ઑક્ટોબરમાં ૧૪ IPOએ ભેગા કરી લીધા રેકૉર્ડબ્રેક ૪૬,૦૦૦ કરોડ રૂપિયા

01 November, 2025 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૭,૦૦૦ કરોડ રૂપિયા તો તાતા કૅપિટલ અને LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયા જ લઈ ગઈ, તાતા કૅપિટલ દ્વારા ૧૫,૫૧૨ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા અને LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયાએ ૧૧,૬૦૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ઑક્ટોબર મહિનો ભારતીય શૅરબજાર માટે શાનદાર રહ્યો હતો. આ મહિનામાં કંપનીઓએ IPOની લાઇન લગાવી દીધી હતી. ઑક્ટોબરમાં ૧૪ કંપનીઓ IPO દ્વારા શૅરબજારમાં પ્રવેશી હતી અને ૪૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ભેગી કરી હતી. ભારતમાં અત્યાર સુધીના IPO ઇતિહાસમાં એક મહિનામાં ભેગી થયેલી આ સૌથી મોટી કુલ રકમ હતી. તાતા કૅપિટલ અને LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયા આ દમદાર લિસ્ટિંગમાં સૌથી અગ્રેસર રહી હતી. આ બે કંપનીઓએ જ કુલ રકમમાં અડધાથી વધુ હિસ્સો મેળવ્યો હતો. આ ઉપરાંત વીવર્ક ઇન્ડિયા, કૅનેરા HSBC લાઇફ ઇન્શ્યૉરન્સ અને રુબિકૉન રિસર્ચ જેવી કંપનીઓના IPO ઑક્ટોબરમાં આવ્યા હતા.

તાતા કૅપિટલ દ્વારા ૧૫,૫૧૨ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા અને LG ઇલેક્ટ્રૉનિક્સ ઇન્ડિયાએ ૧૧,૬૦૭ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં છ IPOએ ૩૮,૬૯૦ કરોડ રૂપિયા ભેગા કરીને રેકૉર્ડ બનાવ્યો હતો, જે આ વર્ષે તૂટી ગયો અને હવે નવો રેકૉર્ડ બની ગયો છે.

આ વર્ષે કંપનીઓએ ૮૯ IPOમાં ૧.૩૮ લાખ કરોડ ભેગા કર્યા
૨૦૨૫માં અત્યાર સુધીમાં ૮૯ IPO આવ્યા છે, જેમણે કુલ મળીને ૧.૩૮ લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ભેગી કરી છે. હજી નવેમ્બર અને ડિસેમ્બરમાં વધુ IPO આવવાની તૈયારીમાં છે. એ બધાનાં લિસ્ટિંગ પણ સારાં રહે તો ૨૦૨૪માં થયેલા કુલ ૧.૬૦ લાખ કરોડ રૂપિયાની રકમનો રેકૉર્ડ પણ આ વર્ષે તૂટી શકે છે.

business news ipo stock market share market finance news tata