02 December, 2025 10:30 AM IST | Mumbai | Heena Patel
બહાદુર અને બીજલ કાપડિયા
તમને જે કરવું ગમતું હોય એ કરો. એમ ન વિચારો કે આ ઉંમરે હું આ બધું કરીશ તો લોકો શું વિચારશે. લોકોની વધારે ચિંતા કરવી નહીં. આ તમારું જીવન છે અને એને તમારે તમારી મરજીથી જીવવાનું છે.
આ શબ્દો છે દિક્ષણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં રહેતાં ૭૦ વર્ષનાં બીજલ કાપડિયા અને ૭૩ વર્ષના બહાદુર કાપડિયાના. આ સિનિયર સિટિઝન કપલ તેમનું જીવન પોતાની શરતોથી જીવે છે.
આ કપલ તેમની સવારની શરૂઆત એનર્જેટિક રીતે કરે છે. આ વિશે વાત કરતાં બીજલબહેન કહે છે, ‘અમે સવારે ગિરગામસ્થિત પ્રાણસુખલાલ મફતલાલ હિન્દુ સ્વિમિંગ બાથ ઍન્ડ બોટ ક્લબમાં જઈએ. મને ત્યાં જઈને કાયાકિંગ કરવાનું ગમે છે. ચોમાસામાં કાયાકિંગ બંધ હોય એટલે એ સમયે હું જિમમાં એક્સરસાઇઝ કરું છું. મારા હસબન્ડ વૉક કરે, યોગ-મુદ્રાઓ કરે. તેમને સર્વાઇકલ પેઇનની સમસ્યા હતી, પણ મુદ્રાઓથી ઘણી રાહત મળી છે. એ પછી અમે બન્ને કૅન્ટીનમાં નાસ્તો કરીએ. એકાદ કલાક ત્યાં બધા સાથે સમય પસાર કરીએ. સાથે શૉપિંગ કરવા જઈએ, નરીમાન પૉઇન્ટ પર સનસેટ જોવા જઈએ, કૉફી પીવા જઈએ, મૂવી જોવા જઈએ. આ રીતે અમારી રિટાયર્ડ લાઇફ એન્જૉય કરીએ છીએ.’
ઍડ્વેન્ચરનો શોખ
બીજલબહેનને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ કરવી પણ બહુ ગમે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘હજી મે ગયા વર્ષે જ કામશેતમાં પૅરાગ્લાઇડિંગ કર્યું હતું. એ સિવાય પંચગની અને સાપુતારામાં પણ મેં પૅરાગ્લાઇડિંગ કર્યું છે. મેં નાયગરા ફૉલ્સ પર ઝિપલાઇન પણ કર્યું છે. ટર્કીમાં જઈને હૉટ ઍર બલૂનમાં રાઇડ કરવાની ઇચ્છા છે. મને ઘણી વાર લોકો કહે કે ઉંમરના હિસાબે તમને ડર ન લાગે કે ઍડ્વેન્ચરના ચક્કરમાં શરીરને નુકસાન થઈ જશે તો? પણ હું એકદમ સ્લિમ અને ફિટ છું. બધાં જ ઍડ્વેન્ચર કૉન્ફિડન્ટ સાથે કરું છું. જામનગરમાં હું ઘરની ગાયનાં દૂઘ-ઘી ખાઈને મોટી થઈ છું. વૃક્ષ પર ચડીને રમ્યા છીએ. બાળપણ આવું રહ્યું હોવાથી આ ઉંમરે પણ હું ફિટ છું.’
બહાદુરભાઈ બીજલબહેનથી એકદમ ઑપોઝિટ છે. તેમને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝમાં ડર લાગે. એક કિસ્સો શૅર કરતાં બીજલબહેન કહે છે, ‘એક દિવસ અમે કચ્છના માંડવી બીચ પર ગયેલાં અને ત્યાં ઊંટની સવારી કરવાનું મને મન થયું. મારા હસબન્ડને સવારી નહોતી કરવી, પણ મેં તેમને પરાણે ઊંટ પર બેસાડ્યા. એમાં તેમના પગની નસ ખેંચાઈ ગયેલી. એ પછી કોઈ દિવસ હું તેમને કોઈ પણ વસ્તુ માટે ફોર્સ કરતી નથી. એમ પણ તેમને સર્વાઇકલ પેઇનની સમસ્યા હતી એટલે તેઓ ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરીને રિસ્ક લેવાનું ટાળે છે.’
બીજલબહેન અને બહાદુરભાઈ બન્નેને લૉન્ગ ડ્રાઇવનો શોખ પણ ખૂબ છે એટલે તેઓ લોનાવલા, દેવલાલી, માથેરાન બધી જગ્યાએ જાતે ડ્રાઇવ કરીને જાય છે. એ વિશે વાત કરતાં બહાદુરભાઈ કહે છે, ‘સિટીના ટ્રાફિક વચ્ચે હું ડ્રાઇવ કરું, જ્યારે મારી પત્ની હાઇવે એક્સપર્ટ છે. મારી વાઇફને નૅચરલ ફોટોગ્રાફી કરવી બહુ ગમે. સ્ટોન પેઇન્ટિંગ કે સ્કેચિસ બનાવવા પણ તેને ગમે.’
મૅરિડ લાઇફ
બીજલબહેન અને બહાદુરભાઈનાં લગ્નને ૫૦ વર્ષ થઈ ગયાં છે. આટલાં વર્ષો છતાં બન્ને વચ્ચેના પ્રેમમાં કોઈ ઓટ આવી નથી. પસાર થતા દરેક વર્ષ સાથે તેમનો પ્રેમ વધતો જાય છે. પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં બીજલબહેન કહે છે, ‘હું મૂળ જામનગરની છું. મારો ઉછેર ત્યાં જ થયો છે. હું BAના બીજા વર્ષમાં હતી ત્યાં જ મારી સગાઈ થઈ ગયેલી. જેવું ફાઇનલ યર કમ્પ્લીટ થયું એવાં મારાં લગ્ન થઈ ગયાં. મને આજે પણ યાદ છે કે સાતમી મેએ મેં પરીક્ષાનું છેલ્લું પેપર આપેલું અને આઠમી મેએ મારાં લગ્ન મુંબઈમાં થઈ ગયાં. હું સાંજે જામનગરથી મુંબઈ ફ્લાઇટમાં આવી અને બીજા દિવસે સવારે માંડવામાં હતી. એ સમયે હું ૨૧ વર્ષની હતી અને મારા હસબન્ડ ૨૪ વર્ષના હતા. અમારાં અરેન્જ્ડ મૅરેજ હતાં.’
પત્નીએ શીખવ્યું સ્કૂટર
બહાદુરભાઈ આજે ભલે કાર ચલાવતા હોય, પણ એક સમયે તેમને સ્કૂટર ચલાવતાં પણ નહોતું આવડતું. તેઓ કહે છે, ‘હું બીજલ પાસેથી ઘણું શીખ્યો પણ છું. જેમ કે સ્કૂટર ચલાવતાં મને તેણે જ શીખવેલું. હું મારાં માતા-પિતાનો એકમાત્ર દીકરો હતો. તેમણે મને કોઈ દિવસ સ્કૂટર ચલાવવાની પરવાનગી જ નહોતી આપી. તેમને ઍક્સિડન્ટ થઈ જવાનો ભય રહેતો. બીજી બાજુ બીજલ તો જામનગરમાં સ્કૂટર લઈને બહુ રખડતી. એટલે લગ્ન બાદ અમે બીજલના નામે સ્કૂટર લીધું. એ પછી તેણે મને એ ચલાવતાં શીખવ્યું. તે બધી જ વસ્તુમાં બહુ પર્ફેક્ટ છે અને મને પણ પર્ફેક્શન તરફ લઈ જઈ રહી છે. તેની પાસેથી મારે હજી ઘણું શીખવાનું છે.’
સેકન્ડ ઇનિંગ્સ
બીજલબહેન અને બહાદુરભાઈ કહે છે, ‘ખરું જીવન અમે અત્યારે જીવી રહ્યાં છીએ. હું ૨૦૧૩માં દેના બૅન્કમાંથી બ્રાન્ચ મૅનેજરની પોસ્ટ પરથી રિટાયર થયેલો. ત્યાં સુધી જીવન બૅન્કના કામકાજમાં વીત્યું છે. બીજલનું જીવન પણ ઘર-પરિવારની જવાબદારીમાં વીત્યું છે. મારા દીકરા હર્ષની ફૅમિલી અમેરિકામાં અને દીકરી જાહ્નવીની ફૅમિલી ઓમાનમાં સેટલ્ડ છે. અહીં અમે બન્ને જ રહીએ છીએ. જવાબદારીમાંથી છૂટા થયા પછી અમારી પાસે ભરપૂર સમય છે જેને અમે મન ભરીને માણીએ છીએ. અમને જોઈને ઘણા લોકો કહેતા હોય છે કે અમારે તમારા જેવી લાઇફ જીવવી છે.’