08 July, 2025 12:57 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘પેલી લેડીને જોઈને? આપણને જોઈએ છે એ એક કરોડ આ લેડીનાં સગાં આપશે. આ લેડીને આપણે કિડનૅપ કરીએ છીએ...’
કાનમાં ગુંજતા અબ્દુલના આ શબ્દો સાથે જ રોમેશ અને સચિનનાં રૂવાંડાં ઊભાં થઈ ગયાં હતાં. મામૂલી બેટિંગ કરવાની લતને કારણે હવે એ લોકો એવું કામ કરવા જતા હતા જે ખરા અર્થમાં ક્રાઇમ હતો.
ઍક્ટિંગ ફીલ્ડમાં વધુ સારી તક મળે એવા હેતુથી મુંબઈ આવેલા સચિને ક્યારેય કલ્પના નહોતી કરી કે માયાનગરી તેને ફળવાની નથી અને મુંબઈમાં રહેવાની તેની જીદ પારાવાર તકલીફ આપવાનું કામ કરવાની છે. સચિન સુરતનો હતો તો અબ્દુલ જામનગરનો હતો. મુંબઈ આવ્યા પછી સચિનની પહેલી ઓળખાણ અબ્દુલ સાથે થઈ હતી. IT ફીલ્ડ સાથે જોડાયેલો અબ્દુલ દહિસરમાં રહેતો હતો. સચિને ઘરેથી પૈસા મગાવવાના બંધ કર્યા પછી અબ્દુલ તેનો આશરો અને સહારો બન્યો. શરૂઆતમાં રેન્ટના પૈસાની બચત કરવી હતી અને અબ્દુલે જ સચિનને સામેથી પોતાના ઘરે બોલાવી લીધો. અબ્દુલ અને સચિનની દોસ્તી મજબૂત થઈ અને એ જ અરસામાં રોમેશ પણ તે લોકોના સંપર્કમાં આવ્યો. રોમેશના પપ્પા બિઝનેસમૅન હતા અને રોમેશ સ્ટૉક માર્કેટનું કામ કરતો. કામ તો શું, રોમેશ શૅરબજારમાં સટ્ટો જ રમતો. સટ્ટો કે જુગાર રોમેશના લોહીમાં હતો. ટ્રેન કેટલી મિનિટ મોડી આવશે કે આવતી ૧૬૦ સેકન્ડમાં વરસાદ પડશે કે નહીં જેવા વિષય પર સટ્ટો રમવાની તેની આદત હતી અને તેની આ જ આદત હંમેશાં જોખમ ઊભું કરતી. અલબત્ત, રોમેશના નસીબની બલિહારી જુઓ, દર વખતે તે જોખમમાંથી ક્ષેમકુશળ રીતે બહાર આવી પણ જતો. જોકે આ વખતે અબ્દુલે લીધેલાં પગલાં પછી તે અને સચિન કેવી મુશ્કેલીમાં મુકાવાના છે?
‘તું આવું રિસ્ક લે તો સમજાય, આ અબ્દુલ...’
‘એ મારા રસ્તે છે બકા... જોજે તું, બધું પૂરું કરીને બહાર નીકળશે.’
‘હા, એવું જ લાગે. જો ત્યાં...’
સચિનની નજર જે દિશામાં હતી એ તરફ રોમેશે નજર કરી અને તેની આંખો પહોળી થઈ ગઈ.
lll
‘આટલાં હેરાન શું કામ થવાનું?’ હાથમાં કૉફીનો ગ્લાસ લેતાં હસુમતીબહેને અબ્દુલને કહ્યું, ‘આવી છું પહેલી વાર પણ ફૉરેન ટ્રિપ તો મારી ચાલતી જ રહેતી હોય છે.’
‘એમાં શું છે આન્ટી, આવી રીતે અચાનક આપણને ફૉરેનમાં કોઈ ઇન્ડિયન મળી જાય તો ઘરની વ્યક્તિ મળી ગઈ હોય એવું લાગે.’ અબ્દુલે કૉફીની ચુસકી લેતાં પૂછ્યું, ‘મુંબઈમાં તમારે ક્યાં રહેવાનું?’
‘જુહુ... ગુલમહોર રોડ...’
‘અરે વાહ... ફોર્થ રોડ પર મારો ફ્રેન્ડ રહે છે.’ અબ્દુલના ચહેરા પર સ્માઇલ હતું, ‘સની. તેના ફાધરનો ઑપ્શન નામનો મૉલ છે.’
‘રાઇટ... હું ઘણી વાર ત્યાં જતી હોઉં છું.’
‘આન્ટી, તમારું કામ શું?’
‘આ ઉંમરે હવે કામ શું હોવાનું ભાઈ?’ હસુમતીબહેનના અવાજમાં ટાઢક હતી, ‘વિધવા છું, તારા અંકલ મૂકીને ગયા છે એમાંથી ખાઈપીને મજા કરું છું.’
વાતનો વિષય અબ્દુલના મોઢામાં લાળ પાડનારો હતો પણ અત્યારે એ વિષય પર આવવાનું નહોતું તો સાથોસાથ હજી અબ્દુલે એક કામ કરવાનું બાકી હતું.
‘આન્ટી, વાંધો ન હોય તો એક મિનિટમાં આવું?’
‘અરે, તું તારે જાને ભાઈ... મારી પાછળ ક્યાં ખોટો સમય વેડફે છે.’
‘અરે ના, એવું નથી. મને જસ્ટ ફ્રેશ થવું છે એટલે...’
‘વાંધો નહીં, હું તો મારી રીતે બધું કરી લઈશ, તું જા...’
‘અરે ના, એમ જવું નથી. તમારી સાથે વાત કરવી છે.’ શિકાર હાથમાંથી સરકી ન જાય એની તકેદારી રાખતાં અબ્દુલે કહ્યું, ‘હું બે મિનિટમાં આવ્યો. તમે ત્યાં સુધી અહીં જ રહો. હું આવું પછી આપણે બોર્ડિંગ ગેટ પર જઈએ.’
‘જી ભાઈ.’
વ્હીલચૅર સાઇડ પર પાર્ક કરી અબ્દુલ સીધો વૉશરૂમ તરફ ભાગ્યો.
તેના મનમાં ક્લોરોફૉર્મ બનાવવાની હોમમેડ ફૉર્મ્યુલા ઘૂમરાવા માંડી હતી.
lll
વૉશરૂમમાં જઈને અબ્દુલે પહેલાં નજર કરી. બેત્રણ ફૉરેનર્સ યુરિનલ-કમોડ પાસે ઊભા રહી કિડની ખાલી કરતા હતા. અબ્દુલ પણ એક કમોડ પાસે જઈને ઊભો રહી ગયો. અલબત્ત, તેનું ધ્યાન એ ફૉરેનર્સ પર હતું.
જો બધા ઉતાવળમાં એકસાથે નીકળી જાય તો માનવું કે આ કામમાં ખુદા પણ મદદ કરવા તૈયાર છે.
મનમાં ચાલતા વિચારને જાણે કે વેગ મળતો હોય એવું જ બન્યું.
આખો વૉશરૂમ ઑલમોસ્ટ એકસાથે ખાલી થયો અને અબ્દુલે ઝડપભેર ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. રૂમાલ સાથે એ ઉતાવળે હમણાં જ વપરાયેલા કમોડ પાસે આવ્યો અને તેણે કમોડમાં રૂમાલ નાખી દીધો. સેન્સર કામ કરે અને પાણી ફ્લશ થાય એ પહેલાં જ તેણે આ પ્રક્રિયા બીજા કમોડ સાથે પણ કરી લેવાની હતી. ગણતરીની સેકન્ડોમાં જ અબ્દુલે ચિત્તાની ઝડપ સાથે પોતાના રૂમાલને એ યુરિન સાથે ભીનો કરી લીધો જે થોડી વાર પહેલાં જ કિડનીમાંથી બહાર આવ્યું હતું.
કામ પૂરું થયું એટલે અબ્દુલે વૉશરૂમના દરવાજા તરફ જોયું.
દરવાજામાંથી પાકિસ્તાની જેવા દેખાતા બે ટ્રાવેલરે એન્ટ્રી કરી એટલે અબ્દુલ યુરિનલ-કમોડ છોડીને ટૉઇલેટ તરફ ગયો. અંદર જઈને તેણે પોતાની કિડની ખાલી કરવાની હતી અને એ યુરિન રૂમાલ પર લઈ લેવાનું હતું.
ઇન્ડિયા પહોંચતાં સુધીમાં આ યુરિન ક્લોરોફૉર્મમાં કન્વર્ટ કરવાનું હતું અને એ કામ નાઇટ્રોજન ગૅસ કરવાનો હતો, એ નાઇટ્રોજન ગૅસ જે બંધિયાર વૉશરૂમમાં આપોઆપ જનરેટ થતો હોય છે. જો શ્વાસમાં અમુક માત્રાથી વધારે લઈ લેવામાં આવે તો માણસનું ‘રામનામ સત્ય’ પણ થઈ જાય અને જો યોગ્ય માત્રામાં શ્વાસમાં આવી જાય તો માણસ બેહોશ પણ થઈ જાય.
lll
‘સૉરી આન્ટી.’
‘ના ભાઈ, કંઈ વાંધો નહીં.’ હસમુતીબહેને અબ્દુલ સામે સ્મિત કર્યુ, ‘તું શું કરે છે મુંબઈમાં?’
‘મારું IT ફીલ્ડ.’
અબ્દુલના શબ્દોને અચાનક જ બ્રેક લાગી અને અંદરથી જ જવાબ આવ્યો.
‘તારે આ બાઈને સાસુ નથી બનાવવાની, તારે આને કિડનૅપ કરવાની છે. સમજીવિચારીને જવાબ આપજે.’
‘હું, હું IT ફીલ્ડમાં હતો આન્ટી. હવે મેં મારું અહીં દુબઈમાં કામ શરૂ કર્યું છે.’ અબ્દુલના ચહેરા પર સહજતા આવવા માંડી હતી, ‘દુબઈમાં મારી એક ઑફિસ છે અને એક ઑફિસ સિંગાપોરમાં છે. મહિનામાં પંદર-વીસ દિવસ આ બે દેશનું ટ્રાવેલિંગ રહે. બાકીના દિવસોમાં ઇન્ડિયામાં હોઉં.’
‘મુંબઈમાં ઘર...’
‘હતું પણ હવે તો બધું અહીં જ ડેવલપ કરવા માંડ્યો છું.’ અબ્દુલે કહ્યું, ‘શું છે આન્ટી, ઇન્ડિયામાં હવે રહેવા જેવું રહ્યું નથી. પહેલાં દેશમાં ગુંડાઓનું રાજ હતું અને હવે દેશમાં રાજકીય ગુંડાઓનું રાજ છે.’
‘આજકાલ તેલના ભાવ શું ચાલે છે?’
હસુમતીબહેનના સવાલથી અબ્દુલની આંખો પહોળી થઈ. હસુમતીબહેને તરત જ ચોખવટ કરી.
‘જે વાત મારે ખેંચવી ન હોય કે વધારવી ન હોય એ વાતને વચ્ચેથી કાપવા માટેનો આ રસ્તો છે.’ હસમુતીબહેનની આંખોમાં નિરાંત હતી, ‘આ જો, મેં તને તેલનો ભાવ પૂછ્યો ને આપણી વાતનો ટૉપિક બદલી ગયો.’
અબ્દુલ ખડખડાટ હસી પડ્યો અને અબ્દુલને જોઈને હસુમતીબહેનને પણ હસવું આવી ગયું.
‘શું બન્યું છે અબ્દુલ ખબર છે, તમારી જનરેશન બહુ ઝડપથી ઓપિનિયન આપતી થઈ ગઈ છે... ઓપિનિયન ત્યારે આપો જ્યારે તમારી પાસે અનુભવ હોય.’
‘રાઇટ... હવેથી ધ્યાન રાખીશ.’
‘આપણે તારી વાત કરતાં હતાં. તો તેં મુંબઈમાં ઘર નથી રાખ્યું? બરાબર...’
પ્રકૃતિનો નિયમ છે. જે વાત તમે ટાળવા માગતા હો પ્રકૃતિ એ જ વાત તમારી સામે લાવીને મૂકી દે.
‘હા, મોસ્ટ્લી હું હોટેલમાં ઊતરી જાઉં.’ અબ્દુલની આંખો સામે જુહુનો નકશો આવી ગયો હતો, ‘પહેલેથી જ હું બુકિંગ કરાવી લઉં. આ વખતે પણ મારું બુકિંગ ફોર્થ સીઝન હોટલમાં થઈ ગયું છે. આઇ થિન્ક, આ હોટેલ...’
‘જુહુમાં જ છે. ગુલમહોર રોડની બિલકુલ પાછળ...’
‘ઓહ, જુહુનો મને આઇડિયા હતો પણ તમારા ઘરની આટલી નજીક હશે એ મને નહોતી ખબર.’
વાત આગળ વધે એ પહેલાં જ ગેટ પરથી અનાઉન્સમેન્ટ આવી.
‘સભી યાત્રિયોં સે અનુરોધ હૈ... દુબઈ સે મુંબઈ જાનેવાલી ઍર ઇન્ડિયા ફ્લાઇટ AI-786 કી બોર્ડિંગ પ્રક્રિયા અબ શુરુ હો ચૂકી હૈ.’
lll
‘અબ્દુલ, તું ધ્યાન રાખજે.’ અબ્દુલ જેવો બાજુમાં આવીને બેઠો કે તરત સચિને કહ્યું, ‘મને, મને બહુ બીક લાગે છે.’
‘મારી સાથે અત્યારે વાત નહીં કર.’ પોતાનો ચહેરો છુપાવતાં અબ્દુલે કહ્યું, ‘આન્ટી હજી થોડી ભાનમાં છે.’
‘એટલે?’ સચિનની આંખો ફાટી ગઈ, ‘તેં તેને બેભાન કેમ કરી?’
‘એનો રસ્તો નીકળી ગયો.’ અબ્દુલ હજી પણ ચહેરો છુપાવી રાખ્યો હતો, ‘ચારેક કલાક સુધી તે ભાનમાં નહીં આવે. બસ, ફ્લાઇટ મોડી ન પડે તો સારું.’
‘તેં આ કામ ક્યારે કર્યું?’
‘આન્ટીને વ્હીલચૅરમાં અંદર લઈ આવતી વખતે.’
અબ્દુલે માથું ઊંચું કરીને હસુમતીબહેનને જોઈ લીધાં, તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને બાજુમાં બેઠેલાં લેડી વાસના લીધે પોતાના નાક પર રૂમાલ મૂકીને બેસી ગયાં હતાં. અબ્દુલ તરત ઊભો થયો અને પછી હસુમતી પાસે ગયો.
‘આન્ટી...’ બેભાન આન્ટી ચૂપ રહ્યાં, ‘આન્ટી...’
હસુમતીબહેને જવાબ આપ્યો નહીં એટલે અબ્દુલે તેની બાજુમાં બેઠેલાં આધેડ વયનાં મહિલાને વિનંતી કરી.
‘જો તમને વાંધો ન હોય તો હું અહીં આવી જાઉં.’ બહેન નનૈયો કરે એ પહેલાં જ અબ્દુલે કહી દીધું, ‘આન્ટીથી યુરિન કન્ટ્રોલ થતો નથી એટલે... તમને તકલીફ...’
અબ્દુલનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો બાજુમાં બેઠેલી લેડી ઊભી થઈ ગઈ.
‘આવો, હું તમને વિન્ડો સીટની અરેન્જમેન્ટ કરી આપું.’
અબ્દુલ તરત સચિન-રોમેશ પાસે આવ્યો.
‘એક્સક્યુઝ મી.’ જાણે પોતે એ બન્નેને ઓળખતો ન હોય એ રીતે અબ્દુલે કહ્યું, ‘તમે બન્ને સાઇડ પર આવી જશો? આ મૅડમ મારી જગ્યાએ બેસવા તૈયાર છે.’
‘તમારે ક્યાં જવું છે?’ સચિને અકળામણ દબાવતાં કહ્યું, ‘બેસોને અહીં...’
‘મારાં આન્ટીની તબિયત સહેજ ખરાબ છે તો હું સહેજ ત્યાં રહું.’ અબ્દુલે હાથ જોડ્યા, ‘પ્લીઝ... કો-ઑપરેટ. ભગવાન તમારું ભલું કરશે.’
lll
‘તમે બન્ને જલદી બહાર જઈને ટૅક્સી કરો.’ વ્હીલચૅરમાં હસમુતીબહેન સાથે બહાર આવતાં અબ્દુલે સચિન-રોમેશને કહ્યું, ‘ટૅક્સી જ કરજો. ઓલા-ઉબર નહીં.’
‘કેમ?’ સચિન પછી તરત જ રોમેશનો સવાલ આવ્યો, ‘આ લેડીને લઈને આપણે જશું ક્યાં?’
‘જહન્નમમાં...’ ફાટ-ફાટ થતો ગુસ્સો કન્ટ્રોલમાં રાખતાં અબ્દુલે દબાયેલા અવાજે કહ્યું, ‘કહું એટલું કામ કરો... બોરીવલીની ટૅક્સી કરો. ફાસ્ટ...’
‘અરે પણ બોરીવલીમાં ક્યાં?’
‘હવે મારા મોઢેથી ગાળ નીકળશે.’ અબ્દુલે સચિન-રોમેશ સામે જોયું, ‘જો, આ લેડી દોઢ-બે કલાકમાં આંખ ખોલશે. એની પહેલાં આપણે બોરીવલી પહોંચવું જરૂરી છે ને એની પહેલાં અહીંથી નીકળવું ઇમ્પોર્ટન્ટ છે. સમજાયું? ન સમજાયું હોય તો કહી દઉં, જો આ જાગી ગઈ તો આપણે ત્રણેય હવે સીધા જેલમાં.’
જેલનું નામ પડતાં જ રોમેશ-સચિન બહાર ભાગ્યા. જોકે એ સમયે તેમને ખબર નહોતી કે હસુમતીને લેવા માટે બહાર તેમનો સ્ટાફ આવી ગયો હતો!
(ક્રમશ:)