રશિયા-યુક્રેન યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચતાં સોનું ફરી ૨૭૦૦ ડૉલરની સપાટીએ

23 November, 2024 08:04 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોનું સતત ચોથે દિવસે વધ્યું : ચાર દિવસમાં સોનામાં ૪૦૪૮ રૂપિયાનો ઉછાળો: ચીન બાદ જપાને પણ નબળી ઇકૉનૉમિક કન્ડિશનને કારણે સ્ટિમ્યુલસ પૅકેજ આપ્યું

સોના-ચાંદીની પ્રતીકાત્મક તસવીર

યુક્રેને રશિયન ઑઇલ રિફાઇનરીઓ, રડાર સ્ટેશન અને મિલિટરી સ્ટેશનો પર નવેસરથી ડ્રોનઅટૅક કરતાં અને એની અગાઉ રશિયાએ સૌ પ્રથમ વખત ઇન્ટરકૉન્ટિનેટલ મિસાઇલથી યુક્રેનનાં મથકો પર અટૅક કર્યો હતો. આમ બન્ને દેશો વચ્ચેનું યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચતાં સેફ હેવન ડિમાન્ડ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૨૭૦૦ ડૉલરની સપાટીએ પહોચ્યું હતું અને ચાલુ સપ્તાહે સોનું પાંચ ટકા વધ્યું હતું જે છેલ્લાં ૧૩ સપ્તાહનો સૌથી મોટો સાપ્તાહિક વધારો હતો.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૮૫૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૫૩૩ રૂપિયા વધ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ સતત ચોથે દિવસે વધ્યો હતો અને છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ ૪૦૪૮ રૂપિયા વધ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ૧૬ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૬ હજાર ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૨.૧૩ લાખે પહોંચ્યા હતા જેના વિશે માર્કેટની ધારણા ૨.૨૦ લાખની હતી.એ​ક્ઝિ​સ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ પણ ૧૭૭૫ ઘટીને ૨.૧૩ લાખે પહોંચ્યા હતા. અમેરિકાનું એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સ ઑક્ટોબરમાં ૩.૫ ટકા વધીને ૩૯.૬ લાખે પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ ૩૮.૩ લાખ રહ્યું હતું. માર્કેટની ધારણા ૩૯.૩ લાખ સેલ્સની હતી એના કરતાં સેલ્સ વધુ રહ્યું હતું.

અમેરિકી ડૉલર ઇન્ડેક્સ ઊછળીને બે વર્ષની ઊંચાઈએ ૧૦૭.૧૮ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ સાત મહિનાની નીચી સપાટીએ પહોંચતાં તેમ જ લેબર-માર્કેટની સ્ટ્રૉન્ગનેસને પગલે ડૉલર વધુ ઊછળ્યો હતો. હજી પણ ડિસેમ્બરમાં રેટ-કટ બાબતે ઍનલિસ્ટો અને ફેડ મેમ્બરો વચ્ચે મતમતાંતર હોવાથી તેમ જ ટ્રમ્પ ઍડ‍્મિનિસ્ટ્રેશનમાં ટૅરિફ વધારાની અસરે ચીન અને જપાનની ઇકૉનૉમિક ક​ન્ડિશન નબળી પડવાની શક્યતાને પગલે બન્ને દેશોની કરન્સી ઘટતાં ડૉલરની મજબૂતીને સપોર્ટ મળ્યો હતો.

જપાનનું કન્ઝ્યુમર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૨.૩ ટકા રહ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૨.૫ ટકા હતું. જોકે ફૂડ પ્રાઇસ ૩.૫ ટકા વધ્યા હતા અને કોર ઇન્ફ્લેશન પણ સતત બીજે મહિને ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૨.૩ ટકા રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૨.૨ ટકાની હતી. જપાનના પ્રાઇસ મિનિસ્ટર શિગેરૂ ઇસબાએ ૧૪૦ અબજ ડૉલરનું ​સ્ટિમ્યુલસ પૅકેજ કૅબિનેટની મંજૂરી માટે પ્રસ્તુત કર્યું હતું, જેમાં ઇન્ફ્લેશનથી વેજગ્રોથ સુધીના તમામ પ્રસ્તાવ રજૂ કર્યા છે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

વર્લ્ડમાં સૌથી મોટી પાંચ ઇકૉનૉમી ધરાવતા દેશોમાંથી બે દેશો હાલ નબળી ઇકૉનૉમિક ક​ન્ડિશન સામે ઝઝૂમી રહ્યા છે. વર્લ્ડની ટૉપ લેવલની પાંચ ઇકૉનૉમીમાં ચીનનો ક્રમ બીજો અને જપાનનો ક્રમ ચોથો છે. ચીન અને જપાન બન્ને દેશોએ ઇકૉનૉમિક ક​ન્ડિશનને પાટે ચડાવવા તાજેતરમાં જ ​સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કર્યાં છે. અમેરિકાના પ્રેસિડન્ટપદે ટ્રમ્પની જીત બાદ સંભવિત ટૅરિફ વધારાની અસરે આ બન્ને દેશોની ઇકૉનૉમિક ક​ન્ડિશન વધુ નબળી બનશે અને ઇકૉનૉમિક રિસેશન વધુ ખરાબ થશે. આ બન્ને દેશો વર્લ્ડની ટૉપ લેવલની પાંચ ઇકૉનૉમીમાં સ્થાન ધરાવતા હોવાથી વર્લ્ડની ઇકૉનૉમિક સ્થિતિને પણ અસર કરશે. રશિયા-યુક્રેન યુદ્ધ જો વકરશે તો જર્મની, ફ્રાન્સ, ઇટલી અને બ્રિટનની ઇકૉનૉમિક ક​ન્ડિશનને પણ અસર કરશે. વર્લ્ડની ટૉપ દસ ઇકૉનૉમી ધરાવતા દેશોમાં જર્મનીનું સ્થાન ત્રીજું, બ્રિટનનું છઠ્ઠું, ફ્રાન્સનું સાતમું અને ઇટલીનું આઠમું સ્થાન છે. આમ, માત્ર અમેરિકાની ઇકૉનૉમી સ્ટ્રૉન્ગ હોય અને અન્ય છ દેશોની ઇકૉનૉમી નબળી પડે તો લાંબા ગાળે અમેરિકાની ઇકૉનૉમિક ક​ન્ડિશનને પણ અસર પડી શકે છે. ઇકૉનૉમિક ક​ન્ડિશન બગડે ત્યારે પણ સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધે છે. એ જોતાં લાંબા ગાળે સોનામાં મોટી તેજીના ચાન્સ ઊભરી રહ્યા છે.

ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૭,૭૮૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૭,૪૭૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૮૫૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

gold silver price commodity market russia ukraine indian economy china united states of america business news