આશા ભોસલેના સ્વરને નવો આયામ આપવામાં સંગીતકાર રવિએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે

24 May, 2026 02:01 PM IST  |  Mumbai | Rajani Mehta

૨૦૧૧ની ૮ મેએ રાતે ‘સંકેત’ના ઉપક્રમે અમે સંગીતકાર રવિના અભિવાદન નિમિત્તે ‘ચૌદહવી કા ચાંદ હો’ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં તેમણે સ્વરબદ્ધ કરેલાં ગીતોની રજૂઆત થઈ હતી. એ સમયે તેમની સાથે જે મુલાકાતો થઈ એમાં તેમની સંગીતયાત્રા વિશે અનેક વાતો થઈ હતી.

આશા ભોસલેના સ્વરને નવો આયામ આપવામાં સંગીતકાર રવિએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે

આશા ભોસલે જેમને પ્રેમથી આપણે આશાતાઈ કહીએ છીએ તેમનું થોડા સમય પહેલાં નિધન થયું અને એક યુગનો અંત આવ્યો. જીવનના અંતિમ શ્વાસ સુધી તેઓ સંગીતક્ષેત્રે કાર્યરત રહ્યાં. તેમની સફળતાની અને એની પાછળના સંઘર્ષની વાતોનો એક ગ્રંથ લખી શકાય. તેમની કારકિર્દીને ઘડવામાં ૩ સંગીતકારોનો પ્રમુખ ફાળો હતો. તે હતા ઓ. પી. નય્યર, એસ. ડી. બર્મન અને આર. ડી. બર્મન. તેમના વિશે વિસ્તારથી વાતો કરવી છે, પણ એ પહેલાં એવા સંગીતકારોને યાદ કરીએ જેમણે આશાજી સાથે પ્રમાણમાં ઓછું કામ કર્યું પરંતુ તેમની ગાયકીને નવી ધાર આપી.

એમાં સૌથી પહેલું નામ આવે છે સંગીતકાર રવિનું. રવિશંકર શર્મા અને આશા ભોસલેની પ્રગતિનો ગ્રાફ એકસાથે સફળતાની સીડી ચડતો હતો. સંગીતકાર રવિની પ્રથમ ફિલ્મ હતી ૧૯૫૫માં દેવેન્દ્ર ગોયલની ‘વચન’. ફિલ્મમાં ૭ ગીત હતાં જેમાં દરેકમાં આશા ભોસલેનો સ્વર સામેલ હતો. ‘જબ લિયા હાથ મેં હાથ, નિભાના સાથ મેરે સજના, દેખો જી હમે છોડ ન જાના’ (મોહમ્મદ રફી સાથે), ‘ચંદામામા દૂર કે, પુએ પકાએ બૂર કે, આપ ખાએ થાલી મેં, મુન્ને કો દે પ્યાલી મેં’ અને ‘ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે’ અત્યંત લોકપ્રિય થયાં હતાં. આ ગીતોએ આશાતાઈને પ્રથમ હરોળનાં ગાયિકા તરીકે સ્થાપિત કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. (સંગીતકાર તરીકે પોતાની પ્રથમ ફિલ્મની સફળતા બાદ જ્યારે થોડાં વર્ષો પછી રવિએ ખારમાં બંગલો લીધો ત્યારે એનું નામ ‘વચન’ રાખ્યું હતું.) રવિ અને આશા ભોસલેની જોડી એકમેક માટે લકી સાબિત થઈ અને આ જોડીએ સંગીતપ્રેમીઓને ૩૮૫ ગીતો આપ્યાં.

૨૦૧૧ની ૮ મેએ રાતે ‘સંકેત’ના ઉપક્રમે અમે સંગીતકાર રવિના અભિવાદન નિમિત્તે ‘ચૌદહવી કા ચાંદ હો’ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં તેમણે સ્વરબદ્ધ કરેલાં ગીતોની રજૂઆત થઈ હતી. એ સમયે તેમની સાથે જે મુલાકાતો થઈ એમાં તેમની સંગીતયાત્રા વિશે અનેક વાતો થઈ હતી. આશા ભોસલેની વાત કરતાં તેઓ કહે છે...

મારી પ્રથમ પસંદગી લતા મંગેશકર અને મોહમ્મદ રફી હતાં, પરંતુ મારે ફિલ્મના બજેટનો પણ ખ્યાલ રાખવો પડે એટલે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર સાથે ગીતો રેકૉર્ડ કર્યાં. જોકે સદાય એવું નહોતું બનતું. જો બી. આર. ચોપડા કહે કે મારે આશા ભોસલે જ જોઈએ છે તો હું આનાકાની ન કરું. એ પછી મારી જવાબદારી છે કે સિંગર પાસેથી ઉત્તમ કામ કેવી રીતે લેવું. એટલે જ ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાઝ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી ફિલ્મોમાં મેં આ બન્ને કલાકાર સાથે ગીતો રેકૉર્ડ કર્યાં.

મોટા ભાગનાં બિગ બૅનર્સનો આગ્રહ રહેતો કે અમારે લતા મંગેશકર જોઈએ છે. હું એ વાતનો ઇનકાર નહીં કરું કે લતાજી મારી પહેલી પસંદ હતાં, પરંતુ જો ફિલ્મમેકર તૈયાર હોય તો હું આશાજીને સાથે એક્સપરિમેન્ટ કરવા હંમેશાં તૈયાર રહેતો. જેમ કે રામ મહેશ્વરીની ‘કાજલ’માં મીનાકુમારી પર ફિલ્માંકન થયેલા ‘તોરા મન દર્પન કહલાએ’ માટે મેં આશાજીને પસંદ કર્યાં. આપણે સૌએ આશાજીની ક્ષમતાને ઓછી આંકવાની ભૂલ કરી છે. હું પ્રોડ્યુસરનો કમ્પોઝર છું. તેમની ઇચ્છા પ્રમાણે જે સિંગર નક્કી કરે તેની પાસેથી ઉત્તમ કામ લેવું જોઈએ એમાં હું માનું છું.’

તમને યાદ હશે કે ગુરુ દત્તની ‘ચૌદહવી કા ચાંદ’માં ગીતા દત્તનું એક જ ગીત છે ‘બાલમ સે મિલન હોગા’. બાકીનાં ૩ ગીતો માટે અમે આશાજીનો અવાજ લીધો છે. આશાજી માટે મને ખાસ માન છે.

સંગીતકાર રવિને આશાજી માટે ખૂબ માન હતું એ કબૂલ, પણ તમને એક વાતનું આશ્ચર્ય થશે કે સૌથી સફળ અને લોકપ્રિય સંગીતકાર શંકર જયકિશનની પ્રથમ ૧૩ ફિલ્મોમાં ૧૦૫માંથી ૮૪ ગીતો (૧૯૪૯માં ‘બરસાત’થી લઈને ૧૯૫૩માં ‘પતિતા’ સુધી) કેવળ લતા મંગેશકરે ગાયાં છે. કદાચ એમ કહી શકાય કે એ દિવસોમાં આ સંગીતકાર જોડી માટે આશા ભોસલેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. ૧૯૫૩માં ‘શિકસ્ત’ માટે આશા ભોસલેએ તેમના માટે પ્રથમ ગીત રેકૉર્ડ કર્યું અને એ પણ કોરસ સાથે. શબ્દો હતા ‘ચમકે બિજુરિયા ગરજે મેઘ મત જા રે બલમ પરદેસવા’ જે નલિની જયવંત પર ફિલ્માંકન થયું હતું.

આશાતાઈને જીવનભર એક વાતનો અફસોસ રહ્યો છે કે તેમને લતાદીદી સાથેની સરખામણીમાં ઊતરતાં ગણવામાં આવ્યાં છે. એટલે જ તેમણે નક્કી કર્યું હશે કે હું Kwality નહીં પણ Quantityમાં તો દીદીને માત કરીશ એટલું જ નહીં, લતાદીદીએ જે ગીતો છોડ્યાં એને પોતાની ગાયકી દ્વારા યાદગાર બનાવીશ.

વિખ્યાત સંગીતકાર સી. રામચંદ્ર પણ લતાદીદીના સ્વરના કાયલ હતા. તેમણે પણ લતાદીદીના સ્વરનો મહત્તમ ઉપયોગ કર્યો. જોકે ‘નવરંગ’માં તેમણે આશાતાઈના સ્વરમાં અદ્ભુત ગીતો રેકૉર્ડ કર્યાં. ‘આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાએ તેરી મેરી બાત આધી’, ‘અરે જા રે હટ નટખટ ના છુ રે મેરા ઘૂંઘટ’, ‘રંગ દે રે... જીવન કી ચુનરિયા’, ‘તુમ સૈયાં ગુલાબ કે ફૂલ, હુઈ કયા હમસે ભૂલ’, ‘તુમ મેરે મૈં તેરી’ અને ‘આ દિલ સે દિલ મિલા લે’ સાંભળીએ ત્યારે આશાતાઈની ‘વોકલ ક્વૉલિટી’ને સલામ કરવી પડે.

જોકે ‘નવરંગ’ની સફળતા બાદ અણ્ણાસાહેબે શાંતારામની ફિલ્મ ‘સ્ત્રી’ માટે લતા મંગેશકરને પસંદ કરીને ફરી એક વાર સાબિત કર્યું કે દીદી માટે તેમને ‘સૉફ્ટ કૉર્નર’ હતો.

 એક ઇન્ટરવ્યુમાં આશાતાઈ કહે છે, ‘લોકો એમ માને છે કે અણ્ણાસાહેબે મને મારા સ્કેલથી ઊંચે ગાવાનો આગ્રહ કર્યો હતો પણ એ વાત સાચી નથી. તેમણે કદી એમ નથી કહ્યું કે મારી ગાયકી દીદી કરતાં ઊતરતી છે.’

એક વાર આશાતાઈની વાત સાચી માની લઈએ તો પણ એ પ્રશ્નનો જવાબ નહીં મળે કે તો પછી શા માટે અણ્ણાસાહેબે ‘અય મેરે વતન કે લોગોં’ માટે આશાજી સાથે રિહર્સલ કર્યા બાદ રેકૉર્ડિંગના દિવસે લતાદીદીને પસંદ કર્યાં?

આ ઘટના વિશે અનેક કિસ્સાઓ સાંભળ્યા છે, પરંતુ નજીકના વર્તુળમાંથી એવી માહિતી મળી કે આ ગીત બન્ને મંગેશકર બહેનો સાથે રેકૉર્ડ કરવાની હતી. છેલ્લી ઘડીએ સ્ટુડિયોમાં કંઈક એવી ઘટના બની કે આશાજી ગીત રેકૉર્ડ કર્યા વિના જ સ્ટુડિયો છોડીને જતાં રહ્યાં. સિંગર્સની કૅબિનમાં સંગીતકાર સી. રામચંદ્ર અને મંગેશકર બહેનો વચ્ચે શું બન્યું એની કોઈને ખબર નથી.

આશાતાઈ સાથે ફિલ્મ-સંગીતની ૩ યાદગાર જોડીએ રેકૉર્ડ કરેલાં ગીતોની સંખ્યા જાણવા જેવી છે. શંકર–જયકિશન (૨૧૪), કલ્યાણજી–આણંદજી (૨૯૭) અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલ (૪૮૫). એટલા માટે જ રવિએ રેકૉર્ડ કરેલાં ૩૮૫ ગીતો એ વાતની સાબિતી છે કે આશાતાઈના સ્વરને નવો આયામ આપવામાં રવિએ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

સંગીતકાર ખય્યામ ફિલ્મો પસંદ કરવામાં ખૂબ જ ચોકસાઈ રાખતા. એમ કહેવાય છે કે તેમણે જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું એનાથી વધારે ફિલ્મો નકારી કાઢી હતી. તેઓ ફિલ્મની વાર્તા સાંભળવાના આગ્રહી હતા. જો તેમને લાગતું કે પોતે વિષયને અનુરૂપ સંગીત નહીં આપી શકે તો એ ફિલ્મ હાથમાં લેવાનો ઇનકાર કરી દેતા. બીજા સંગીતકારોની માફક તેમની પણ પ્રથમ પસંદ લતાજી હતાં. જોકે ૧૯૫૮માં ‘ફિર સુબહ હોગી’માં તેમણે આશાજીના સ્વરમાં ‘વો સુભહ કભી તો આએગી’, ‘દો બૂંદે સાવન કી’ અને ‘ફિર ના કીજે મેરી ગુસ્તાખ નિગાહી કા સિલા’ જેવાં ગીતો રેકૉર્ડ કર્યાં જે અત્યંત લોકપ્રિય થયાં.

આ જોડીએ વર્ષો બાદ ૧૯૮૧માં ‘ઉમરાવ જાન’માં અવિસ્મરણીય ગીતો આપ્યાં, પરંતુ ફિલ્મના એક ગીતના રેકૉર્ડિંગ દરમ્યાન એવું શું બન્યું કે બન્નેએ એકમેકને સોગંદ લેવડાવ્યા? એ વાત આવતા રવિવારે.

rd burman asha bhosle rajani mehta columnists gujarati mid day