16 July, 2025 01:23 PM IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન
આટલી બધી દોડાદોડી કરીને પાંચ લાખ ભેગા કર્યા અને હવે એ આમ ને આમ બૅગમાં મૂકીને પાછા જતા રહેવાનું?
પણ એ ફોન-નંબર ઘનશ્યામદાસને જાણીતો લાગ્યો. તરત જ તેમના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવ્યું...
તેમના દિમાગમાં એક ખતરનાક ચાલ આકાર લઈ રહી હતી. તે કારમાં બેઠા અને બીજી જ મિનિટે બૅગ લઈને કારની બહાર નીકળ્યા.
ધીમે-ધીમે સાવધાનીપૂર્વક ચાલતા પાછા ખંડિયેર મકાન પાસે આવ્યા. ચારે બાજુ એક નજર નાખીને તેમણે બૅગ એક જગ્યાએ મૂકી દીધી.
પછી એ જ રીતે સાવચેતીપૂર્વક ચાલતા આવીને તે કારમાં બેસી ગયા. કાર સ્ટાર્ટ કરતાં તેમણે હેડલાઇટના અજવાળામાં ધ્યાનથી જોઈ લીધું પણ આસપાસ કોઈ હિલચાલ દેખાઈ નહીં.
‘આવશે... હમણાં એ નાલાયકનો ફોન આવશે.’ ઘનશ્યામદાસ કાર ચલાવતાં બબડી રહ્યા હતા. પણ ખાસ્સો અડધો કલાક થઈ ગયો છતાં કોઈ ફોન ન આવ્યો. ઘનશ્યામદાસે તેમની કલ્પના દોડાવવા માંડી...
પેલો ગુંડો શહેરના પૉશ વિસ્તારમાં ક્યાંક બેઠો છે. અહીં આ છેવાડાના ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આ ખંડેરની આસપાસ તેનો એકાદ માણસ છુપાઈને બેઠો છે. તેણે મને આવતાં જોયો છે. મારી એકેએક હિલચાલનું વર્ણન તે મોબાઇલથી પેલા ગુંડાને કરી રહ્યો હશે અને મારા ગયા પછી એ માણસ બૅગ પાસે ગયો હશે. બૅગ ઉઠાવીને ચાલવા માંડ્યો હશે. તેનો બીજો એકાદ સાથીદાર મોટરસાઇકલ પર થોડી વારમાં આવી પહોંચ્યો હશે. બન્ને જણે કોઈને શંકા ન પડે એ રીતે શહેરમાં આવીને કોઈ ઠેકાણે બેસીને બૅગ ખોલી હશે...
અને એ બૅગમાં એક પણ પૈસો નહીં હોય!
યસ... ઘનશ્યામદાસે બૅગમાંથી પાંચેપાંચ લાખ રૂપિયા કાઢી લીધા હતા!
સીધી વાત છે. જે દીકરા માટે પાંચ લાખ લઈને આવ્યા હતા એ દીકરો જ ન મળવાનો હોય તો પાંચ લાખ કંઈ મફતમાં થોડા આપી દેવાય?
પણ હજી પેલા ગુંડાનો ફોન કેમ ન આવ્યો?
ત્યાં જ મોબાઇલ રણકી ઊઠ્યો. ડિસ્પ્લેમાં એ જ જાણીતો નંબર જોઈને ઘનશ્યામદાસના ચહેરા પર ફરી વાર સ્માઇલ આવી ગયું.
‘સાલે? અપને આપ કો ભોત શાણા સમજતા હૈ?’ ગુંડો ફોન પર બૂમો પાડી રહ્યો હતો.
ઘનશ્યામદાસના પેટનું પાણી પણ ન હલ્યું, ‘શું છે? કેમ બૂમો પાડો છો ભાઈ?’
‘બૅગ મેં એક ભી પૈસા નહીં હૈ! પૂરા બૅગ ખાલી હૈ!’ ગુંડાએ ઘાંટા પાડ્યા. ‘એ મારફતિયા, તેરે કો તેરા લડકા ચાહિએ કિ નહીં?’
‘ચાહિએ. પણ એક બાજુ પૈસા ને બીજી બાજુ મારો બન્ટી, એમ હોય તો જ સોદો થાય.’ હવે ઘનશ્યામદાસે અવાજ ઊંચો કર્યો. ‘તમે મને શું મૂરખ સમજો છો? હવે બન્ટીનો સોદો રાતના નહીં, દિવસે થશે અને શહેરના છેડે નહીં, શહેરની વચ્ચોવચ્ચ થશે.’
ઘનશ્યામદાસે ફોન કાપી નાખ્યો.
તરત જ ફરી રિંગ વાગવા લાગી પણ ઘનશ્યામદાસે વાગવા જ દીધી. બે, ત્રણ, પાંચ વખત લાંબી રિંગો વાગ્યા પછી રિંગો આવતી બંધ થઈ ગઈ.
ઘનશ્યામદાસ હવે હસવા લાગ્યા, કારણ કે તે જાણતા હતા કે જ્યાં સુધી પોતે પૈસા નહીં આપે ત્યાં સુધી બન્ટીનો વાળ પણ વાંકો થવાનો નથી. ‘હવે બાજી મારા હાથમાં છે!’ ઘનશ્યામદાસ કાર ચલાવતાં-ચલાવતાં બબડ્યા, ‘અત્યાર સુધી તે મને રમાડતો હતો, હવે હું તેને રમાડીશ. તેને એવો પાઠ ભણાવીશ કે જિંદગીમાં ક્યારેય કોઈનું અપહરણ કરવાનું નામ પણ નહીં લે!’
lll
બીજા દિવસે સવારે મોબાઇલ પર વધુ એક અજાણ્યો નંબર ઝબક્યો. ઘનશ્યામદાસે આઠ-દસ રિંગો વાગવા દીધી. પછી કટ કરી નાખ્યો.
ઘનશ્યામદાસ જાણતા હતા કે પેલો માણસ ફરી વાર ફોન કરશે. તેણે કર્યો પણ ખરો. ઘનશ્યામદાસે ફરી વાર કટ કરી નાખ્યો. ત્રીજી વાર પણ નફ્ફટની જેમ ફોન કટ કરી નાખ્યો.
હવે ઘનશ્યામદાસ જાણતા હતા કે કોઈ નવા જ નંબર પરથી ફોન આવશે. અને એ આવ્યો!
‘હલો?’ ઘનશ્યામદાસ બોલ્યા કે તરત પેલો તતડી ઊઠ્યો :
‘અબે તેરે કો તેરા બેટા વાપસ ચાહિએ કે નહીં?’
‘ચાહિએ, અને મારા ભાઈ, તને પણ પૈસા જોઈએ જ છેને?’
‘હાં તો?’
‘મારા દીકરાને લઈને હું કહું છું એ મૉલમાં આવી જા. આજે સાંજે સાત વાગ્યે. બાકીની સૂચના તને મૉલમાં જ મળશે. પણ બેટમજી, તારો મોબાઇલ સાથે લઈને આવજે, સમજ્યો? હવે લૅન્ડલાઇનનો ખેલ નહીં ચાલે.’
lll
સાંજે સાત વાગ્યે જ્યારે ઘનશ્યામદાસ હાથમાં બૅગ લઈને દાખલ થયા ત્યારે આખો માહોલ વિચિત્ર હતો.
ઠેર-ઠેર ખાખી ગણવેશમાં પોલીસ ફરી રહી હતી. લોકોમાં ટેન્શન હતું. આ શું ચાલી રહ્યું છે? આટલી બધી પોલીસ શાને માટે આવી છે?
ત્યાં તો મેઇન ગેટથી ખાસ પ્રકારના યુનિફૉર્મ પહેરેલી એક ટીમ દાખલ થઈ. તેમના હાથમાં જે મોટી-મોટી સાઇઝની હેલ્મેટ જેવી દેખાતી ચીજો હતી એ જોતાં જ લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો :
‘આ તો બૉમ્બ સ્ક્વૉડ લાગે છે. અહીં ક્યાંક બૉમ્બ મૂકવામાં આવ્યો લાગે છે! ચલો ચલો, નીકળો અહીંથી.’
અચાનક ભીડની હલચલ વધી ગઈ. લોકો બહાર જવા માટે ધસારો કરવા લાગ્યા. પોલીસ એ ભીડને કન્ટ્રોલ કરવામાં લાગી હતી.
થોડી વારમાં તો ન્યુઝ-ચૅનલોના કૅમેરા પણ આવી પહોંચ્યા!
આ તો જબરો તમાશો થઈ ગયો! ચૅનલોને ગરમાગરમ મસાલો મળી ગયો હતો અને પોલીસ પરેશાન હતી.
આ તરફ ઘનશ્યામદાસ શાંતિથી એક તરફ ઊભા રહીને તમાશો જોઈ રહ્યા હતા. તેમની નજર ચારે તરફ ફરી રહી હતી. ક્યાં હતો પેલો કિડનૅપર?
એ બેટમજી જરૂર અકળાઈ રહ્યો હશે. આટલી બધી પોલીસને જોઈને હરામખોર ગભરાયો પણ હશે. પરંતુ બન્ટી ક્યાં હતો? એ તો દેખાયો જ નહીં!
lll
આખરે રાત્રે દસ વાગ્યે વધુ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો : ‘અબે સાલે, આજ તેરી તકદીર અચ્છી થી કિ પુલીસ આ ગઈ.’
‘તકદીર તો ભાઈ, તારી પણ સારી કહેવાયને? કેમ કે પોલીસે તને પકડ્યો નહીં!’
‘વો સબ છોડ, અભી બતા, પૈસા કબ દેગા?’
‘ફોન કરતે રહો, ઔર ક્યા?’
આટલું કહીને ઘનશ્યામદાસે ફોન કાપી નાખ્યો.
હવે તે સમજી ગયા કે પેલો માણસ ફરી વાર મોબાઇલ ૫૨ ફોન નહીં કરે અને ખરેખર એવું જ બન્યું. ઑફિસ પહોંચ્યા ત્યાં સુધી એક પણ ફોન ન આવ્યો. હવે ઘનશ્યામદાસનું મગજ તેજ ગતિથી ચાલવા લાગ્યું હતું. ઑફિસ જતાંની સાથે જ તેમણે રિસેપ્શનિસ્ટને સૂચના આપી દીધી.
‘મેં મારો મોબાઇલ સ્વિચઑફ કરી રાખ્યો છે. લૅન્ડલાઇન પર જેટલા ફોન આવે એ તારે જ રિસીવ કરવાના છે અને નામ-ઠામ પૂછ્યા વિના મને આપવાના નથી.’
ઘનશ્યામદાસની આ ધારણા પણ સાવ સાચી પડી. બરાબર બપોરે સાડાબાર વાગ્યે રિસેપ્શનિસ્ટે ઇન્ટરકૉમ પર કહ્યું, ‘કોઈ જીવણલાલ છે, કહે છે કે બન્ટીએ એક ખાસ કામ માટે તમારી સાથે વાત કરવાનું કહ્યું છે.’
‘ઓકે, પુટ હિમ ઑન ધ લાઇન.’ ઘનશ્યામદાસ હવે રંગમાં આવી ગયા. જેવો પેલો લાઇન પર આવ્યો કે તરત હસીને બોલ્યા, ‘કેમ છો જીવણલાલ? મજામાં? ક્યાં છો ભાઈ? હું તો તમને શોધી-શોધીને થાકી ગયો, દેખાતા જ નથી. હવે ક્યારેક મળવા તો આવો.’
સામેથી ધૂંધવાયેલો અવાજ આવ્યો, ‘અબે સાલે, અપને આપકો બડા હુશિયાર સમઝતા હૈ? તૂ મેરે કો જાનતા નહીં...’
‘અબ તો જાન ગયા ના?’ ઘનશ્યામદાસ હસ્યા. ‘તમારું નામ જીવણલાલ છે, બરોબર?’
‘જગ્ગુ! જગ્ગુ હૈ મેરા નામ!’ પેલો ગુંડો તાડૂકી ઊઠ્યો, ‘ઔર અભી તેરે કો ક્યા કરને કા હૈ? બન્ટી ઝિંદા ચાહિએ કે નહીં?’
‘સાચું કહું જગુભાઈ?’ ઘનશ્યામદાસે બહુ જ ઠંડકથી કહ્યું, ‘હું મારા બન્ટીથી ખરેખર ત્રાસી ગયો છું. આ અપહરણના બહાને પણ તમે દસ-પંદર દિવસ તેને તમારી પાસે રાખો તો સારું. એટલા દિવસ મને શાંતિ.’
‘એ મારફતિયા! દસ-પંદરા દિન તો ક્યા, દસ-પંદરા મિનિટ ભી નહીં રખ સકતા મૈં! અભી જલદી બોલ, ઇસકો મૈં કહાં પહોંચાઉં? ઔર વો પાંચ લાખ તૂ મેરે કો કબ ઔર કહાં દેનેવાલા હૈ?’
‘પાંચ લાખ તો બૉસ, ગઈ કાલની વાત હતી.’ ઘનશ્યામદાસે વાત ફેરવી નાખી. ‘આજે જોઈતા હોય તો પચાસ હજાર મળશે.’
‘પચાસ હજાર?’ પેલાનો અવાજ ફાટી ગયો.
‘જુઓ બૉસ, ઘાંટા ના પાડો. તમારી ઔકાત તો પચાસ હજારની પણ નથી, પરંતુ સવાલ મારા દીકરાની ઇજ્જતનો છે એટલે આટલા આપું છું.’
‘એ શાણે!’ પેલો હવે ખરેખર બગડ્યો, ‘અબી તક તૂ મેરે કો પહચાનતા નહીં હૈ! જબ જાનેગા ના...’
‘જાન ગયા હૂં!’ ઘનશ્યામદાસ ઠંડકથી બોલ્યા, ‘તને તો હું બરાબરનો ઓળખી ગયો છું જગ્ગુ ઉર્ફે જૅકી ઉર્ફે જગન પંચાલ! તું બન્ટીનો જ દોસ્ત છેને?’
સામે છેડેથી બે સેકન્ડ કંઈ અવાજ જ ન આવ્યો. પછી તે બોલ્યો, ‘મૈં જગન પંચાલ નહીં, જગ્ગુ હૂં! તૂ અભી ભી બાત સમઝતા નહીં હૈ!’
ઘનશ્યામદાસ પોતાની ચાલાકી ઉપર મુસ્તાક હતા. તે હવે કિડનૅપરને ઓળખી ગયા હતા. બસ, હવે એક છેલ્લો દાવ રમવાનો બાકી હતો...
(ક્રમશઃ)