તેરે ગાલોં કા યે ડિમ્પલ કર દેતા હૈ હમેં ઘાયલ

09 July, 2025 03:38 PM IST  |  Mumbai | Heena Patel

ગાલ પર જો ડિમ્પલ પડતાં હોય તો એ મેકઅપ વગર પણ તમારા ચહેરાને એકદમ ચમકાવી દે છે, તમારી સ્માઇલને ચાર્મિંગ બનાવી દે છે

અંકિત શાહ, રૂપલ નાગડા

ગાલ પર જો ડિમ્પલ પડતાં હોય તો એ મેકઅપ વગર પણ તમારા ચહેરાને એકદમ ચમકાવી દે છે, તમારી સ્માઇલને ચાર્મિંગ બનાવી દે છે, તમને એક ક્યુટ અને ઇનોસન્ટ લુક આપે છે. એટલે જ જેમના ગાલમાં ડિમ્પલ પડતાં હોય તેમનો ચહેરો જલદી ભૂલી શકાય એવો હોતો નથી. ડિમ્પલ લોકોને એટલાં બધાં આકર્ષિત કરતા હોય છે કે જેમનાં ડિમ્પલ ન હોય એ લોકો ખાસ ડિમ્પલપ્લાસ્ટી કરીને ચહેરો સુંદર બનાવતા હોય છે. બૉલીવુડની પણ અનેક સેલિબ્રિટીઝ જેમ કે પ્રીતિ ઝિન્ટા, દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન તેમની ડિમ્પલવાળી સ્માઇલને કારણે ઓળખાય છે. અમેરિકનો આજે નૅશનલ ડિમ્પલ્સ ડે ઊજવી રહ્યા છે ત્યારે આપણે મુંબઈમાં એવા કેટલાક લોકોને મળીએ જેમને ગાલમાં ડિમ્પલ પડે છે.

મારા ડિમ્પલને કારણે કૉલેજ ટાઇમમાં ૬-૭ છોકરીઓની પ્રપોઝલ આવેલી - હાર્દિક વસા

હાર્દિક વસાને તેની ફૅમિલીમાં લોકો શાહરુખ ખાન કહીને બોલાવે છે. તેમના ફેસનું સ્ટ્રક્ચર, વાળ બધું તેના જેવું જ છે અને શાહરુખની જેમ ગાલમાં ડિમ્પલ પણ પડે છે. ડિમ્પલ સાથે જોડાયેલાં પોતાનાં સંસ્મરણો જણાવતાં બ્રીચ કૅન્ડીમાં રહેતા અને એક્સપોર્ટનો બિઝનેસ કરતા ૪૯ વર્ષના હાર્દિકભાઈ કહે છે, ‘કૉલેજ ટાઇમમાં મને ૬-૭ છોકરીઓની પ્રપોઝલ આવેલી. એ જમાનામાં તો કોઈ છોકરી છોકરાને પ્રપોઝ કરે એવું તો બહુ રૅર બનતું. હું લગ્નલાયક થયો ત્યારે સગાંસંબંધીઓ એમ કહેતા કે તારી સ્માઇલ જોઈને કોઈ પણ છોકરી ખાડામાં પડી જાય. મારાં લવ-મૅરેજ થયેલાં છે. મારી પત્ની કાજલ હંમેશાં મને એવી ફરિયાદ કરતી હોય કે તમારા પપ્પાએ તમને ડિમ્પલ આપ્યા તો તમે આપણા દીકરાને ડિમ્પલ કેમ ન આપ્યા? મારા પપ્પાને પણ બન્ને ગાલમાં ખૂબ સરસ અને ઊંડાં ડિમ્પલ પડતાં.’

મારાં સાસરિયાં મને ચીડવે કે અમારો દીકરો તારા ખાડામાં પડી ગયો - પાયલ જોબલિયા

મલાડમાં રહેતાં ૪૪ વર્ષનાં ગૃહિણી પાયલ જોબલિયા અને તેમની ૧૯ વર્ષની દીકરી આયુષી બન્નેને ગાલમાં ડિમ્પલ પડે છે. આ વિશે વાત કરતાં પાયલ કહે છે, ‘મને ગાલમાં ડિમ્પલ પડે છે એટલે લોકો એમ કહેતા કે તું બહુ લકી છે, તું તારા પપ્પાની લાડકી દીકરી છે એટલે તને ગાલમાં ડિમ્પલ પડે છે. મારા હસબન્ડ પણ લગ્ન માટે મને જોવા માટે આવેલા ત્યારે મારું ડિમ્પલ જોઈને ઘાયલ થઈ ગયેલા. મારાં સાસરિયાંમાં તો લોકો એમ જ કહે છે કે અમારો દીકરો તારા ખાડામાં જ પડી ગયો છે. મારી જેમ મારી મોટી દીકરીને ડિમ્પલ છે. નાની દીકરી ઈવાને ડિમ્પલ નથી. એટલે તે પણ ઘણી વાર ફરિયાદ કરતી હોય કે તમે મને ડિમ્પલ કેમ નથી આપ્યાં?’

ડિમ્પલ જોઈને એક ભાઈએ મારી સરખામણી પ્રીતિ ઝિન્ટા સાથે કરી નાખેલી - અંકિત શાહ

તમે એક પુરુષ હો અને કોઈ તમારી સરખામણી પ્રીતિ ઝિન્ટા સાથે કરી દે તો એ થોડું ઑક્વર્ડ થઈ જાય. આવું જ કંઈક થયેલું મુલુંડમાં રહેતા અને કન્સ્ટ્રક્શન લાઇન સાથે સંકળાયેલા ૪૦ વર્ષના અંકિત શાહ સાથે. તેઓ તેમના જીવનનો એક કિસ્સો સંભળાવતાં કહે છે, ‘લગ્ન પછી હું મારી પત્ની સાથે મનાલી ફરવા ગયેલો. હું એક તો ગોરો છું, ઉપરથી મારી આંખો ભૂરી છે અને હસું ત્યારે ગાલમાં ડિમ્પલ પડે. મનાલીમાં તો ઠંડી પાછી એવી હતી કે મારો ચહેરો લાલ થઈ ગયેલો. અમારી બસનો જે ડ્રાઇવર હતો એ ત્યાંનો સ્થાનિક રહેવાસી હતો. તેને તો એમ જ લાગેલું કે હું ફૉરેનર છું. વાત-વાતમાં તેણે મને ત્યાં સુધી કહી દીધેલું કે સર, આપકી સ્માઇલ બિલકુલ પ્રીતિ ઝિન્ટા જૈસી હૈ. એટલે એ સમયે હું થોડો અસહજ પણ થઈ ગયેલો. બિઝનેસ માટે કોઈ અજાણી વ્યક્તિને મળવાનું હોય ત્યારે મારું ડિમ્પલવાળી સ્માઇલ આઇસબ્રેકર તરીકે કામ કરે છે. પહેલી મુલાકાતમાં જે ઝિજક, સંકોચ કે ઑક્વર્ડ સાઇલન્સ હોય એ બ્રેક થઈ જાય.’

કૉલેજમાં મારી ઓળખ ડિમ્પલવાળો છોકરો હતી - વિશેષ ઠક્કર

હજી હાલમાં જ પોતાનું ગ્રૅજ્યુએશન પૂરું કરનારા ભાંડુપમાં રહેતા ૨૧ વર્ષના વિશેષ ઠક્કરનું કહેવું છે કે કૉલેજમાં તેની ઓળખ જ ડિમ્પલવાળા છોકરા તરીકેની હતી. પોતાના અનુભવ શૅર કરતાં વિશેષ કહે છે, ‘લોકોને મારું નામ યાદ ન હોય, પણ ડિમ્પલને કારણે મારો ચહેરો તેમને યાદ રહે છે. મને આજે પણ યાદ છે કે. જે. સોમૈયા કૉલેજમાં ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી એક ઇન્ટર કૉલેજ કૉમ્પિટિશનનું આયોજન થયું હતું. એમાં પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન થઈ રહ્યું હતું. મારા પ્રોફેસરને મારું નામ યાદ આવતું નહોતું એટલે તેમણે મને એમ કહીને બોલાવ્યો કે ડિમ્પલ ગાય, કમ ઑન ધ સ્ટેજ. મારા હેર પણ કર્લી છે એટલે જ્યારે કોઈ મને ડિમ્પલ ગાય કે કર્લી હેર ગાય કરીને બોલાવે તો ગમે. મારી એ યુનિકનેસ છે. એના કારણે મને લોકો યાદ તો રાખે છે.’

મારી જોડિયા બહેન અને મારી વચ્ચે ફક્ત ડિમ્પલનો ફરક છે - રૂપલ નાગડા

મારા જીવનના દરેક તબક્કામાં ડિમ્પલ સાથેની મારી સ્ટોરી ગૂંથાયેલી છે એમ જણાવતાં પવઈમાં રહેતાં ૫૧ વર્ષનાં સાઇકોલૉજિસ્ટ રૂપલ નાગડા કહે છે, ‘મારી એક ટ્‍વિન સિસ્ટર છે. તેનું નામ સોનલ છે. બાળપણમાં અમે બન્ને એકબીજાની ફોટોકૉપી જ હતાં. ચહેરો જોઈને કોઈ ઓળખી જ ન શકે કે આમાંથી રૂપલ કોણ અને સોનલ કોણ. અમારી વચ્ચે બસ જ એક જ ડિફરન્સ હતો. હું હસું તો મને ગાલમાં ડિમ્પલ પડે જે મારી બહેનને નથી. મને આજે પણ યાદ છે અમારા ઘરે મારા પપ્પાના ખાસ મિત્ર આવતા. તે ઘરે આવે ત્યારે અમને બન્નેને ઊંચકીને ફ્રિજ પર બેસાડે અને કહે કે તમે બન્ને હસો તો. એટલે અમે હસીએ એટલે તરત ડિમ્પલ જોઈને તેઓ અમને ઓળખી પાડે. હું જ્યારે કૉલેજમાં આવી ત્યારે પણ મારું ડિમ્પલ જોઈને મારી ખાસ બહેનપણીનાં મમ્મી મને કહેતાં કે તારા ખાડામાં કેટલા છોકરા પડ્યા? એટલે મને બહુ હસવું આવતું. મને ઘણા લોકો એમ પણ કહેતા કે તને જમણા ગાલમાં ડિમ્પલ પડે છે એટલે તું પપ્પાની સૌથી લાડકી છે. મારા અને મારા હસબન્ડ વચ્ચે ક્યારે પણ નોકઝોક થાય ત્યારે મને મનાવવા માટે તેઓ હંમેશાં એમ બોલે કે ચલ હવે એક સ્માઇલ આપ, મારે તારા ડિમ્પલિંગ જોવા છે. છેલ્લાં ૨૫ વર્ષથી હું ફૉરેનમાં સેટલ્ડ હતી, હવે ફરી ભારતમાં આવી છું તો અમારાં સગાંસંબંધીઓ બધાં એમ જ કહે કે અત્યાર સુધી તો સોનલ જ અહીં હતી, હવે તું પાછી આવી ગઈ છો એટલે અમારે ફરી ડિમ્પલ જોઈને ઓળખાણ કાઢવી પડશે કે કોણ સોનલ છે ને કોણ રૂપલ. મારી હજી એક નાની બહેન નિયતિ છે તેને પણ ગાલમાં ડિમ્પલ પડે છે. હવે તો નિયતિને પણ એક દીકરી દેવાંશી છે અને તેને પણ ગાલમાં ડિમ્પલ પડે છે.’

ડિમ્પલ કેમ પડે છે?
ડિમ્પલ પડવાનું સૌથી કૉમન રીઝન જિનેટિક ફૅક્ટર છે. એટલે કે તમારા પેરન્ટ્સમાંથી કોઈને ડિમ્પલ હોય તો બાળકને પણ ડિમ્પલ થાય એ સ્વાભાવિક છે. ઘણી વાર સ્માઇલ કરતી વખતે જે મસલ્સ વપરાતા હોય અને ઝાયગોમૅટિકસ મસલ્સ કહેવાય છે. આ મસલ્સને કારણે પણ ચહેરા પર ડિમ્પલ પડતાં હોય છે. કેટલાક લોકોમાં આ મસલ્સ બે હિસ્સામાં વહેંચાયેલા હોય છે, જેને કારણે સ્માઇલ કરતી વખતે સ્કિન અંદર ખેંચાય છે અને ડિમ્પલ બની જાય છે. ઘણી વાર સ્કિનની ઇનર લેયર મસલથી ચીપકેલી હોય છે. જ્યારે મસલ મૂવ કરે ત્યારે એ ચોંટેલી સ્કિન ખેંચાય છે અને ડિમ્પલનું ઇલ્યુઝન આપે છે. 

columnists gujarati mid day mumbai gujaratis of mumbai gujarati community news