સૌથી વધુ મરો થાય છે મધ્યમવર્ગનો જ

09 June, 2026 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૈનોમાં પ્રભાવના આપવાનો એક કન્સેપ્ટ છે જેમાં લેનાર વ્યક્તિને પૂરા સત્કાર સાથે બહુમાનપૂર્વક એ આપવામાં આવતું હોય છે

બેસ્ટ ટીચર તરીકે બે વાર સન્માનિત થયેલાં અને ૩૫ વર્ષથી જૈન પાઠશાળાનાં શિક્ષક તરીકે સક્રિય નીતા ગાલા ધાર્મિક શિક્ષણ બોર્ડમાં કોર કમિટીનાં મેમ્બર હોવાની સાથે સમર્પણ ગ્રુપનાં સ્થાપક છે.

આ વાત તો સૌ જાણે છે કે આ દુનિયામાં બે જ પ્રકારના લોકો નિશ્ચિંત થઈને જીવી શકે છે; એક, જેમની પાસે ચિક્કાર પૈસો છે અને બીજા, જેમની પાસે બિલકુલ પૈસો નથી. જેઓ મધ્યમવર્ગમાં આવતા હોય છે તેમની દશા સૌથી વધુ દયનીય હોય છે. ન તેઓ કોઈ પાસે હાથ ફેલાવી શકે છે કે ન તો કોઈને પોતાના મનની વ્યથા કહી શકે છે. તેમને સતત જજ થવાનો, તેમને સતત મનમાં પોતાની અવસ્થા વિશે લોકો શું કહેશે એ વાતનો ડર અકબંધ હોય છે. આ જ કારણ છે કે આજના સમયમાં સૌથી વધારે જો કોઈ બાબતની જરૂર હોય તો વધુમાં વધુ વિચાર મધ્યમવર્ગનો કરવામાં આવે.

સમર્પણ ગ્રુપમાં આ વિચાર અમે કર્યો અને એને માટે વ્યવસ્થા ઊભી કરી. અત્યારે એક પ્રોગ્રામ અમે બનાવ્યો છે જેમાં મધ્યમવર્ગીય પરિવારોનું એક લિસ્ટ બનાવ્યું છે. એ લિસ્ટ મુજબ લોકોને તેમના ઘરે જઈને ૭૦૦ રૂપિયાની વસ્તુ અને ૩૦૦૦ રૂપિયા રોકડા આપવાનો એક પ્રોગ્રામ બનાવ્યો છે. અહીં અમે તેમને ડોનેશન આપીએ છીએ એવું નહીં, પણ સાધર્મિક ભક્તિ જેવો પ્રોગ્રામ રાખ્યો છે જેથી ક્યાંય પણ તેમને નીચાજોણું ન લાગે. પૂરતા સન્માન સાથે તેઓ એ સ્વીકારી શકે. ઘરે-ઘરે જઈને આ કાર્ય કરવામાં આવશે. જૈનોમાં પ્રભાવના આપવાનો એક કન્સેપ્ટ છે જેમાં લેનાર વ્યક્તિને પૂરા સત્કાર સાથે બહુમાનપૂર્વક એ આપવામાં આવતું હોય છે. મધ્યમવર્ગીય લોકો માટે અમે આ રીતે આગળ વધવાનું વિચાર્યું છે જેમાં વધુ ને વધુ લોકોનો સપોર્ટ અનિવાર્ય છે. આજે મધ્યમવર્ગીય વર્ગ મોટો છે. તેમની પાસે ધારો કે ખાવાનું ન હોય તો તેઓ એક ટંક જમીને હસતા મોઢે બહાર એવું દેખાડી શકે કે બધું બરાબર છે, પરંતુ તેમની આજુબાજુ રહેતા તેમના આડોશીપાડોશીઓને તો એ સમજાતું જ હોય છે કે ખરેખર તેમને ત્યાં ચાલી શું રહ્યું છે. આજના સમયમાં સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદો માટે તો કામ કરે છે, મૂંગા જીવો માટે પણ કામ કરે છે પરંતુ જેઓ હસતા મોઢે પારાવાર તકલીફો સહી રહ્યા છે એવા હજારો સાધર્મિકો માટે વિચારનારા ઓછા છે. તેઓ માગતા નથી. તેમની કથળેલી સ્થિતિ વિશે વાતો બહાર પણ નથી આવતી. ઇન ફૅક્ટ, તેઓ તમને શોધવા નહીં આવે, તમારે જ તેમને શોધવા પડશે.

હું અપીલ કરું છું કે વધુમાં વધુ મધ્યમવર્ગીય પરિવારના હાલચાલ પ્રત્યે સમાજના ખમતીધર પરિવારના લોકો, વિવિધ જ્ઞાતિઓના લોકો સતર્ક થાય અને વધુ ને વધુ એ દિશામાં કંઈક કન્સ્ટ્રક્ટિવ પગલાં ભરવાની દિશામાં કામ થાય એ જરૂરી છે. તેમને મદદની નહીં પણ સહયોગની અને થોડા સપોર્ટની જરૂર છે. તમારો ટેકો તેમને આત્મસન્માનપૂર્વક જીવવા માટે મદદ કરી શકે છે. 

columnists exclusive gujarati mid day