કિડનૅપર કૌન? ભાવતાલની ભેદી ગેમ (પ્રકરણ ૨)

15 July, 2025 01:40 PM IST  |  Mumbai | Lalit Lad

બહુત દેર હો ગયા. અભી તો મેરે કો ભી નીંદ આ રહા હૈ. ચલ સુબહ કો બાત કરેંગે

ઇલસ્ટ્રેશન

ઘનશ્યામદાસને હવે તો અંદરથી મજા આવી રહી હતી!

પાંચ જ મિનિટ પહેલાં કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે ‘હમને તેરે બેટે કો કિડનૅપ કિયા હૈ...’

તે કિડનૅપર જે હોય તે, તે પૂરા પચાસ લાખ માગતો હતો; પણ ઘનશ્યામદાસે પોતાની ભાવતાલ કરવાની વેપારી કુશળતા વડે બેટમજીને પચાસ લાખ પરથી સીધો પાંચ લાખ પર લાવી દીધો હતો!

અને હજી તો ગેમ ચાલુ હતી...

ઘનશ્યામદાસે કહ્યું હતું, ‘જુઓ, પાંચ દિવસ પછી પાંચ લાખની વ્યવસ્થા થઈ જશે. બોલો ચાલશે?’

અને પેલો કિડનૅપર બોલ્યો હતો, ‘ચલેગા...’

ઘનશ્યામદાસે એ વખતે જુવાનિયાઓની જેમ હવામાં મુઠ્ઠી ઉછાળી હતી! ઉપરથી કોઈ શાણા વહેવારુ બિઝનેસમૅનની જેમ પૂછ્યું હતું, ‘હવે બોલો, ડિલિવરી ક્યાં લેશો અને કેવી રીતે?’

સામે છેડે સન્નાટો હતો...

ઘનશ્યામદાસનું દિમાગ વીજળીની સ્પીડે ચાલવા લાગ્યું. આટલી વાતચીતમાં તે સમજી ગયા હતા કે પેલો કિડનૅપર જે હોય તે, તેને રૂપિયાની ગરજ છે. બીજું, તે કદાચ પહેલી વાર આવું કારસ્તાન લઈને બેઠો લાગે છે...

કેમ કે જો રીઢો કિડનૅપર હોય તો ફોનમાં આટલી બધી ઘાંટાઘાંટી ન કરે. રીઢા ગુનેગારો બહુ ઠંડા અવાજે વાત કરતા હોય.

એટલું જ નહીં, આ માણસે હજી બન્ટી તેના કબજામાં છે એનું પ્રૂફ પણ મોકલ્યું નથી. બાકી બીજો કોઈ હોય તો સૌથી પહેલાં બન્ટીનો હાથ-પગ બાંધેલો અને કદાચ મોં પર મારામારીને લીધે આંખો પર સોજો આવી ગયો હોય એવો ફોટો મોકલે.

આ કિડનૅપરે એવો ફોટો તો છોડો, ફોન પર બન્ટીનો અવાજ પણ સંભળાવ્યો નહોતો. બાકી કોઈ ખડૂસ કિડનૅપર હોય તો બન્ટી ચીસો પાડતો હોય... માર ખાઈને ઊંહકારા ભરતો હોય... અને રડમસ અવાજે ‘ડૅડી મને બચાવી લો... નહીંતર આ લોકો મને મારી નાખશે... ડૅડી... ડૅડી...’ એવો અવાજ રેકૉર્ડ કરીને મને ફોન પર સંભળાવ્યો હોત.

પણ આ તો...

ઘનશ્યામદાસને આમ જુઓ તો હવે જરા મજા પડી રહી હતી. ચાલો, જોઈએ તો ખરા કે આ શિખાઉ ટપોરી શું કરી શકે છે?

‘હલો... એય હલો?’ ફોનમાં અવાજ આવી રહ્યો હતો.

‘બોલોને!’ ઘનશ્યામદાસ લાઇન પર જ હતા.

‘અરે, ક્યા બોલોને... બોલોને કરતા હૈ? પૈસે કી બાત કર ના.’

‘હા, એ જ તો કહું છું કે પૈસાની ડિલિવરી ક્યાં લેશો? અને ભાઈ, આપણે કૅશ ઑન ડિલિવરીની જ સિસ્ટમ છે હોં.’

‘કૅશ ઑન ડિલિવરી? મતલબ?’

‘મતલબ કે મારા ભાઈ, હું કૅશ આપું તો ખરો પણ મને મારા માલની એટલે કે મારા દીકરાની ડિલિવરી પણ ઑન-ધ-સ્પૉટ જ જોઈશે, સમજ્યાને? કેમ કે આમાં POD જેવું ન હોયને?’

‘ક્યા?’

‘POD એટલે પ્રૂફ ઑફ ડિલિવરી!’

‘ક્યા? ક્યા બોલા?’

‘અરે પ્રૂફ... યાને કે... એ છોડો. મારો દીકરો મને મળી જશેને?’

‘અબે સાલે, તેરે બેટે કે વાસ્તે હી તો યે સબ ચલ રૈલા હૈ! અબી કામ કી બાત કર ના? પૈસે કા બંદોબસ્ત કરેગા કિ નહીં?’

ઘનશ્યામદાસને થયું કે હવે ઝાઝું ખેંચવા જતાં તૂટી જશે. એટલે તે બોલ્યા, ‘અરે ભાઈ, પૈસા ક્યાં અને કેવી રીતે પહોંચાડું?’

‘વો મૈં તેરે કો બાદ મેં બોલતા હૂં!’ સામેથી ફોન કટ થઈ ગયો.

આ શું થયું? આટલી બધી ભાવતાલની માથાકૂટ પછી પેલાએ ફોન જ કાપી નાખ્યો?

ત્રીસ સેકન્ડ જવા દઈને ઘનશ્યામદાસે પોતાના મોબાઇલ વડે એ જ નંબર પર ફરી ફોન જોડ્યો.

ઘણી રિંગો વાગવા છતાં કોઈ ઉપાડતું નહોતું. છેવટે કોઈએ ઉપાડ્યો, ‘બોલો, મનીષ ટેલિકૉમ સર્વિસ...’

અચ્છા, તો આ કોઈ દુકાનના ટેલિફોન બૂથ પરથી ફોન કરવામાં આવ્યો હતો.

ઘનશ્યામદાસે પૂછ્યું, ‘અરે, હમણાં પેલા ભાઈ ફોન કરતા હતાને? પેલા હિન્દીમાં બોલતા હતા, તે ત્યાં ઊભા છે?’

‘ના રે ભાઈ, તે તો ગયા.’

‘કઈ બાજુ ગયા?’

‘એ બધું જોવા કંઈ નવરા નથી બેઠા. અહીં તો સત્તર ઘરાક આવે.’

‘સારું-સારું.’ ઘનશ્યામદાસે ફોન કટ કરીને નંબર ધ્યાનથી જોયો. શહેરના કોઈ પૉશ વિસ્તારનો નંબર હોય એવું લાગતું હતું.

તેમને એવો વિચાર પણ આવી ગયો કે જુઓને, હવે કેવા જેન્ટલમૅન ટાઇપના લોકો આવા ધંધા કરવા લાગ્યા છે? બાકી કોઈ દુકાનના ટેલિફોન બૂથમાં આવો કોઈ મવાલીછાપ માણસ આવી ભાષામાં ધમકી આપતો હોય તો કોઈને ડાઉટ પણ ન જાય? કદાચ પેલો માણસ દેખાવે એકદમ જેન્ટલમૅન જ લાગતો હશે.

અહીં ઘનશ્યામદાસે ધાર્યું હોત તો સીધો પોલીસનો સંપર્ક કરી શક્યા હોત, પણ ઘનશ્યામદાસ જાણતા હતા કે અગાઉ પોલીસે પોતાના બે કેસ રફેદફે કરવા માટે લાખો રૂપિયા લીધા હતા. આ વખતે તો મારા દીકરાનો સવાલ છે. પોલીસ કિડનૅપરને પકડવાના બદલામાં પચીસ-ત્રીસ લાખ તો માગશે જ. એના કરતાં અહીં આ શિખાઉ કિડનૅપર સાથે ડાયરેક્ટ ડીલ કરવામાં શું વાંધો છે?

જોકે કિડનૅપર અકળાઈને ક્યાંક બન્ટીને કંઈ કરી ન બેસે તો સારું...

ખેર, મગજ વિચારોના પાટે ચડી જાય એ પહેલાં ઘનશ્યામદાસે ઑફિસનાં કામો આટોપવા માંડ્યાં, કારણ કે તેમને ખબર હતી કે હમણાં એક-બે કલાકમાં સામેથી ફોન આવશે. જોકે તેમની ગણતરી ખોટી પડી.

છેક રાત્રે દસ વાગ્યે એક અજાણ્યો નંબર તેમના મોબાઇલ પર ચમક્યો. આ પણ લૅન્ડલાઇન નંબર હતો. ઘનશ્યામદાસે જોયું કે આ નંબર શહેરના કોઈ દૂરના ઇન્ડસ્ટ્રિયલ એરિયાનો હોય એવો લાગતો હતો.

ઘનશ્યામદાસે ‘હલો’ કર્યું કે તરત જ સામેથી અવાજ આવ્યો, ‘એ મારફતિયા, સુન! મેરે પાસ ટાઇમ નહીં હૈ. કલ મેરે કો દુબઈ જાને કા હૈ. તૂ અભી પાંચ લાખ લેકર આ જા!’

‘હમણાં?’ ઘનશ્યામદાસે કહ્યું, ‘હમણાં ને હમણાં તો પાંચ લાખ ક્યાંથી લાવું?’

‘તારા બાપના તબેલામાંથી!’ સામેથી ગુજરાતીમાં ગાળ આવી. ‘અભી સીધા અપની ઑફિસ મેં જા. વહાં તેરે ફૅક્સ મશીન મેં એક ફૅક્સ આયા હોગા. ઉસમેં પૂરા નકશા બનાયા હૈ. ઉસ જગહ પર પાંચ લાખ લે કર ઠીક સાડે ગ્યારા બજે આ જા!’ ફોન કટ થઈ ગયો.

ઘનશ્યામદાસ અચાનક ઘાંઘા થઈ ગયા. માત્ર દોઢ કલાકમાં પાંચ લાખ રોકડા ભેગા કરવાના, ઑફિસે જવાનું, ફૅક્સમાં દોરેલા નકશા મુજબ એ જગ્યાએ પહોંચવાનું... શી રીતે પહોંચી શકશે?

પાંચ લાખની વ્યવસ્થા કરીને જ્યારે ઘનશ્યામદાસ પોતાની ઑફિસે પહોંચ્યા ત્યારે જ પોણાઅગિયાર થઈ ગયા હતા. ફૅક્સ પરનો નકશો જોતાં જ તેમને ચક્કર આવી ગયાં.

શહેરનો આ છેક છેવાડાનો વિસ્તાર હતો... આટલી મોડી રાત્રે માત્ર આ નકશાના આધારે પહોંચવું શી રીતે?

ઘનશ્યામદાસે પોતાના મોબાઇલમાં સેવ કરેલા પેલા ઇન્ડસ્ટ્રિયલ એરિયાના લૅન્ડલાઇન નંબર પર ફોન જોડ્યો, પણ ડઝનો રિંગ જવા છતાં કોઈ ઉપાડતું નહોતું.

હવે બીજો કોઈ છૂટકો જ નહોતો. ઘનશ્યામદાસે નકશો સાથે લીધો, બૅગમાં ભરેલા રૂપિયા ચેક કર્યા અને ગાડી મારી મૂકી.

નકશામાં બતાડેલા વિસ્તારમાં પહોંચતાં જ બાર વાગી ગયા હતા. અહીં રસ્તા પર ચારે તરફ સન્નાટો હતો. કોઈને પૂછવું પણ ક્યાં?

છેવટે આમથી તેમ કાર ફેરવતાં-ફેરવતાં ઘનશ્યામદાસ એ ઠેકાણે પહોંચ્યા ત્યારે રાતનો એક વાગી ગયો હતો.

અહીં ભયંકર સૂનકાર હતો. જૂના ખંડિયેર જેવું કોઈ સ્થળ હતું. દૂર-દૂર સુધી આસપાસ કોઈ વસ્તી નહોતી. નજીકમાં નજીક જો કોઈ ફૅક્ટરીની લાઇટ હોય તો એ કમસે કમ બે કિલોમીટર દૂર હશે.

ઘનશ્યામદાસ કારમાંથી ઊતરીને ખંડિયેરમાં આવ્યા. ક્યાંય લગી રાહ જોતા ઊભા રહ્યા, પણ કોઈ ફરક્યું નહીં. દૂર-દૂરથી કૂતરા ભસવાનો અવાજ આવતો રહ્યો.

છેવટે થાકીને પાછા વળીને જ્યારે પોતાની કારમાં બેસવા જતા હતા ત્યાં જ મોબાઇલમાં ત્રીજો અજાણ્યો નંબર ઝબકી ઊઠ્યો, ‘ક્યૂં? થક ગયા? વાપસ જા રહા હૈ?’

ઘનશ્યામદાસ ચોંકી ગયા. પેલો માણસ તેમને જોઈ શકતો હતો?

‘સૉરી...’ તેમણે કહ્યું, ‘બહુ મોડું થઈ ગયું.’

‘સચ બોલા.’ સામેથી ઠંડો અવાજ આવ્યો. ‘બહુત દેર હો ગયા. અભી તો મેરે કો ભી નીંદ આ રહા હૈ. ચલ સુબહ કો બાત કરેંગે.’

‘પણ આ પૈસા?’

‘વો બૅગ ઉધર છોડ દે ઔર ગાડી મેં બૈઠ કર નિકલ જા. બૅગ મેરે કો
મિલ જાએગા.’

ફોન કટ થઈ ગયો.

‘પણ હલો... મારો બન્ટી ક્યાં છે? આપણે એક બાજુ પૈસા અને બીજી બાજુ બન્ટી એવી વાત થઈ હતી!’

ઘનશ્યામદાસ બોલતા રહ્યા. તેમને થોડી ક્ષણો પછી ભાન થયું કે ફોન તો કટ થઈ ગયો છે.

ઘનશ્યામદાસ ક્યાંય લગી પોતાના મોબાઇલ પર દેખાઈ રહેલા એ નંબરને જોઈ રહ્યા.

ફરી વાર આ નંબર શહેરના કોઈ પૉશ એરિયાનો લૅન્ડલાઇન હતો. આનો મતલબ શું થયો? છેક ત્યાં બેઠો-બેઠો તે માણસ મારા પર નજર રાખી રહ્યો છે?

પણ એ નંબર ઘનશ્યામદાસને જાણીતો લાગ્યો. કોનો હતો એ નંબર? કોનો?

છેક ત્યાં કોઈ પૉશ વિસ્તારમાં બેઠો-બેઠો તે માણસ અહીં શહેરના બીજા છેડે આ ખંડિયેર પાસે જ્યાં હું ઊભો છું ત્યાં નજર રાખી રહ્યો છે?

ઘનશ્યામદાસે ફરી એ નંબર પર નજર નાખી...

અચાનક તેમના મનમાં એક ઝબકારો થયો! તેમના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવી ગયું...

(ક્રમશઃ)

columnists gujarati mid day mumbai exclusive