છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૦)

24 May, 2026 02:27 PM IST  |  Mumbai | Kajal Oza Vaidya

સુશીલા પ્રજાપતિ પોક મૂકીને રડી રહી હતી... પ્રેમલતા તેની બાજુમાં બેસીને તેને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. સંજય પ્રજાપતિ બેચેનીમાં આંટા મારતો હતો. રાઘવ લોખંડે અને આયરા મન્સુરી આ દૃશ્યમાં પોતે શું કરવું એ સમજી શકતાં નહોતાં.

ઇલસ્ટ્રેશન

સુલતાનના મહેલના ભવ્ય ગેટ પાસે રહમત શુજાની ગાડી ઊભી રહી. તેણે ગાડીનો કાચ ઉતાર્યો. બહાર ઊભેલા ગાર્ડે તેને જોયો, માથું નમાવ્યું. રેન્જ રોવરનો ઑટોમૅટિક દરવાજો ઊઘડી ગયો. સામે રેતાળ રંગનો એક ભવ્ય મહેલ દેખાતો હતો. એ ‘અલ-બાડી’ પૅલેસ તરીકે ઓળખાય છે. આ માત્ર એક ઇમારત નથી; જાણે સત્તા, સંસ્કૃતિ અને ભવ્યતાની જીવંત આયાતો છે.

સાંજના ધૂંધળા પ્રકાશમાં મહેલના ઑફ-વાઇટ રંગના ગુંબજો પર સૂર્યનાં છેલ્લાં કિરણો સોનાની જેમ ઝળહળતાં હતાં. અંદર પ્રવેશ્યા પછી આ આખો પરિસર જાણે સમયથી થોડો અલગ, સમયની અસર વગરનો લાગે. પ્રવેશદ્વાર તરફ જતા ડ્રાઇવ-વે પર ગાડી પસાર થઈ રહી હતી. બન્ને બાજુ સમાન અંતરે ઊભેલાં ખજૂરનાં વૃક્ષો શાહી આવકાર માટે તૈયાર થયેલા નિઃશબ્દ સિપાઈઓની પંક્તિની જેમ ઉન્નત મસ્તકે ઊભાં હતાં. બહારના બગીચામાં પાણીના ફુવારા નીરવ સંગીતમાં ઝૂમી રહ્યા હતા. લીલાં મેદાનોની લૉન, ખજૂર અને અન્ય વૃક્ષોની સાથે વહેતો હળવો પવન, શહેરની શાંતિ અને ન્યાયનો સાક્ષી હતો. બધું મળીને એક એવું વાતાવરણ રચાતું હતું જે ભવ્યતાને ઉજાગર કરતું હતું, પરંતુ એમાં ક્યાંય દેખાડો કે સંપત્તિનું પ્રદર્શન નહોતું.

મહેલનાં દ્વાર ઊંચાં અને વિશાળ હતાં. બહાર ઊભેલા ગાર્ડે મસ્તક નમાવીને રહમત શુજાનું સ્વાગત કર્યું. રહમત શુજા અંદર પ્રવેશ્યો. દ્વારના નકશીકામમાં અરબી ભૌમિતિક ડિઝાઇન એવી સૂક્ષ્મપણે ગૂંથાયેલી હતી કે જાણે પથ્થરમાં કાવ્ય લખાયું હોય. અંદર પ્રવેશતાં જ એક વિશાળ મજલિસ દેખાઈ. ઊંચી છત, સોનેરી પ્રકાશ વેરતાં ભવ્ય ઝુમ્મર, એના પ્રકાશમાં સોનેરી દેખાતી છતનું નકશીકામ ભવ્ય હતું.

દીવાલો પર કૅલિગ્રાફીમાં આયાતો લખવામાં આવી હતી. વીતેલા સમયના સાક્ષી હોય એમ એ દરેક અક્ષર જાણે કોઈ પ્રાર્થના કે અમનના સંકલ્પનો મૌન સ્વર ઉચ્ચારતા હતા. ક્રીમ અને સુવર્ણ રંગમાં બન્ને બાજુએ ગોઠવાયેલી મખમલી બેઠકો ઓરડામાં સાદગી અને ભવ્યતા ઉમેરતી હતી.

મહેલની જમણી તરફ આવેલા સુલતાનના સ્ટડીરૂમ, કૉન્ફરન્સ રૂમ અને મહેમાન ખંડ સુધી રહમત શુજાને આદરપૂર્વક દોરી જવામાં આવ્યો. શુજા હળવા ટકોરા મારીને સુલતાનના સ્ટડીરૂમમાં દાખલ થયો. ૮૬ વર્ષની ઉંમર હોવા છતાં સુલતાન ફિટ અને આકર્ષક દેખાતા હતા. શુજાએ આગળ વધીને સુલતાનનો હાથ પોતાના હાથમાં લઈને હથેળીના પાછળના ભાગે હોઠ અડાડ્યા. ઘૂંટણ પર બેસીને સુલતાનનું અભિવાદન કર્યું, સુલતાને ઉત્તરમાં કહ્યું, ‘અહ્હન વ સહ્હન’ (તમારું સ્વાગત છે).

‘શુક્રન’ કહીને શુજા જેવો સુલતાનની સામેના ટેબલ પર ગોઠવાયો કે તરત ટ્રેમાં એક માણસ નાની-નાની પ્યાલીઓમાં (ફિનજાન) કાવો અને નાની ડિશમાં એક-એક ખજૂર લઈને આવ્યો. અરબી તહઝીબમાં કાવો પીવાનો ઇનકાર ન કરી શકાય. કોઈ પણ આરબ કાવો ઑફર કરે એટલે તેણે મિત્રતા ઑફર કરી છે એમ માનીને પહેલી વાર તો કાવો પી લેવો પડે. એ UAEની પ્રચલિત રસમ છે. ૩ વખત કાવો ઑફર કરવામાં આવે જે આદર કે સન્માનનો સંકેત છે. પહેલી વાર કાવો પીધા પછી પ્યાલીને હળવેકથી હલાવીને મૂકી દેવી એ આદરપૂર્વકનો ઇનકાર છે. બીજી કે ત્રીજી વાર આદરથી ઇનકાર કરી શકાય, પરંતુ પહેલી વાર કાવો પીવાનો ઇનકાર કરવો એ અરબી તહઝીબમાં અપમાન માનવામાં આવે છે. અરબી કાવો પીવાની પૂરી રસમ દલ્લાહ, ફિનજાન છે. જમણા હાથથી કાવો આપવાની પરંપરા છે. શુજાએ કાવાની પ્યાલી ઉપાડી. કાવો પીને એક ખજૂર લીધું. હળવેથી પ્યાલી હલાવી, કાવો પીને પાછી મૂકી. પછી ખજૂર મોઢામાં મૂક્યું.

સુલતાને ધીમેથી પૂછ્યું, ‘કોઈ માહિતી મળી?’

‘જી હઝૂર... અઝીઝ શેખ સામેના બધા જ આરોપો સાચા છે. તે જિસ્મ-ફરોશીમાં સંડોવાયેલો છે. હિન્દુસ્તાનથી આવેલી છોકરીને તેણે જ ઇટલીમાં વેચી દીધી છે.’

‘તો હવે તે છોકરી આપણા મુલ્કમાં નથી?’ સુલતાને પૂછ્યું.

‘ના હઝૂર, તે અહીંથી નીકળી ગઈ છે.’

‘તો આપણે આમાં દિલચસ્પી લેવાની જરૂર છે?’ સુલતાને પૂછ્યું. એનો અર્થ થતો હતો કે જો તે છોકરી અહીંથી નીકળી ગઈ છે તો હવે શારજાહની સલ્તનત પર રહેલી જવાબદારી પૂરી થાય છે.

‘છોકરીમાં દિલચસ્પી લેવાની જરૂર નથી હઝૂર.’ શુજાએ પૂરી નમ્રતાથી કહ્યું, ‘પણ અઝીઝ...’

‘તેના પર નજર રાખો. ગમે તેમ તોય આપણો વઝીર છે. પુરાવા વગર કોઈ પણ પગલાં લઈએ તો તેના હિમાયતીઓ તેનો બચાવ કરશે.’ સુલતાન શાંત અને સ્વસ્થ હતા, ‘શારજાહમાં કોઈ પણ પ્રકારના જિસ્મ-ફરોશી કે ડ્રગ્સના ધંધાને માફ કરવામાં નહીં આવે. ઇસ્લામ ઔરતોની હિફાઝત કરતાં શીખવે છે, ડ્રગ્સ આપણી આવનારી નસ્લને બરબાદ કરે એ આપણે નહીં જ થવા દઈએ.’ કહીને સુલતાન થોડીક ક્ષણો મૌન થઈ ગયા. રહમત શુજા તેમના હુકમની રાહ જોતો રહ્યો. સારીએવી ક્ષણોના મૌન પછી સુલતાને કહ્યું, ‘આપણે કંઈ પણ કરીશું તો તે સાવધ થઈ જશે. શાંત રહીને આપણે તેની સામે પુરાવા એકઠા કરવા જોઈએ, પછી જ પગલાં લઈ શકાય.’

‘જી હઝૂર.’ શુજાએ સહમતી દર્શાવી.

‘તમે એવા બે માણસ પસંદ કરો જે અઝીઝ વિશે રજેરજ માહિતી લાવી આપે... તેના મહેલમાં ચાલતી પ્રવૃત્તિઓના પુરાવા આપે.’ કહીને સુલતાન ઊભા થયા. શુજા પણ તેમની સાથે તેમના સન્માનમાં ઊભો થઈ ગયો. બન્ને હાથ પાછળ બાંધીને વિશાળ સ્ટડીરૂમમાં આંટા મારતા સુલતાને કહ્યું, ‘અઝીઝની સજા તો મોત છે, પણ આ વાતનો પડઘો આંતરરાષ્ટ્રીય સ્તરે પડવો જોઈએ. શારજાહની સલ્તનત જિસ્મ-ફરોશી કરતા તેમના વઝીર કે શેખને પણ માફ નથી કરતી એ વાત બધાએ જાણવી જોઈએ...’

‘જી હઝૂર.’ કહીને શુજા પાછલા પગે સ્ટડીરૂમમાંથી બહાર નીકળ્યો. સુલતાનને પીઠ ન બતાવાય એ અરબી તહઝીબનો તેણે અમલ કર્યો.

બહાર નીકળીને શુજા ગાડીમાં ગોઠવાયો. તેનું મગજ કામે લાગ્યું. અઝીઝની નિકટ એવો કોણ હોઈ શકે જે અઝીઝ વિશે રજેરજ માહિતી આપે... તેના ઝહનમાં એક જ નામ કોઈ લબકઝબક થતી લાઇટની જેમ ચમકવા લાગ્યું, ‘વિશ્વપ્પા’. અઝીઝનો ક્રાઇમ પાર્ટનર... શુજાએ ગાડી જી. બી. ઍન્ડ સન્સ તરફ લેવાનું કહ્યું.

આખી રાત જાગેલી અક્ષરાને હજી ઊંઘ આવતી નહોતી. ગઈ કાલે રાત્રે સૅલ્વેડોર સાથે વિતાવેલી ક્ષણો તેને સતત બેચેન કરી રહી હતી. આવી જ રીતે સેરેના હુકમ કરે ત્યારે જુદા-જુદા માણસોને શરીર સોંપવું પડશે એ વિચાર તેને ભીતરથી વલોવી રહ્યો હતો. શું કરવું એ સમજાતું નહોતું ને અહીંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો... દરવાજા પર બેલનો અવાજ સાંભળીને અક્ષરાએ દરવાજો ખોલ્યો. બ્રાઉન પેપરની બૅગમાં થોડીક દવાઓ આપીને એક માણસ તરત જ ચાલી ગયો. તે દવાઓને જુએ, સમજે એ પહેલાં તો સેરેનાનો ફોન આવ્યો, ‘આમાંથી એક દવા માઇલ્ડ સેડેટિવ છે. લઈ લે, ઊંઘ આવી જશે. ગમે એટલી ગોળીઓ લઈશ, મરીશ નહીં એટલે એવી મહેનત નહીં કરતી.’ કહીને સેરેના હસી, ‘બીજી ગર્ભનિરોધક પિલ છે. રોજ એક લેવાનું ભૂલતી નહીં. એના પર દિવસો પ્રમાણે તારીખો લખી છે. આમ તો અમારા બધા ક્લાયન્ટ સજ્જન છે, પ્રોટેક્શન વાપરે છે; પણ કદાચ કંઈ થાય ને તું પ્રેગ્નન્ટ થઈ જાય તો અબૉર્શનની પીડા સહેવી ન પડે એટલે આપણે પહેલેથી જ સાવધ રહેવાનું.’ તેણે ખુલ્લી અને સીધી વાત કરી.

‘મારે આ બધું નથી કરવું...’ અક્ષરાથી કહેવાઈ ગયું.

‘શું? ગર્ભનિરોધક પિલ નથી લેવી? મા બનવાના અભરખા છે કે શું?’ સેરેના હસી, કડવું-તીખું, આરપાર નીકળી જાય એવું, ‘મા બનવું જ હોત તો બિચારા તારા વરને આવી રીતે છોડ્યો જ ન હોત, કેમ?’

‘પ્લીઝ... હું એક સંસ્કારી ઘરમાં ઊછરી છું. મારાથી આ બધું નહીં થઈ શકે.’ અક્ષરાએ કહ્યું.

‘જો તું કેટલી સંસ્કારી છે એ બધા જાણે જ છે. વારે-વારે એકની એક વાત કેટલી વાર સમજાવું? બે લાખ યુરોમાં ખરીદી છે તને. વસૂલ કર્યા સિવાય તારી પાસે બીજો કોઈ રસ્તો નથી.’ સેરેનાએ ચેતવણીના સૂરમાં કહ્યું, ‘લાસ્ટ વૉર્નિંગ, આપણે આ વિશે છેલ્લી વાર વાત કરી છે. ફરી આ પંચાત કરી તો હું સીધી બૉસને રિપોર્ટ કરીશ.’ પછી તેણે કહ્યું, ‘આરામ કર... પરમ દિવસે ફ્લોરેન્સ જવાનું છે.’

‘કેમ?’ અક્ષરાથી પુછાઈ ગયું.

‘ફુટબૉલ રમવા.’ કહીને સેરેના હસી, ‘ફ્લોરેન્સનો ક્લાયન્ટ છે. તને ત્યાં બોલાવી છે...’ સેરેનાએ સૂચના આપી, ‘ઊંઘ પૂરી નહીં થાય તો ઘુવડ જેવી લાગીશ. ક્લાયન્ટ નારાજ થઈ જશે. યુ શુડ લુક ગુડ.’ કહીને તેણે ફોન મૂકી દીધો. અક્ષરાએ ફ્રસ્ટ્રેશનમાં ફોન ફેંકવાનો વિચાર કર્યો, પણ અંતે દીવાલમાં માથું પછાડીને રડવા સિવાય તેની પાસે કોઈ ઉપાય નહોતો. તેણે બ્રાઉન પેપરની બૅગ ખોલીને અંદરથી દવાઓ કાઢી, મેલૅટોનિન લખેલી એક સ્ટ્રિપમાંથી ૩ ગોળી કાઢીને ખાઈ લીધી. પાંચ જ મિનિટમાં તેની આંખો ઘેરાવા લાગી...

રુમીની સાથે તેના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં અચ્યુત અને રુમી વચ્ચે સારી ટપાટપી થઈ ચૂકી હતી. રુમી જેટલો દેખાતો હતો એટલો રમતિયાળ કે સરળ માણસ નહોતો એ વાત અચ્યુતને સમજાઈ ગઈ હતી. ઇટલીના રસ્તાઓ પરથી પસાર થઈ રહેલી લાલ કલરની કન્વર્ટિબલ એસ-ક્લાસ કૅબ્રિઓલેટમાં બેસીને મિહિર ચૂપચાપ બહારના રસ્તા જોઈ રહ્યો હતો. તે તો જાણતો હતો કે રુમી શું કરી શકે છે અને અહીં અક્ષરાને શોધવા શું કરવું પડશે એની પણ તેને ખબર જ હતી, પરંતુ અચ્યુત આ બધું સ્વીકારી લે તો જ આગળ વધી શકાશે એ સમજણ સાથે મિહિર ચૂપ બેઠો હતો.

‘હું સીધા રસ્તે કામ કરવા માગું છું...’ અચ્યુત કહી રહ્યો હતો.

‘ઇટલીમાં સીધો રસ્તો માત્ર નકશામાં દેખાય છે. હકીકતમાં બધું ગોળ ફરીને એક જ જગ્યાએ પહોંચે છે. દરેક વળાંકે તેમનો એક માણસ ઊભો હશે એટલું યાદ રાખજે.’ રુમીએ કહ્યું.

‘મને કોઈનો ડર નથી.’ અચ્યુતે કહ્યું.

રુમીના ગાલમાં ફરી ડિમ્પલ પડ્યા, ‘ઇટલીમાં ડર કોઈ માણસનો નથી હોતો. ડર ત્યારે લાગશે જ્યારે તું કંઈ પણ કરવા જઈશ એ મૂવ પહેલેથી જ કોઈને ખબર હશે... માફિયાની અવગણના થઈ શકે, પણ પછી તે માણસની સ્ટોરી બીજાઓ માટે ચેતવણી બની જાય, સમજે છે?’ રુમી કહેતો રહ્યો, ‘ઇટલીમાં જે દેખાય છે એ છે જ નહીં અને જે નથી દેખાતું એ જ સાચું ઇટલી છે... તું ટૂરિસ્ટ તરીકે નથી આવ્યો, તારી પત્નીને શોધવા આવ્યો છે તો એટલું સમજી લેજે કે ટૂરિસ્ટ ઇટલી જોવા આવે છે અને તને જે ઇટલી દેખાશે એ તારી નસોમાં લોહીને વહેતું બંધ કરી દેશે...’

‘મારે અહીં કંઈ સાબિત નથી કરવું. તેને પાછા લઈને ભારત પહોંચી જવું છે.’ અચ્યુત ઉશ્કેરાઈને કહી રહ્યો હતો, ‘હું તેને ગુમાવી બેસું એ પહેલાં મારે કંઈ કરવું જોઈએ.’

‘પાછી લાવવી છે?’ રુમી હસ્યો, ‘પહેલાં તે ક્યાં છે એ તો શોધી કાઢ... તું કંઈ નહીં કરે તો તેને ગુમાવી દેવાનો ભય છેને તને? મૂરખ? તું કંઈ કરીશને તો જાતે ગુમ થઈ જઈશ. મને મૅનેજ કરવા દે. ઉતાવળ કરવાથી કંઈ નહીં થાય. અહીં હોશિયારી કરવા જઈશ તો એકલો પણ ભારત પાછો નહીં જઈ શકે...’

‘એટલે? આના ઘરમાં જઈને ચૂપચાપ બિઅર પીતા, પીત્ઝા ખાતા બેસી રહેવાનું છે મારે?’ તેણે મિહિર સામે જોઈને ઉકળાટ વ્યક્ત કર્યો, ‘તેં તો કહ્યું હતું કે...’

‘અચ્યુત, સમજવાની કોશિશ કર. રુમી આપણી મદદ કરવા માગે છે. તે વર્ષોથી અહીં રહે છે. અહીંના તરીકા તેને વધારે સમજાય છે. આપણે જેમ ધમપછાડા કરીશું એમ અક્ષરા આપણાથી દૂર થતી જશે.’ મિહિરે આગળ બેઠેલા અચ્યુતના ખભે હાથ મૂક્યો, ‘શાંત થઈ જા, અહીં એક-એક ડગલું ફૂંકી-ફૂંકીને મૂકવું પડશે. કોઈને જરાસરખી ગંધ પણ આવશે કે આપણે અક્ષરાને પાછી લઈ જવા મિલાન પહોંચી ગયા છીએ તો આપણે કદી અક્ષરા સુધી નહીં પહોંચી શકીએ.’

અચ્યુત ચૂપ થઈ ગયો... પરંતુ તેના મગજમાં વિચારોનું ગૂંચળું વધુ ને વધુ ગૂંચવાતું રહ્યું.

સુશીલા પ્રજાપતિ પોક મૂકીને રડી રહી હતી... પ્રેમલતા તેની બાજુમાં બેસીને તેને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી. સંજય પ્રજાપતિ બેચેનીમાં આંટા મારતો હતો. રાઘવ લોખંડે અને આયરા મન્સુરી આ દૃશ્યમાં પોતે શું કરવું એ સમજી શકતાં નહોતાં.

‘જુઓ મૅડમ, તમે પોતે જ તમારી દીકરીને ભગાડી. તમે કેવી રીતે ફરિયાદ કરી શકો?’ આયરા મન્સુરી પ્રયત્ન કરી રહી હતી, પણ સુશીલા કશું સમજી શકવાની માનસિકતામાં જ નહોતી કદાચ!

‘મેં તો તેને શારજાહ મોકલી હતી... હવે શેખ કહે છે કે તે ત્યાં છે જ નહીં. તેણે પોતે મને શારજાહથી ફોન કરીને કહ્યું હતું કે તે મજામાં છે.’ સુશીલા રડતાં-રડતાં બોલી રહી હતી એટલે તેની અડધી વાત સમજાતી હતી અને અડધી વાત સમજવાનો સૌ પ્રયત્ન કરી રહ્યા હતા, ‘એ નંબર પણ બંધ છે. શેખ તો અક્ષરાને ઓળખવાની જ ના પાડે છે... અહીં આવ્યો હતો, હું પણ મળી છું તેને. અમે ત્રણે જણે જુહુ પર ‘બેરુત’માં લંચ કર્યું હતું. તેણે મને પણ સોનાની બુટ્ટી આપી...’ સુશીલા જોરથી રડવા લાગી, ‘હવે ચેક કરાવી તો ખબર પડી કે એ તો એક ગ્રામની નકલી છે...’

‘તમને એક વાર પણ વિચાર ન આવ્યો કે તમે એક સુખી દંપતીની જિંદગી વિખેરી રહ્યાં છો?’ પ્રેમલતા પોતાની જાત પર પરાણે સંયમ રાખીને અહીં બેઠી હતી. સુશીલા રડતી અટકે તો સરખી પૂછપરછ થઈ શકે એ વિચારથી સુશીલાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ ભીતરથી તેનો ગુસ્સો કોઈ રીતે કાબૂમાં રહેતો નહોતો, ‘કોઈ સગી મા પોતાના સંતાન સાથે આવું કરે?’

‘જવા દો બહેન...’ સંજય પ્રજાપતિ અત્યાર સુધી સાવ ચૂપ હતા. તેમણે દુઃખ અને ઉશ્કેરાટના મિશ્રિત સ્વરમાં કહ્યું, ‘આ બાઈએ તેનાં સપનાં પૂરાં કરવા મારી દીકરીનો ભોગ લીધો.’ તેણે રાઘવ લોખંડેની સામે જોઈને કહ્યું, ‘તે ફરિયાદ નહીં કરી શકે... પણ હું તો કરી શકુંને?’ સુશીલા રડતી અટકી ગઈ. રૂમમાં એકદમ સોપો પડી ગયો. રાઘવ લોખંડે વિસ્ફારિત આંખે સંજય સામે જોઈ રહ્યો, ‘મારી પત્નીએ મારી દીકરીને ગુમ કરી છે એવી ફરિયાદ કરી શકું?’

‘કાયદેસર રીતે... હા!’ આયરા મન્સુરીએ કહ્યું, ‘તેમણે તમને અંધારામાં રાખીને તમારી દીકરીને ગેરમાર્ગે દોરી છે. દુષ્પ્રેરણાનો કેસ બને છે. ભારતીય દંડ સંહિતા સેક્શન 415, 420, 370, 366 બધું લાગુ પડે. જો કોઈ પુખ્ત વ્યક્તિને ખોટી રીતે ભોળવીને, દુરુપયોગના ઇરાદાથી (ખાસ કરીને વિદેશ મોકલવા માટે) લઈ જવાય - તો આ માત્ર ‘મૂર્ખ બનાવવું’ નથી પણ ગંભીર ફોજદારી ગુનો બની શકે છે અને એમાં દુષ્પ્રેરણાનો કેસ પણ લાગુ પડી શકે છે.’

‘તમને હાથ જોડું છું. આ ઉંમરે મારા પર કેસ કરશો?’ સુશીલાએ હાથ જોડીને સંજયને પૂછ્યું.

‘હા... હું કેસ કરીશ. હું ઇચ્છું છું કે તું જેલમાં જાય.’ તેણે રાઘવ લોખંડે સામે જોઈને કહ્યું, ‘ચાલો, મારે પોલીસ-સ્ટેશન જવું છે. આ બાઈએ આખી જિંદગી પોતાનું ધાર્યું કર્યું છે. રડી-રડીને, ત્રાગાં કરીને સતત મને હેરાન કર્યો છે. મેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી બલ્કે ચૂપ રહીને ઘરની શાંતિ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. તે જ્યારે અક્ષરાને ફિલ્મની હિરોઇન બનાવવા માગતી હતી ત્યારે જ અચ્યુતનું માગું આવ્યું. મને લાગ્યું કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે, પણ આનાથી દીકરીનો સુખી સંસાર જોવાયો નહીં...’ તેણે પ્રેમલતા સામે જોઈને કહ્યું, ‘હું હાથ જોડીને તમારી માફી માગું છું બેન! તમારા દીકરાને જે તકલીફ પડી એમાં મારો પણ વાંક છે. હું આ બાઈની વાતમાં આવી ગયો હતો... મને માફ કરો.’ સંજય પ્રજાપતિ ચંપલ પહેરીને ઘરની બહાર નીકળી ગયો. શું કરવું એ ન સમજાતાં રાઘવ લોખંડે પણ તેની પાછળ ગયો.

‘તમારા કૉલ-રેકૉર્ડ્‍સ અને બેરુતનાં ફુટેજ મળી જશે. અક્ષરાના ખાનામાંથી શૉપિંગનાં બિલ્સ મળ્યાં છે. મૉલની એ દરેક દુકાનમાં CCTV કૅમેરા હશે જ... તમે ૩ જણ જોડે હતાં એ સાબિત થઈ જશે. અક્ષરા અહીંથી ગઈ એ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનાં ફુટેજ છે જ. સારામાં સારો વકીલ પણ તમને બચાવી નહીં શકે. તમે બહુ ખોટું કર્યું બેન. તમારી સગી દીકરીને બજારમાં ધકેલી દીધી...’ કહીને આયરા પણ ચાલી ગઈ. હવે સુશીલા અને પ્રેમલતા બે મા એ ઓરડામાં બેઠી હતી.

એક મા પોતાના દીકરાની ચિંતા કરી રહી હતી, તે પોતાના કામમાં સફળ થાય અને હેમખેમ પાછો આવો એવી પ્રાર્થના કરી રહી હતી ને બીજી મા અફસોસ, શરમ અને દુઃખના ભારથી દબાઈ ગઈ હતી.

(ક્રમશઃ)

columnists kajal oza vaidya gujarati mid day lifestyle news life and style