીન અને અદાણી એનર્જી ટૉપ લૂઝર બન્યા
યુક્રેન-રશિયા વચ્ચેનું ટેન્શન, ઇઝરાયલ-ઈરાન વચ્ચેનું ટેન્શન, ટ્રમ્પના ટૅરિફ-વૉરનું ટેન્શન, ડૉલર સામે ગગડતા રૂપિયાનું ટેન્શન, નબળા કૉર્પોરેટ પરિણામનું ટેન્શન, માગવૃદ્ધિમાં માંદગીનું ટેન્શન, GDP ગ્રોથમાં કમજોરીનું ટેન્શન, FIIની બેરહમ વેચવાલીનું ટેન્શન, ક્રૂડ ઇન્ફ્લેશનનું ટેન્શન અને ઑફ કોર્સ, ગૌતમ બાબુ સામે નવા ઘાતનું મેગા ટેન્શન મતલબ કે ટેન્શન, ટેન્શન, ચારે બાજુનું ટેન્શન. આમ છતાં બજારે શુક્રવારે ૧૯૬૧ પૉઇન્ટની છલાંગ લગાવી છે. સેન્સેક્સ નિફ્ટીના તમામ શૅર પૉઝિટિવ ઝોનમાં બંધ થયા છે. બન્ને બજારનાં બધાં જ ઇન્ડાઇસિસ વધ્યાં છે. એક માત્ર નિફ્ટી મીડિયા સાધારણ ઘટ્યો છે. બ્રૉડ બેઝ્ડ્ રૅલીમાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહેતાં NSE ખાતે ઘટેલા ૮૭૭ શૅરની સામે ૧૯૧૭ જાતો વધી છે. બજારનું માર્કેટકૅપ ૭.૩૩ લાખ કરોડ રૂપિયા ઊંચકાઈ ૪૩૨.૭૧ લાખ કરોડ વટાવી ગયું છે. આને શું કહીશું? ટશન યસ, ચોતરફી ટેન્શન વચ્ચે બજારની આ કેવળ ટશન છે. નવું કોઈ ફ્રેશ ટ્રિગર નથી, એવા કોઈ મઝેદાર સમાચાર નથી છતાં બજારે જબરો હાઈ જમ્પ માર્યો છે. વિશ્લેષકો કહે છે કે નીચા મથાળે વૅલ્યુ-બાઇંગ આવ્યું છે. માર્કેટ બહુ ઓવરસોલ્ડ હતું. એથી જરૂરી ટેક્નિકલ બાઉન્સ-બૅક બજારે દાખવ્યું છે. કેટલાકને આ ડેડ કેટ બાઉન્સનો કેસ લાગે છે. અર્થાત્ દીવો બુઝાવાનો હોય ત્યારે વધુ ઝળકે. બજાર માટે તાત્કાલિક ટ્રિગર આજે, શનિવારે જાહેર થનારાં ચૂંટણી-પરિણામ છે. જોકે એમાં NDAનો વિજય થાય તો એ ફૅક્ટર ઑલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે, પણ NDAની હાર થાય તો બજારને વેગીલા ઘટાડા માટે મોટું કારણ મળી જશે. શુક્રવારના ઉછાળાને બજારની ખરાબી પૂરી થઈ એમ માનવું નહીં. શૉર્ટ ટર્મમાં માર્કેટ વધઘટે ઘટાડાતરફી રહેવાની શક્યતા વધુ છે. ગઈ કાલની ચાલ કેટલી અને કેવી આગળ વધે છે એ જોતા રહો. નીચા ભાવે લેવાની સારી તક હવે પછી આવવાની છે એની રાહ જુઓ.
બાય ધ વે, સેન્સેક્સ આગલા બંધથી ૧૯૫ પૉઇન્ટ પ્લસમાં ૭૭,૩૫૦ નજીક ખૂલી નીચામાં ૭૭,૨૨૭ની અંદર જઈ ઉપરમાં ૭૯,૨૧૮ને વટાવી ગયા પછી છેવટે ૧૯૬૧ પૉઇન્ટની તેજીમાં ૭૯,૧૧૭ બંધ થયો છે. નિફ્ટી ૨૩,૯૫૬ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૫૫૭ પૉઇન્ટના ઉછાળે ૨૩,૯૦૭ રહ્યો છે. સેન્સેક્સ નિફ્ટીના અઢી ટકા જેવા જમ્પ સામે આઇટી ઇન્ડેક્સ ૧૩૦૬ પૉઇન્ટ કે ત્રણ ટકાથી વધુ, ટેક્નૉલૉજી ૩.૨ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણેક ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ત્રણ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૨.૪ ટકા કે ૧૫૫૫ પૉઇન્ટ, ઑઇલ-ગૅસ, FMCG એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવાં સેક્ટોરલ બે-સવાબે ટકા મજબૂત હતા. બૅન્ક નિફ્ટી દોઢ ટકા અને ઑટો ઇન્ડેક્સ પોણાબે ટકા વધ્યો છે. સ્મૉલકૅપમાં એક ટકાથી ઓછો, મિડકૅપ સવા ટકો તો બ્રૉડર માર્કેટ બે ટકા નજીક પ્લસ હતું.
એશિયા ખાતે ચાઇના સવાત્રણ ટકા અને હૉન્ગકૉન્ગ બે ટકા નજીક ખરડાયા હતા. તાઇવાન દોઢ ટકો, ઇન્ડોનેશિયા સાઉથ કોરિયા તથા જપાન પોણા ટકા આસપાસ સુધર્યા છે. લંડન ફુત્સી રનિંગમાં અડધા ટકાથી વધુ અપ હતો. અન્ય યુરોપિયન બજાર સાધારણ ઢીલાં હતાં. ક્રૂડ વધીને ૭૪ ડૉલર વટાવી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ત્રણેક ટકાની આગેકૂચમાં ૩.૨૬ લાખ કરોડ ડૉલર થઈ ગયું છે. બિટકૉઇન લાખ ડૉલરની સાવ નજીક, ૯૯,૫૧૮ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રનિંગમાં પોણા ટકાના સુધારે ૯૮,૫૩૮ ડૉલર ચાલતો હતો. પાકિસ્તાની શૅરબજાર પણ લાખેણા થવાની રેસમાં ગઈ કાલે ૯૯,૬૨૩ની ઑલટાઇમ હાઈ બનાવી રનિંગમાં ૭૩૦ પૉઇન્ટ વધીને ૯૮,૦૫૮ દેખાયો છે. ડૉલર સામે રૂપિયો ૮૪.૫૦ના નવા વરવા વિક્રમી તળિયે ગયો છે.
HCL ટેક્નૉલૉજીઝ નવી ટોચે, વિપ્રોમાં બોનસની રેકૉર્ડડેટ ૩ ડિસેમ્બર જાહેર
ગઈ કાલે સ્ટેટ બૅન્ક બમણા વૉલ્યુમે સાડાચાર ટકાના ઉછાળામાં ૮૧૬ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. ત્યાર પછીના ક્રમે ટીસીએસ ચાર ટકાથી વધુ કે ૧૬૮ રૂપિયા અને ટાઇટન ૧૩૦ રૂપિયા કે ચાર ટકા મજબૂત થયા છે. નિફ્ટી ખાતે અલ્ટ્રાટેક ૩.૯ ટકા કે ૪૨૦ રૂપિયા તો સેન્સેક્સ ખાતે એ સવાત્રણ ટકા કે ૩૫૩ રૂપિયા વધ્યો હતો. નિફ્ટી ખાતે બંધ ૧૧,૩૭૫ તો સેન્સેક્સમાં એ ૧૧,૩૦૮ બંધ રહ્યો છે. આઇટીસી ચારેક ટકા નજીક તો ઇન્ફોસિસ પોણાચાર ટકા ઊંચકાયો છે.
રિલાયન્સ પોણાબે ગણા કામકાજમાં સાડાત્રણ ટકાના ઉછાળે ૧૨૬૬ બંધ આપી બજારને ૨૫૧ પૉઇન્ટ ફળ્યો છે. ટીસીએસ તથા ઇન્ફીની તેજી થકી એમાં બીજા ૩૬૩ પૉઇન્ટનો ઉમેરો થયો હતો. આઇટીસીએ ૧૪૪ પૉઇન્ટનો ફાળો આપ્યો છે. લાર્સન સાડાત્રણ ટકા કે ૧૨૨ના ઉછાળે બંધ થતાં બજારને ૧૨૫૪ પૉઇન્ટ મળી ગયા હતા. સ્ટેટ બૅન્કની સાથે ICICI બૅન્ક સવાબે ટકા વધતાં આ બન્ને શૅરબજારને ૨૯૦ પૉઇન્ટનો લાભ થયો છે. ભારતી ઍરટેલની ત્રણ ટકાની મજબૂતી ૧૦૫ પૉઇન્ટ ફળી હતી. HDFC બૅન્ક ૦.૨ ટકા તો ઍક્સિસ બૅન્ક ૦.૩ ટકાના સુધારા સાથે બન્ને બજારમાં સૌથી નીચે હતા. વિપ્રોએ શૅરદીઠ એક બોનસ માટે ૩ ડિસેમ્બરની રેકૉર્ડડેટ નક્કી કરી છે. શૅર અઢી ટકા વધીને ૫૭૧ હતો. HCL ટેક્નૉલૉજીઝ ૧૯૦૨ની સર્વોચ્ચ સપાટી બનાવી સવાત્રણ ટકાના ઉછાળે ૧૮૯૭ વટાવી ગયો છે. લાટિમ ૩.૪ ટકા કે ૨૦૦ રૂપિયા તથા ટેક મહિન્દ્ર અઢી ટકા મજબૂત હતો. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૬ શૅરના સથવારે ૧૩૦૬ પૉઇન્ટ કે ૩.૧ ટકા વધ્યો એમાં આ છ શૅરનું પ્રદાન ૧૧૩૭ પૉઇન્ટનું હતું. ૬૩ મૂન્સ ઉપરમાં ૫૯૦ થયા બાદ નજીવો ઘટી ૫૭૭ બંધ આવ્યો છે.
બૅન્કિંગના ૪૧માંથી ૩૪ શૅર પ્લસ હતા. તમામ ૧૨માંથી ૧૨ સરકારી બૅન્કો વધી છે. સ્ટેટ બૅન્ક સેન્સેક્સ અને નિફ્ટીની સાથોસાથ બૅન્કિંગ સેક્ટરમાં પણ બેસ્ટ ગેઇનર બન્યો છે. સૂર્યોદય બૅન્ક ૪ ટકા, પીએનબી તથા ઉત્કર્ષ બૅન્ક સાડાત્રણ ટકા, બૅન્ક ઑફ બરોડા અને બૅન્ક ઑફ મહારાષ્ટ્ર સવાત્રણ ટકા, કૅનરા બૅન્ક તેમ જ બંધન બૅન્ક અઢી ટકા અપ હતા. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૧માંથી ૧૧૦ શૅરના સુધારામાં ૧.૪ ટકા વધ્યો છે. અત્રે જિયોજિત ફાઇનૅન્સ ૧૦ ટકા, પૈસાલો ડિજિટલ પોણાસાત ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ સવાછ ટકા ઊંચકાયા હતા. પેટીએમ સળંગ પાંચમા દિવસની આગેકૂચમાં સાડાછ ટકા ઊછળી ૯૦૦ થયો છે. NSE દ્વારા ૧૫૫૦ની ફ્લોરપ્રાઇસથી ૨૦ ટકા હોલ્ડિંગ બ્લૉકડીલથી વેચવા કાઢતાં પ્રોટીન ઇગો ટેક્નૉલૉજી નીચામાં ૧૬૬૬ થઈ છ ટકા કે ૧૧૧ની ખરાબીમાં ૧૭૩૮ બંધ રહ્યો છે.
અદાણીના ૧૧માંથી ૭ શૅર સુધર્યા, અદાણી ગ્રીન વધુ લથડ્યો
બ્રાઇબરી કાંડને પગલે ગુરુવારે અદાણી ગ્રુપના શૅર સાગમટે ધરાશાયી થયા પછી વળતા દિવસે કઈંક અંશે સુધર્યા છે. જોકે દિવસ દરમ્યાન ઘણી જાતો નવા ઐતિસાહિક તળિયે ગઈ હતી. ફ્લૅગશિપ અદાણી એન્ટર સાડાસાત ગણા વૉલ્યુમે ૨૦૩૦ની નવી બૉટમ બનાવી સવાબે ટકા નજીક વધી ૨૨૩૦, એસીસી સવાત્રણ ટકા ઊંચકાઈ ૨૦૯૦, અંબુજા સિમેન્ટ સાડાત્રણ ટકાના બાઉન્સ-બૅકમાં ૫૦૧, અદાણી પોર્ટ્સ બે ટકા સુધરી ૧૧૩૭, એનડીટીવી અડધા ટકા જેવો વધી ૧૬૯, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ ચાર ટકા ઊંચકાઈ ૭૯ ઉપર બંધ થયા છે. સામે અદાણી પાવર સવાત્રણ ટકા ગગડી ૪૬૧, અદાણી એનર્જી વધુ સાત ટકા ખરડાઈ ૬૪૯ના નવા તળિયે, અદાણી પોણો ટકો ઘટી ૨૯૨ની વર્ષની બૉટમમાં બંધ આવ્યો છે. અદાણી ટોટલ સવા ટકો સુધરી ૬૦૯ હતો. અન્યમાં આઇટીડી સિમેન્ટેશન પોણાબે ટકા ઘટી ૪૮૫, પીએસપી પ્રોજેક્ટ્સ અડધો ટકો સુધરી ૬૧૩ અને ઓરિએન્ટ સિમેન્ટ્સ પોણાબે ટકા વધી ૩૩૦ નજીક રહ્યો છે. આ ત્રણેય શૅરમાં અદાણીના ટેક ઓવરના પગલે ઓપન ઑફર જાહેર થયેલી છે. મોનાર્ક નેટવર્થ અડધો ટકો સુધર્યો હતો. LIC પોણો ટકો વધ્યો છે.
ઝિન્કા લૉજિસ્ટિક્સ ૨૭૩ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૭૯ ખૂલી ઉપરમાં ૨૮૬ અને નીચામાં ૨૫૫ બતાવી ૨૬૦ બંધ થતાં અત્રે પોણાપાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. NTPC ગ્રીનનો ૧૦ હજાર કરોડનો મેગા ઇશ્યુ કુલ અઢી ગણા પ્રતિસાદ સાથે પૂરો થતાં ઝીરો થઈ ગયેલું પ્રીમિયમ સુધરી હાલ ૫૦ પૈસા બોલાય છે. એન્વીરો ઇન્ફ્રાનો IPO પ્રથમ દિવસે બે ગણાથી વધુ ભરાઈ જતાં પ્રીમિયમ સુધરીને ૩૮ થયું છે. રેમન્ડ નવ ગણા કામકાજે ૧૪૧૨ની વર્ષની બૉટમ બનાવી જબ્બર બાઉન્સ-બૅકમાં ૧૭૧૨ થઈ ૧૬.૭ ટકા કે ૨૩૮ના ઉછાળે ૧૬૬૪ થયો છે.