02 December, 2025 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લતા અને રફીસાબની ફાઇલ તસવીર
પચાસમા દાયકાના મુંબઈનો જૂનો ઝાંખો રેકૉર્ડિંગ સ્ટુડિયો. નૌશાદસાબ તાનપુરાને ટેકવીને વિચારોમાં ખોવાયેલા બેઠા છે. રફીસાબ દરવાજે બૂટ કાઢીને દાખલ થાય છે, એક મંદિરમાં દાખલ થતા હોય એમ. નૌશાદસાબને સૂરોમાં મંદિરના દીવા જેવી સ્થિર છતાં થોડી-થોડી થરકતી, આતુર નયનની વેદના જોઈતી હતી; બૈજુની વ્યાકુળતા જોઈતી હતી. રફીસાબ સૂર છેડે છે, ‘આઆઆઆ... મ...ન...ત...ડ...પ...ત...’ તરત હાથ ઉપાડી નૌશાદસાબ ટેકને રોકે છે, ‘ના... ના... આ તો ગાયકી છે. ભૂલી જાઓ તમે ગાયક છો. મને ભક્તનું રુદન જોઈએ છે.’ રૂમમાં પ્રકાશ વધુ ઓછો કરી નાખવામાં આવે છે. રફીસાબ મૌન થઈ આંખો બંધ કરી અંદર ઊતરી જાય છે. પખાવજ, તાનપુરો કંપી રહ્યાં હતાં. રફીસાબે ફરી શરૂ કર્યું. તેમના ધ્રૂજતા સ્વરોમાં લાગણીઓ જાણે તડપી રહી હતી. છેલ્લા શબ્દો ‘દ...ર...શ...ન...કો... આ...જ...’ સાથે તે ચોધાર આંસુ સારી રહ્યા હતા. કોઈ તેમને રોકવા નહોતું માગતું. સૌ એ ગંગામાં નાહી રહ્યા હતા. એ દિવસે ભારતીય ફિલ્મસંગીતે એક અજર-અમર ગીતને જન્મ આપ્યો. એ વખતે નૌશાદઅલી, મોહમ્મદ રફી, શકીલ બદાયુની, વિજય ભટ્ટ, શંકર ભટ્ટ, ઉસ્તાદ આમિર ખાન, ઉસ્તાદ પલુસ્કર બધાનો ધર્મ એક જ હતો : સંગીત. વર્ષો પછી નૌશાદસાબ બીજી કમાલ કરે છે. ‘મુગલ-એ-આઝમ’ના દરબારનાં દૃશ્યોને કે. આસિફ ભવ્યતા આપવા ઇચ્છતા હતા. નૌશાદસાબ એ જ ભવ્યતાની વચ્ચે પનઘટની છેડછાડ સૂરોમાં લાવવા માગતા હતા, ચંચળતા બતાવવા માગતા હતા; જોકે છીછરી નહીં પણ રાજસી અંદાજવાળી. પનઘટને અનુરૂપ રાગની શોધ ચાલી. કહરવા, વૃંદાવની સારંગ. સોનેરી ઝુમ્મરો નીચે પનઘટની ફીલિંગ્સ ઊભી કરવાની હતી. બાર પ્રકારની પાયલ મગાવી સૌથી હલકી ‘છનક’વાળી પસંદ કરવામાં આવી. મંદિરના ઘંટનો નાજુક ‘ટન’ ગીતમાં વણવાનો હતો. ‘લતાજી, તમે આજે ગાયિકા નથી, કાનાથી છેડાયેલી રાધા છો. તમારા અવાજમાં મટકી લઈ ઊભેલી પનિહારીની ફરિયાદ ખળભળવી જોઈએ.’ ગીત રેકૉર્ડ થાય છે. ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’ જોનારને મહેલમાં નહીં પણ પનઘટ પર ઊભા હોય એવું જ લાગે. બાય ધ વે, તમને ખબર છે મુંબઈની જૂની અને પ્રખ્યાત ડેવિડ સૅસૂન લાઇબ્રેરી દ્વારા ‘દાસ્તાન-એ-નૌશાદ’ નામે એક ઑડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે? ૬ ડિસેમ્બરેની સાંજે પાંચ વાગ્યે પહોંચી જજો કાલાઘોડા. આપનો આ મિત્ર પણ આયોજનમાં સંકળાયેલો છે. કાર્યક્રમ ‘ઓપન ફૉર ઑલ’ છે.
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)