બારટેન્ડરમાંથી બન્યાં ઇટલીનાં પહેલવહેલાં લેડી પ્રાઇમ મિનિસ્ટર

24 May, 2026 10:28 AM IST  |  Mumbai | Aashutosh Desai

આજે જાણીએ કઈ રીતે એક સામાન્ય ગરીબ પરિવારની છોકરીએ આખા ઇટલી પર જ નહીં, વિશ્વભરના લોકોના માનસ પર એક મજબૂત છાપ અંકિત કરી છે

૨૦૨૩માં આ સેલ્ફી સાથે વાઇરલ થયેલું Melodi.

ગયા અઠવાડિયે મોદી, મેલોની, મેલડી અને melodi બહુ ચર્ચામાં રહ્યાં. જ્યારે પણ યુરોપિયન દેશનાં આ યંગેસ્ટ મહિલા વડાં પ્રધાનની વાત આવે છે ત્યારે તેમની ચુલબુલી પર્સનાલિટી સામે આવે છે.

વિશ્વ પ્લૅટફૉર્મ પર જ્યારે પણ રાજનેતાઓની મુલાકાતોની વાત થાય છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીની જોડીની વાત અવશ્ય થાય છે. એમાંય નરેન્દ્ર મોદી આ વખતે એક યુરોપિયન દેશનાં વડાં માટે આપણી એક રૂપિયાવાળી ટૉફી મેલડી લઈને ગયા એમાં તો ફરી એક વાર મોદી, મેલોની અને melodi ચર્ચામાં આવી ગયાં. ૨૦૨૩ના ડિસેમ્બર મહિનામાં દુબઈની એક ઇન્ટરનૅશનલ ઇવેન્ટમાં જ્યૉર્જિયા મેલોની અને નરેન્દ્ર મોદી મળ્યાં હતાં ત્યારે મેલોનીએ જ melodi શબ્દ કૉઇન કર્યો હતો. તેમણે બન્ને નેતાઓનો સેલ્ફી લઈને કમેન્ટ કરી હતી, ‘ગૉટ ફ્રેન્ડ્સ ઍટ COP28, melodi’. આ નવી રેસિપીને વઘાર મળ્યો મેલોનીના જ એક વિડિયોમાં જેમાં મોદી સાથેના સેલ્ફી-વિડિયોમાં ફરી મેલોનીએ કહ્યું, ‘હેલો ફ્રૉમ ધ melodi ટીમ.’

બસ, પછી તો લોકો પ્રેમથી આ જોડીને મોદી+મેલોની એમ ‘મેલોડી’ કહેવા માંડ્યા. હવે તો જેવા આ બન્ને નેતાઓ કોઈ એક સ્ટેજ પર કે એક ઇવેન્ટમાં સાથે દેખાય કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ્સની સુનામી આવી જાય છે. એવું નથી કે મેલોનીની કેમિસ્ટ્રી માત્ર નરેન્દ્ર મોદી સાથે જ મસ્ત જામે છે. મેલોની એવાં મહિલા નેતા છે જે તેમની ચુલબુલી પર્સનાલિટી માટે જાણીતાં છે. ક્યારેક ડોનલ્ડ ટ્રમ્પે ભાષણ રોકીને વચ્ચે જસ્ટ ૪૯ વર્ષનાં મેલોનીની સુંદરતાની પ્રશંસા કરી છે તો વળી થોડા સમય પહેલાં ફ્રાન્સના ઇમૅન્યુઅલ મૅક્રૉને પૅરિસમાં એક ઇવેન્ટ દરમ્યાન મળેલાં જ્યૉર્જિયા મેલોનીને ગ્રીટ કરતી વખતે ચીક-ટુ-ચીક કિસ કરીને હૂંફાળું ભેટી લીધું હતું. આલ્બેનિયાના વડા પ્રધાને તો મેલોનીનું ઘૂંટણિયે બેસીને સ્વાગત કર્યું હતું. ૨૦૨૪ની વાત કરીએ તો G7 સમિટ દરમ્યાન તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ ભ્રમિત થઈને ઑફિશ્યલ ફોટોશૂટ દરમ્યાન અહીં-તહીં ભટકવા લાગ્યા ત્યારે પ્રોફેશનલ પ્રોટોકૉલ ભૂલીને જ્યૉર્જિયા મેલોનીએ તેમને હાથ પકડીને યોગ્ય જગ્યાએ દોર્યા હતા. આ અને આવી તો અનેક ક્ષણોએ ઇટલીનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને ઇન્ટરનૅશનલ સ્તરે ચર્ચામાં લાવી દીધાં છે. વિશ્વના મોટા નેતાઓની વચ્ચે એક આગવું રિસ્પેક્ટ અર્જિત કરી ચૂકેલાં આ નેતાની ચુલબુલી પર્સનાલિટી પાછળ એક લાંબો સંઘર્ષ છે. આ વાઇરલ ક્ષણોમાં જે મેલોની જોવા મળે છે એની પાછળ જીવનમાં તેમણે જોયેલી પરિસ્થિતિઓનો બહુ મોટો ફાળો છે.


નરેન્દ્ર મોદીએ મેલોનીને આપી મેલડી ટૉફી.

નાઇટ ક્લબમાં બારટેન્ડર તરીકે કામ કરતી એક છોકરી ઇટલીની ફર્સ્ટ મહિલા વડાં પ્રધાન કઈ રીતે બની એની કહાણી પણ જબરદસ્ત ઉતાર-ચડાવવાળી રોચક છે. આજે કરીએ વાત એક એવી છોકરીની જેને જન્મ ન આપવાનો નિર્ણય તેની માએ ત્યારે કરી લીધો હતો જ્યારે તે હજી પેટમાં હતી, વાત એક એવી છોકરીની જેની લોકો તેના જાડાપણાને લીધે મજાક ઉડાવતા હતા અને વાત એક એવી છોકરીની પણ જે વૉલીબૉલ પ્લેયર બનતાં-બનતાં દેશની વડાં પ્રધાન બની ગઈ અને એક એવી છોકરીની પણ જેની તુલના ઇટલીના તાનાશાહ મુસોલિની સાથે પણ થઈ હતી. તો લિજિએ જનાબ પેશ-એ-ખિદમત હૈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પરમ મિત્ર, ઈલૉન મસ્ક સાથે ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ વચ્ચે ઇટલી પર રાજ કરી રહેલાં જ્યૉર્જિયા મેલોનીની!

મેલોનીનો જન્મ થયો હોત, જો...

ઇટલીની રાજધાની રોમના એક સાવ સાધારણ વિસ્તાર ગારબટેલામાં જ્યૉર્જિયા મેલોનીના પિતા ફ્રાન્સિસ્કો અકાઉન્ટન્ટ હતા. મેલોની જ્યારે મા ઍનાના પેટમાં હતી ત્યારે જ તેના પતિ ફ્રાન્સિસ્કો સાથે ઝઘડા એટલા વધી ગયા કે તેણે કંટાળીને એક દિવસ નિર્ણય કરી લીધો કે તે પોતાના પેટમાં ઊછરી રહેલા બાળકને જન્મ નહીં આપે! અબૉર્શન કરાવી નાખવાના નિર્ણય સાથે તે હૉસ્પિટલ સુધી તો પહોંચી ગઈ, પણ ત્યાં જ અચાનક જાણે ઍનાના પેટમાં આકાર લઈ રહેલા બાળકે તેની માના હૃદયમાં એક સંવેદનશીલ પ્રવાહ વહેતો કર્યો અને ઍના હૉસ્પિટલમાં પ્રવેશતાં અટકી ગઈ. તેણે એક બગીચામાં બેસીને શાંતિથી વિચાર કર્યો કે પતિ સાથે જે પણ અણબનાવ છે એની સજા તે બાળકને શું કામ આપે? બાળકનો એમાં શું વાંક?


આલ્બેનિયાના વડા પ્રધાને મેલોનીને ઘૂંટણિયે પડીને ગ્રીટ કર્યું હતું. 

૧૯૭૭ની ૧૫ જાન્યુઆરીએ જ્યૉર્જિયાનો જન્મ અને એક જ વર્ષની વયે બાળકી અને તેની મા બન્નેને છોડીને પિતા ચાલી ગયા કૅનેરી આઇલૅન્ડ અને કરી લીધાં બીજાં લગ્ન. બે દીકરીઓ અને તેમની સંપૂર્ણ જવાબદારી એકલી ઍના પર આવી પડી. જોકે ભણેલી-ગણેલી મહિલા અને એમાં વળી લિટરેચરમાં જબરદસ્ત રસ. દિવસભર ઍના બન્ને બાળકીઓને સંભળાતી અને રાત્રે જાગીને નૉવેલ લખતી. રાતના ઉજાગરા સાથે લખેલી એ નૉવેલ ઍના પબ્લિશર્સ પાસે જઈને છપાવતી અને આ રીતે જે પૈસા મળે એનાથી બન્ને બાળકીનું ભરણપોષણ કરતી. સ્ટ્રગલના આ દિવસો દરમ્યાન ઍનાએ લગભગ ૧૪૦ જેટલી નૉવેલ લખી હતી. દીકરીઓ ધીરે-ધીરે મોટી થવા માંડી હતી અને પિતાની જરૂરિયાત તેમને પણ વર્તાતી હતી. મેલોની ક્યારેક પિતાને મળવા કૅનેરી આઇલૅન્ડ જઈ આવતી ખરી, પણ ૧૧ વર્ષની ઉંમર પછી તેણે પિતા સાથેનો સંપર્ક તોડી નાખ્યો. શા માટે? કારણ કે ક્યારેક અકાઉન્ટન્ટ હતા એ પિતા હવે ડ્રગ્સની તસ્કરી કરવા માંડ્યા હતા.

નાનકડી બાળકીની નાનકડી ભૂલ

મેલોની અને તેની મોટી બહેન આર્યાના તેમની રૂમમાં એક ટેન્ટ બનાવીને રમી રહ્યાં હતાં. બન્ને બાળકીઓએ ટેન્ટમાં પ્રકાશ માટે એક મીણબત્તી સળગાવી અને રમવા માંડી. સાંજ પડતાં પોતાના ફેવરિટ કાર્ટૂનનો સમય થવાથી બન્ને બહેનો ટીવી જોવા માટે બીજી રૂમમાં ચાલી ગઈ અને ધ્યાન જ ન રહ્યું કે પોતાની રૂમમાં મીણબત્તી સળગે છે. જોતજોતામાં તો એક નાની મીણબત્તીને કારણે પહેલાં ટેન્ટ, ત્યાર બાદ બેડ અને ત્યાર પછી આખો રૂમ આગની જ્વાળાઓથી સળગવા માંડ્યો. આ આગ એટલી ભયંકર હતી કે ઍનાનું આખું ઘર સળગી ગયું. નજીવા સામાન સાથે ઍના અને તેની બે દીકરીઓએ એ ઘર છોડી દેવું પડ્યું અને સાથે જ છોડવું પડ્યું પરસેવાનું પાણી કરીને કમાયેલું થોડુંઘણું ભવિષ્ય. ઘર છોડ્યું, થોડીઘણી બચત પણ બળી ગઈ અને રહેવા જવું પડ્યું એક એવા વિસ્તારમાં જ્યાં મજૂરો રહેતા હતા.

દાદીનાં લાડ, લોકોમાં અવગણના

માત્ર ૯ વર્ષની જ્યૉર્જિયા મેલોની ૭૦ કિલો વજન ધરાવતી સ્થૂળ શરીરવાળી છોકરી હતી. કારણ શું? દાદીનાં લાડ. રોજ રાત્રે સૂતાં પહેલાં મેલોનીને દૂધનો ગ્લાસ પિવડાવતી અને બિસ્કિટ્સ ખવડાવતી દાદીને લાગતું હતું કે છોકરું જાડું હોય તો હેલ્ધી હોય. જોકે એ જ જાડાપણાને કારણે મેલોની સ્કૂલમાં બીજા છોકરાઓ સામે મજાકનું કારણ બનવા માંડી. કોઈ દોસ્તી કરે નહીં, કોઈ રમાડે નહીં અને કલાસમાં પણ છેક છેલ્લી બેન્ચ પર બેસવાનું. સામાન્ય રીતે બાળક આવી મજાક અને અવગણનાને કારણે ડિપ્રેશનમાં ચાલી જતું હોય છે અથવા એકલું રહેતું હોય છે, પોતાની અલગ આભાસી દુનિયા બનાવતું થઈ જતું હોય છે; પરંતુ, મેલોનીના કિસ્સામાં સાવ અલગ થયું. આ મજાક અને અવગણવાને કારણે તે તૂટવાને બદલે વધુ મજબૂત બની.


મમ્મી અને નાની સાથે મેલોની. ટીવી-જર્નલિસ્ટ ઍન્ડ્રિયા ગિએમ્બ્રુનો સાથે મેલોની ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. ૨૦૨૩માં તેઓ છૂટાં પડી ગયાં હતાં. આ સંબંધથી તેમને જીનેવ્રા નામની દીકરી છે.

મેલોનીએ એ નાની ઉંમરમાં એક સપનું જોયું હતું કે તેણે વૉલીબૉલ પ્લેયર બનવું છે. એક દિવસ બાગમાં કેટલાક લોકોને વૉલીબૉલ રમતા જોઈને તે પણ રમવા માટે પહોંચી ગઈ, પરંતુ નાની હાઇટ અને જાડું શરીર. બધાએ તેની મજાક ઉડાવતાં તેના ચહેરા પર બૉલ ફેંક્યો અને તેને કોર્ટની બહાર કાઢી મૂકી. આ એક ઘટના મેલોની માટે જાણે તેના ગાલ પર વાગેલો જબરદસ્ત તમાચો સાબિત થઈ. ત્યાર પછીના ૩ મહિના દરમ્યાન તેણે પોતાની ડાયટ બદલી, આદત બદલી, દોડવાનું શરૂ કર્યું અને પરસેવાનો રંગ ખુશીનો રંગ લઈને આવ્યો. ૩ જ મહિનામાં તેણે પોતાનું ૧૦ કિલો વજન ઘટાડ્યું. વાત અહીં જ પૂરી નથી થઈ જતી. ૩ મહિના બાદ તે ફરી પેલા વૉલીબૉલ કોર્ટ પર ગઈ, એ જ લોકો સાથે રમી અને પોતાના એવા ખેલનું પ્રદર્શન કર્યું કે ૩ મહિના પહેલાં મજાક ઉડાવતા એ જ લોકો આજે મેલોની માટે વાહ-વાહ કરવા માંડ્યા. મેલોની કહે છે, ‘દુશ્મન પણ ખૂબ કામમાં આવે છે કેમ કે તે તમને બદલવા માટે મજબૂર કરે છે!’

ઝનૂન અને જુસ્સાવાળા ભાષણથી છવાયાં

આ એ જ જ્યૉર્જિયા મેલોનીની વાત છે જેમણે ૨૦૧૯ના તેમના એક પ્રખ્યાત ભાષણમાં કહ્યું હતું કે ‘હા, હું જ્યૉર્જિયા છું, હું એક મહિલા છું, એક મા છું, એક ઇટાલિયન છું અને ઈસાઈ છું!’ તેમનું એ એક ભાષણ અને એમાં ઝનૂન અને ગુસ્સા સાથે કહેવાયેલી એ વાત એવી તો સ્પાર્કલિંગ સાબિત થઈ કે મેલોની જ નહીં, તેમનું એ ભાષણ પણ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયું. ભાષણમાં કહેવાયેલું એ એક વાક્ય મેલોનીને એટલી ખ્યાતિ અપાવી ગયું કે એના પરથી ગીતો બનવા માંડ્યા, ક્વોટ્સ બનવા માંડ્યા અને મેલોની આખા વિશ્વમાં લોકપ્રિયતાના આકાશને આંબી ગયાં. આ બધાનું પરિણામ? ઇટલી નામના યુરોપના એ દેશે એ જોયું જે આ જ પહેલાં ક્યારેય બન્યું નહોતું. પેશ હૈ જ્યૉર્જિયા મેલોની! ઇટલી કી સર્વપ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર!

રાજકારણ અને મેલોનીનો ભેટો

પૈસાની તંગીને કારણે જ્યૉર્જિયા કૉલેજ ન જઈ શકી. તે CD વેચીને અને બાળકોની દેખરેખ રાખીને પૈસા કમાતી. રોમની જાણીતી નાઇટ ક્લબ ‘પાઇપર’માં તેણે બારટેન્ડર તરીકે પણ કામ કર્યું. ૧૫ વર્ષની ઉંમરે તે તેની ઉંમરની છોકરીઓ કરતાં અનેકગણી વધુ દુનિયા જોઈને ઘડાઈ ચૂકીહતી. એક ઇન્ટરવ્યુમાં તો તેણે કહ્યું હતું કે ‘મેં જિંદગી વિશે સંસદમાં કામ કરીને નહીં, બાર-કાઉન્ટરની પાછળ ઊભા રહીને ખૂબ શીખ્યું છે.’

૧૯૯૦નો દશક. વિશ્વભરની રાજનીતિ આ સમયગાળા દરમ્યાન નવો વળાંક લઈ રહી હતી. એક તરફ કોલ્ડવૉર ખતમ થઈ રહી હતી અને બીજી તરફ કમ્યુનિસ્ટ વિચારધારાનું પતન શરૂ થઈ ચૂક્યું હતું. ૧૯૯૨માં સોવિયેટ સંઘનું પતન થયું ત્યારે એની અસર વિશ્વના અનેક દેશો પર પડી. બન્યું કંઈક એવું કે ઇટલીમાં પણ જૂની અને મોટી-મોટી પૉલિટિકલ પાર્ટીઓ એમના પતન તરફ હતી. મોટા-મોટા નેતાઓ અને પાર્ટીઓમાં ભ્રષ્ટાચાર એવો પગપેસારો કરી ચૂક્યો હતો કે ઇટલીમાં એક પછી એક બધા નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગવા માંડ્યા અને એની આકરી તપાસ પણ થવા માંડી. આ બધાનું પરિણામ કંઈક એવું આવ્યું કે આખું ઇટલી સુન્ન થઈ ગયું. મોટા-મોટા બિઝનેસમેનો, નેતાઓ, પ્રધાનોથી લઈને વડા પ્રધાન સુધીના તમામ ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હોવાના પુરાવા બહાર આવવા માંડ્યા. આખરે બધી રાજનૈતિક પાર્ટીઓ અને નેતાઓ એક પછી એક લોકોની નજરો, રાજકારણ અને રાજગાદી પરથી ઊતરવા માંડ્યા. ઇટલીનો આ સમય એના રાજકારણ અને પૉલિટિકલ પાર્ટીઓ માટે ગ્રહણનો સમય હતો એમ કહીએ તો પણ ચાલે.

પણ અંધારામાં એક નાના દીવડા જેવું કશુંક હજીયે પ્રજ્વલિત હતું. MSI - મૂવીમેન્તો સોશ્યલ ઇટાલિયાનો આ એક એવી રાજનૈતિક પાર્ટીનું નામ હતું જેના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહોતો, પણ અહીં તકલીફ મોટી એ હતી કે MSIની સ્થાપના મુસોલિનીના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. હવે ઇટલીમાં મુસોલિનીની રિપબ્લિકન ફાસિસ્ટ પાર્ટીને પહેલેથી જ બૅન કરી દેવામાં આવી હતી અને બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોમાં મુસોલિની અને તેની પત્નીને મારી નાખીને ઊંધાં લટકાવી દેવામાં આવ્યાં હતાં. જોકે બીજી તરફ ઇટલીની જનતા કમ્યુનિસ્ટ પાર્ટીને પણ સત્તાથી દૂર રાખવા માગતી હતી. આથી MSIને પોતાનો પ્રભાવ ફરી એક વાર ફેલાવવાનો મોકો મળી ગયો. આ એ સમય હતો કે જ્યારે જ્યૉર્જિયા મેલોની નામની માત્ર ૧૫ વર્ષની બાળકીના મનમાં રાજનીતિનો પાયો નખાયો. મેલોની જ્યાં રહેતી હતી ત્યાં MSIનો સારોએવો પ્રભાવ હતો. એક દિવસ અચાનક મેલોની પાર્ટીની ઑફિસ પહોંચી ગઈ અને કહ્યું કે ‘મારે પાર્ટીના સદસ્ય બનવું છે!’ જબરદસ્ત આત્મવિશ્વાસ અને ચહેરા પર ડરની કોઈ રેખા નહીં. પાર્ટીના સભ્યો તે છોકરીથી પ્રભાવિત થઈ ગયા અને તેને યુવા મોરચાની સદસ્ય બનાવી લીધી.

સાલ હતી ૧૯૯૫, કમ્યુનિસ્ટને સત્તા પર નહીં આવવા દેવા માગતું ઇટલી MSIનો વિરોધ નહોતો કરી રહ્યું, પણ ખાસ આગળ પણ વધવા નહોતું દઈ રહ્યું. આથી પાર્ટીના મોટા નેતાઓને લાગ્યું કે તેમની પાર્ટીની મુસોલિની સાથે જોડાયેલી જડો તેમને આગળ વધતાં રોકે છે. આખરે MSIનું નામ અને ઓળખ બદલીને ૧૯૯૫ની સાલમાં નવી પાર્ટી અને નવું નામ રાખવામાં આવ્યું નૅશનલ અલાયન્સ! ત્યાર બાદ આવ્યું ૧૯૯૬નું વર્ષ. પાર્ટી મુસોલિની અને તેના નામ સાથે સંબંધ તોડતી જઈ રહી હતી અને ત્યાં જ એક રૅલી દરમ્યાન ભાષણમાં જ્યૉર્જિયા મેલોની નામની તે છોકરીએ તેનાં વખાણ કરતાં કહ્યું, ‘મને લાગે છે કે મુસોલિની એક સારા રાજનેતા હતા અને તેમણે જે કંઈ કર્યું એ ઇટલી માટે કર્યું.’ તેને કદાચ નહોતી ખબર કે રૅલીમાં ભાષણ દરમ્યાન કહેવાયેલું આ એક વાક્ય તેને ભવિષ્યમાં કેટલું ભારે પડવાનું હતું. સક્રિય કાર્યકર્તા અને આત્મવિશ્વાસ - હવે મેલોનીને નૅશનલ અલાયન્સ પાર્ટીના યુથ વિંગની લીડર બનાવી દેવામાં આવી હતી. તેને જાણે બસ આ એક પદની જ જરૂર હતી મોટી છલાંગ મારવા માટે. યુથ વિંગનાં લીડર તરીકેનો કાર્યભાર સંભાળ્યાને માત્ર બે જ વર્ષ થયાં હતાં અને જ્યૉર્જિયા મેલોની રોમનાં કાઉન્સેલર તરીકે ચૂંટાઈ આવી.


બાર-ટેન્ડર તરીકે કામ કરતાં જ્યૉર્જિયા મેલોની.

ઊંચી ઉડાન માટેનો પહેલો વળાંક

વર્ષ હતું ૨૦૦૬નું જ્યારે ૨૯ વર્ષની યુવાન ઉંમર અને રાજનીતિનો ૭-૮ વર્ષનો અનુભવ. મેલોની પહેલી વાર રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીમાં ચૂંટાઈને ઇટલીની સંસદના લોઅર હાઉસ - હાઉસ ઑફ ડેપ્યુટીમાં પહોંચી હતી. ત્યાં જ ૨૦૦૭ની સાલમાં નૅશનલ અલાયન્સ પાર્ટીનો ફોરઝા ઇટાલિયા પાર્ટીમાં વિલય થઈ ગયો. આ બે પૉલિટિકલ પાર્ટીના વિલય બાદ નવી પાર્ટીનું નામ રાખવામાં આવ્યું ‘પીપલ ઑફ ફ્રીડમ’. હવે PDL આખા ઇટલીમાં એક જબરદસ્ત મોટી અને તાકતવર પૉલિટિકલ પાર્ટી બની ચૂકી હતી. મેલોનીને આ નવી પાર્ટીમાં પણ મહત્ત્વનું સ્થાન અને મહત્ત્વનો કાર્યભાર આપવામાં આવ્યાં. ૨૦૦૮ની સાલમાં જ્યૉર્જિયા મેલોનીને યુવાનોનું પ્રતિનિધિત્વ કરનારાં મંત્રી તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો. માત્ર ૩૧ વર્ષની યુવા ઉંમર, મેલોનીએ ઇટલીમાં એક નવો જ ઇતિહાસ સરજ્યો. ઇટલીના રાજકારણના ઇતિહાસમાં સૌથી યુવાન વયે મંત્રી બનનાર તરીકે મેલોનીનું નામ અંકિત થઈ ચૂક્યું હતું.

પરંતુ કહે છેને કે ડાયનૅમિક પર્સનાલિટીને ખોટી રીતે બાંધી રાખવી શક્ય નથી. મેલોનીની પાર્ટી PDL સાથે અનેક એવી બાબતો થવા માંડી જેને કારણે મેલોનીની અંદર અસંતોષ અને ફરિયાદની લાગણી વધવા માંડી. વાત કંઈક એવી હતી કે ફોરઝા ઇટાલિયા પાર્ટીના સુપ્રીમો અને તેની નજીકના લોકો જ બધા મહત્ત્વના નિર્ણયો લેતા હતા જેમાંના મોટા ભાગના નિર્ણયો અને યોજનાઓ મેલોનીને ખોટાં લાગતાં. જોકે મેલોની જેવા નેતાઓએ કૅમેરા સામે જઈને એ જ નિર્ણયોને સાચા દેખાડવાનો પ્રયત્ન કરતા રહેવું પડતું. આખરે ૨૦૧૨ની સાલમાં તેણે PDL સાથે સબંધ તોડી નાખ્યો અને કેટલાક નજીકના મિત્રો અને ફૉલોઅર્સ સાથે એક નવી પાર્ટીની રચના કરી, ‘બ્રધર્સ ઑફ ઇટલી’. આ નામ ઇટલીના રાષ્ટ્રગીતની પહેલી પંક્તિના પહેલા શબ્દો લઈને રાખવામાં આવ્યું હતું.

બ્રધર્સ ઑફ ઇટલી

નવી પાર્ટી, નાની પાર્ટી, ન ફન્ડ, ન સમર્થન, ન મીડિયા! શરૂઆતના દિવસો મેલોની માટે અત્યંત કઠિન સાબિત થયા. સિલક તરીકે તેમની પાસે જો કશુંક હતું તો એ હતો તેમના વિચારો અને માન્યતામાં અતૂટ આત્મવિશ્વાસ. પણ આટલા માત્રથી ચૂંટણીઓ નથી જીતી શકાતી. ૨૦૧૩ની પહેલી જ ચૂંટણીમાં મેલોનીની પાર્ટીને માત્ર બે ટકા વોટ મળ્યા. સતત મહેનત, લોકોમાં વિશ્વાસ સંપાદન, ફન્ડ મેળવવું અને મીડિયાનો સાથ. આ બધા માટે મેલોનીએ પાર્ટીની કમાન પોતાના હાથમાં લીધી અને શરૂ કરી મહેનત. ૨૦૧૮ની સામાન્ય ચૂંટણીમાં વોટ-શૅર વધ્યો તો ખરો, ડબલ કરતાં વધુ થયો પણ એ આંકડો હજીયે માત્ર સાડાચાર ટકા હતો. લોકોએ કહેવા માંડ્યું હતું કે આ પાર્ટીના હાલ પણ MSI જેવા જ થશે, ધીરે-ધીરે પાટિયાં પડી જશે અને પાર્ટી બંધ થઈ જશે.

લોકોની આ માન્યતાને એ કહેવાવાળા લોકોએ એટલી ગંભીરતાથી નહોતી લીધી જેટલી મેલોનીએ લીધી હતી. મહેનત વધી, ગ્રાઉન્ડ-લેવલ વર્ક વધ્યું અને લોકોને જ નહીં તેમના વિસ્તારોને જાણવાની, નીચે ઊતરીને કામ કરવાની અને પાર્ટીની ફિલોસૉફી સામાન્ય લોકો સુધી પહોંચાડવાની એક જબરદસ્ત જદ્દોજહદ શરૂ થઈ ગઈ. મેલોનીનું આ વિઝન ધાર્યા અનુસાર પરિણામ લઈને આવ્યું. ૨૦૨૨ની સાલમાં બ્રધર્સ ઑફ ઇટલીને ૨૬ ટકા જેટલો વોટ-શૅર મળ્યો અને બીજી પૉલિટિકલ પાર્ટીઓ સાથે અલાયન્સ કરી મેલોની દેશનાં વડાં પ્રધાન બની ગયાં. ઇટલીના રાજકારણના ઇતિહાસમાં આ પહેલી વાર બન્યું હતું કે કોઈ મહિલા ઇટલીનાં વડાં પ્રધાન બની હતી.

આટલી ઝડપી સફળતાનું કારણ શું?

વાસ્તવમાં મેલોનીની પોતાની છબિ લોકોમાં એક પ્રામાણિક અને આત્મવિશ્વાસુ રાજકારણી તરીકેની હતી. લોકોને મેલોનીનો બોલવાનો અંદાજ અને તેમની છટા ખૂબ પ્રભાવિત કરતાં હતાં. તે કાયમ એક જ વાત કહેતાં કે ઇટલી અને ઇટાલિયન પહેલાં, બાકી બધું ત્યાર બાદ! એવામાં મેલોનીનું એક ભાષણ અને એમાં કહેવાયેલું એક વાક્ય જબરદસ્ત વાઇરલ થઈ ગયું, યુવાઓમાં મેલોની જબરદસ્ત લોકપ્રિય બની ગયાં અને તેમના એ વાક્ય પરથી ગીતો બન્યાં, રીમિક્સ બન્યાં અને ઇટલીની ક્લબોમાં વાગવાં માંડ્યાં. એમાં વળી રાજકારણની દૃષ્ટિએ મોટામાં મોટી વાત એ હતી કે તત્કાલીન સરકાર ઇટલીની લગભગ તમામ મોટી પૉલિટિકલ પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને બનેલી સરકાર હતી અને એકલી મેલોનીની પાર્ટી વિપક્ષ તરીકે બેઠી હતી. તત્કાલીન સરકારના કાર્યકાળ દરમ્યાન વીજળી અને ગૅસની કિંમતો સતત વધતી જઈ રહી હતી અને એને કારણે મોંઘવારીનો દર પણ વધી રહ્યો હતો. લોકોને લાગવા માંડ્યું હતું કે સરકાર યુરોપીય સંઘના ઇશારે કામ કરી રહી છે. જનતાને પજવી રહેલી આ પરેશાનીમાં સૌથી નજીકનો ઇલાજ હતો જ્યૉર્જિયા મેલોનીને સત્તા આપવામાં આવે.

ડેટ ઍન્ડ દોસ્તી 

હા, આ પૉઇન્ટ વાંચવામાં અને ચર્ચવામાં આપણને બધાને જ મજા પડશે, ખરુંને? ૨૦૨૪માં એક સમય એવો આવ્યો હતો જ્યારે માત્ર ઇટલીમાં જ નહીં, આખા વિશ્વમાં એક ફોટો જબરદસ્ત વાઇરલ થઈ ગયો અને લોકો કહેવા માંડ્યા કે મેલોની અને ઈલૉન મસ્ક ડેટ કરી રહ્યાં છે. કહાની કંઈક એવી છે કે ન્યુ યૉર્કમાં એક ભવ્ય અવૉર્ડ સમારંભ હતો જેમાં મેલોનીનું સન્માન થવાનું હતું અને ઈલૉન મસ્ક પણ એ અવૉર્ડ ફંક્શનમાં હાજર હતા. આ જ ફંક્શનનો એક ફોટો વિશ્વભરમાં વાઇરલ થઈ ગયો જેમાં મેલોની અને મસ્ક હસી રહ્યાં હતાં અને એકબીજા સાથે વાત કરી રહ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર લોકોએ એ ફોટો ચીપકાવીને કહેવા માંડ્યું કે આ તો ડેટિંગવાળો ફોટો લાગી રહ્યો છે. આ વાઇરલ એટલું જબરદસ્ત ચાલ્યું કે લોકોએ તેમનાં નામ જોડીને ‘ઈલોની-મેલોની’ પણ બનાવી નાખ્યું અને એ હૅશટૅગ ચાલી પણ પડ્યું. આ વાત એટલી લાંબી ચાલી અને ગરમ-ગરમ ખબરોમાં વહેવા માંડી કે ઈલૉન મસ્કે જાહેરમાં આવીને સફાઈ આપતાં કહેવું પડ્યું કે ‘અમે ડેટ નથી કરી રહ્યાં, હું મારી માની સાથે એ ફંક્શનમાં ગયો હતો.’


જ્યૉર્જિયા મેલોની અને ઈલૉન મસ્ક

ચડાવ-ઉતાર અને ચડાવ

વડા પ્રધાન બનેલાં મેલોની પર અનેક વાર એવા આરોપો લાગ્યા છે કે તે લેડી મુસોલિની છે, મુસોલિનીની વિચારધારાને સમર્થન આપનારાં છે. આલોચનાના આ સમય દરમ્યાન જ તેમનો એક વિડિયો આખા ઇટલીમાં વાઇરલ થઈ ગયો. આ વિડિયો એ જ વિડિયો હતો જે તેમણે યુવા વયે મુસોલિનીને એક સારો રાજનેતા ગણાવતાં કહ્યું હતું, જ્યારે તે માત્ર ૧૯ વર્ષનાં હતાં અને રાજનીતિમાં નવાં-નવાં હતાં.

આ સિવાય તેમની ઇસ્લામિક વિચારધારા અને ઈસાઈ પંથ માટેનાં નિવેદનોને કારણે પણ તે અનેક વાર વિવાદોમાં ફસાતાં રહ્યાં છે. મેલોનીનું માનવું છે કે યુરોપના દેશોનું જે ધીરે-ધીરે ઇસ્લામીકરણ થઈ રહ્યું છે એ યુરોપીય સંસ્કૃતિ સાથે ક્યારેય ભળી શકે એમ નથી અને યુરોપના દેશોમાં ઇસ્લામના ફેલાવાને અટકાવવો જોઈએ. મસ્જિદો માટેનાં નિવેદનો, મૌલવીએ ભાષણો ઇટાલિયન ભાષામાં આપવાની વાત આવાં અનેક નિવેદનોને કારણે મેલોનીને અનેક વાર ‘ઇસ્લામોફોબિક’ તરીકે પણ ગણાવવામાં આવે છે. આ સિવાય સમલૈંગિકતા અંગેનાં તેમનાં નિવેદનો અને વિચાર માટે પણ તેમની ઘણી વાર આલોચના થતી રહી અને દેશમાં અનેક વાર વિરોધ-પ્રદર્શનો અને રૅલીઓ પણ થયાં.

આ બધા સાથે યુરોપીય સંઘ અને રશિયા-યુક્રેન વૉર વિવાદ - જે મેલોની વિપક્ષમાં હતાં ત્યારે રશિયાનું સમર્થન કરી રહ્યાં હતાં તે જ મેલોની સત્તા પર આવતાં જ યુક્રેનના સમર્થનમાં આવી ગયાં. એટલું જ નહીં, તેમણે યુક્રેનને યુદ્ધમાં આર્થિક મદદ પણ કરી. આ પણ એક મોટું કારણ રહ્યું જ્યારે મેલોની વિશ્વના રાજકારણમાં અને ઇટલીના રાજકારણમાં પણ ચર્ચામાં રહ્યાં.

giorgia meloni italy elon musk europe narendra modi columnists gujarati mid day