કિડનૅપર કૌન? ભાવતાલની ભેદી ગેમ (પ્રકરણ ૪)

17 July, 2025 02:52 PM IST  |  Mumbai | Lalit Lad

અરે, ફોન પર એ દુકાનનો માલિક એ ટેડી બેર લેવાની ના જ પાડતો હતો પણ તેં ...

ઇલસ્ટ્રેશન

‘મૈં જગન પંચાલ નહીં, જગ્ગુ હૂં! તૂ અભી ભી બાત સમઝતા નહીં હૈ!’

‘હું બધું જ સમજી ગયો છું જગન!’ ઘનશ્યામદાસે કહ્યું, ‘કાલે રાત્રે તેં જે નંબર પરથી મને ફોન કરેલો એ નંબર મારો જાણીતો હતો. પછી મને યાદ આવ્યું કે દોઢેક વર્ષ પહેલાં મારા દીકરાએ જીદ કરીને મારી પાસે એક સાઇબર કૅફે ચાલુ કરવા માટે ચાર લાખ રૂપિયા માગ્યા હતા.

‘બન્ટીને હકીકતમાં તો વાપરવા માટે ખૂબ બધી પૉકેટ-મની જોઈતી હતી. એટલે જ તેણે આ સાઇબર કૅફે ખોલવાની વાત કરી હતી. મેં તેને સાઇબર કૅફે ખોલી તો આપ્યું પણ જગ્યા મારા નામે રાખી, કમ્પ્યુટરો પણ મારા નામે રાખ્યાં અને બન્ટીને ખાલી ભાડૂઆત બનાવ્યો. અને મેં ધાર્યું હતું એમ જ થયું. બન્ટી એ સાઇબર કૅફે સરખું ચલાવી શક્યો નહીં અને છેવટે બંધ કરવું પડ્યું.

‘કમ્પ્યુટરો તો મેં વેચી નાખ્યાં. જગ્યાનો પણ સોદો કરી નાખ્યો, પણ તેના ફોનનો વહીવટ કરવાનો રહી ગયો હતો. બન્ટી ગલ્લાંતલ્લાં કરતો હતો પણ હું જાણી ગયો હતો કે તેણે એ ફોન બારોબાર કોઈને વેચી નાખ્યો હશે અને વેચી-વેચીને તે કોને વેચે? પોતાના કોઈ ભાઈબંધને જને?

‘એટલે જ્યારે તેં એ નંબર પરથી ફોન કર્યો ત્યારે જ હું સમજી ગયો હતો કે આ આખું અપહરણનું નાટક ખુદ બન્ટીએ જ રચાવ્યું છે! અને તું, ડિયર જગન પંચાલ, ફોન પ૨ જગ્યુ બનીને મને બીવડાવી રહ્યો હતો.’

‘અરે મારફતિયા સેઠ તુમ બાત કો સમઝતા હી નહીં! મૈં જગન નહીં જગ્ગુ હૂં, જગ્ગુ! ઔર મૈં એક લાખ સે એક પૈસા કમ નહીં લેનેવાલા. અગર કોઈ હોશિયારી કી તો તુમ્હારા છોકરા જાન સે જાએગા. લિખ લો!’

‘પચાસ હજાર. અને એક રૂપિયો પણ વધારે નહીં.’ ઘનશ્યામદાસે કહ્યું.

ત્યાં તો સામેથી બન્ટીનો અવાજ આવ્યો, ‘ડૅડી, જરા સમજો! આ જગ્ગુ બહુ ખતરનાક માણસ છે. મેં તેની પાસે અપહરણનું નાટક કરાવ્યું એ સાચું પણ તેને તો મારે મિનિમમ એક લાખ આપવાના જ છે. નહીંતર...’

ઘનશ્યામદાસે ફોન કાપી નાખ્યો.

હવે તેમને શાંતિ હતી. માત્ર શાંતિ નહીં, ખાતરી પણ હતી કે તેમનો બન્ટી સલામત છે અને તેની અક્કલ પણ ઠેકાણે આવી ગઈ હશે.

ઘનશ્યામદાસ એક મસ્ત ગેમ રમી ગયા હતા. એ ગેમને યાદ કરીને તેમને મનોમન હસવું આવી રહ્યું હતું. આવી ચાલ તો કોઈ બાહોશ ડિટેક્ટિવને જ સૂઝી શકે...

lll

ઘનશ્યામદાસે પોતાનો મોબાઇલ કાઢ્યો અને યુટ્યુબમાં ગઈ કાલે બની ગયેલી ઘટનાની ન્યુઝ-ક્લિપ જોવા માંડી. એમાં ન્યુઝ-ઍન્કર ઉત્તેજિત થઈને બોલી રહી હતી :

આજ શહર કે એક જાનેમાને મૉલ મેં કિસી અન્જાન વ્યક્તિને બૉમ્બ રખને કી અજીબોગરીબ હરકત કી હૈ! અબ તક તો હમને ઐસી વારદાતેં દેખીં હૈ જબ કોઈ અનજાન વ્યક્તિ ફોન કરકે કિસી સ્કૂલ કો યા કિસી ઍરપોર્ટ કો બૉમ્બ સે ઉડા દેને કી ધમકી દેતા થા...

જબ છાનબીન કી જાતી, તબ કુછ મિલતા નહીં થા. મગર ઇસ બાર જો હુઆ, વો ચૌંકા દેનેવાલા થા. એક અન્જાન વ્યક્તિને સીધે પુલીસ સ્ટેશન પર ફોન કરકે ધમકી દી થી કિ ઇસ મૉલ મેં મૈંને બૉમ્બ રખ દિયા હૈ! આપ ઢૂંઢ સકો તો ઢૂંઢ લો...

આપ મૉલ મેં દેખ સકતે હૈં કિ કૈસે ફોન આતે હી હડકંપ મચ ગયા. પુલીસ ટીમ ફૌરન મૉલ પર પહુંચ ગઈ. કુછ હી દેર મેં બૉમ્બ ડિફ્યુઝલ સ્ક્વૉડ ભી વહાં મૌજૂદ થી.

હમ આપ કો પૂરા દૃશ્ય દિખા રહે હૈં. આપ દેખ સકતે હૈં કિ બૉમ્બ-ડિફ્યુઝલ સ્ક્વૉડ કો મૉલ કે થર્ડ ફ્લોર સે કુછ અજીબ સિગ્નલ મિલ રહે થે.

ઘનશ્યામદાસજી બહુ લિજ્જતથી આખું બુલેટિન જોઈ રહ્યા હતા ત્યાં કૅબિનના દરવાજે ટકોરા પડ્યા.

‘આવ હીરુ, અંદર આવ.’

હીરુ ઘનશ્યામદાસનો પટાવાળો હતો. તે અંદર આવ્યો અને અદબ વાળીને ઊભો રહ્યો.

‘હીરુ, મારે તને ખાસ બક્ષિસ આપવાની છે’ એમ કહીને ઘનશ્યામદાસે પોતાના પાકિટમાંથી ૫૦૦-૫૦૦ની બે નોટ કાઢીને હીરુની સામે ધરી.

‘હું સમજ્યો નહીં સાહેબ, આ કયા કામની બક્ષિસ?’

ઘનશ્યામદાસ હસ્યા, ‘ગઈ કાલે તું પેલા મૉલમાં જઈને પેલી રમકડાંની દુકાનમાં જે ટેડી બેર પાછું આપી આવ્યો હતોને, એના.’

‘અચ્છા?’ હીરુના ચહેરા પર હજી ગૂંચવાડો હતો.

‘અરે, ફોન પર એ દુકાનનો માલિક એ ટેડી બેર લેવાની ના જ પાડતો હતો પણ તેં ...’

‘હા સાહેબ, તમે જ કીધેલુંને કે ભલે દુકાનવાળો સો-દોઢસો રૂપિયા કાપી લે, પણ એ નુકસાનીવાળું ટેડી બેર પાછું આપીને જ આવવાનું છે. એટલે મેં તો...’

‘તેં બહુ પર્ફેક્ટ કામ પતાવ્યું હીરુ! એટલે જ આ બક્ષિસ! પણ જો બીજા કોઈને કહેતો નહીં, નહીંતર બીજા પટાવાળા પણ ફાલતુ કામમાં બક્ષિસ માગતા થઈ જશે.’

‘જી સાહેબ.’

હીરુ ઘનશ્યામદાસનો બહુ જૂનો અને વિશ્વાસુ નોકર હતો. બન્ટી છેક ૧૪ વર્ષનો હતો ત્યારથી તેને ઘરમાં બન્ટીની દેખભાળ માટે રાખ્યો હતો પણ બન્ટી કૉલેજ જતો થઈ ગયો પછી ઘનશ્યામદાસે તેને ઑફિસમાં રાખી લીધો હતો.

હીરુ ગયો. ઘનશ્યામદાસ પોતાની ચાલાકી ઉપર હજી મનમાં હસી રહ્યા હતા કેમ કે પોલીસ-સ્ટેશનમાં પેલો ધમકીવાળો ફોન પણ એક પબ્લિક બૂથમાંથી પોતે જ કર્યો હતો અને પેલા ટેડી બેરમાં કાપો મૂકીને એમાં બીપ-બીપ અવાજ થાય એવું રિમોટવાળું અલાર્મ પણ પોતે જ મૂકીને હીરુ દ્વારા પેલી દુકાનમાં પ્લાન્ટ કરાવ્યું હતું!

બસ, અફસોસ એક જ વાતનો હતો કે મૉલમાં ન તો પેલો કિડનૅપર દેખાયો કે ન તો તેમનો દીકરો બન્ટી.

કિડનૅપર તો આમેય ઓળખવો મુશ્કેલ હતો કેમ કે ઘનશ્યામદાસે તેનો અવાજ જ સાંભળ્યો હતો પણ...

‘બેટમજીએ મૉલમાં આવીને મોબાઇલ વડે જો એકાદ-બે રિંગ મારી હોત તો...’

છતાં ઘનશ્યામદાસ ખુશ હતા કેમ કે હવે તો તેમને લગભગ ખાતરી હતી કે કિડનૅપર કોણ હતો.

lll

મૉલવાળી આખી ઘટનાને અત્યારે અઢાર કલાક વીતી ચૂક્યા હતા. ઘડિયાળમાં બપોરના બે વાગી રહ્યા હતા.

ઘનશ્યામદાસે કૅબિનમાં બેસીને પોતાના બંગલેથી આવેલું ટિફિન હમણાં જ પતાવ્યું હતું. આજે તેમણે મહારાજને ખાસ કહ્યું હતું કે ‘ફ્રિજરમાંથી કેરીના રસનો ડબ્બો કાઢીને આજે તો રસ-રોટલી મોકલજો ટિફિનમાં!’

મહારાજે રસ-રોટલીની સાથે પોચાં-પોચાં ઇદડાં પણ મોકલ્યાં હતાં. જમી લીધા પછી ઘનશ્યામદાસ પેટ પર હાથ ફેરવતાં ઓડકાર ખાઈ રહ્યા હતા ત્યાં તેમનો મોબાઇલ ઝબક્યો.

ઘનશ્યામદાસે જોયું કે આ તો તેમના દીકરા બન્ટીનો જ નંબર હતો! તે હસ્યા.

‘વાહ બેટમજી! આખરે અક્કલ ઠેકાણે આવી લાગે છે. હવે તે ચૂપચાપ જાતે ઘરે પાછો આવી જાય તો સારું...’

ઘનશ્યામદાસે ફોનમાં ‘હલો’ કર્યું કે તરત જ બન્ટીનો અવાજ સંભળાયો : ‘ડૅડી, તમે સમજતા કેમ નથી?’

‘હું બધું જ સમજું છું મારા દીકરા! કેમ કે આખરે તો હું તારો બાપ છું સમજ્યો?’

‘અરે ડૅડી, તમે જેને જગન પંચાલ સમજો છો એ જગ્ગુ છે, જગ્ગુ!’

‘અચ્છા? જરા વિડિયો-કૉલ લગાડીને મને તારા જગ્ગુનો ફેસ તો બતાડ. પછી જોઉં છું કે જગ્ગુ અને જગન પંચાલના ચહેરા કેટલા મળતા આવે છે!’

‘ડૅડી, તમને કેટલી વાર કહું? ચાલો, માનું છું કે મેં જાતે જ મારા અપહરણનું નાટક કરાવ્યું છે! પણ ડૅડી, આ જગ્ગુને મારે કમ સે કમ એક લાખ રૂપિયા તો આપવા જ પડશે.’

‘અચ્છા...’ ઘનશ્યામદાસ હસ્યા. ‘એક લાખની તેં સોપારી આપી હતી એમ? બહુ સસ્તો કિડનૅપર શોધ્યો છે! બસો કરોડની મિલકતના વારસની કિંમત ખાલી એક લાખ? જરા તારું સેલ્ફ-રિસ્પેક્ટ સુધાર, બેટા!’

સામે છેડે અકળામણભરી શાંતિ હતી. છતાં થોડી વારે બન્ટી બોલ્યો :

‘ડૅડી પ્લીઝ, કમ સે કમ આટલી વાર મારી વાત માની લો. એક લાખ માટે હા પાડી દો નહીંતર...’

‘નહીંતર શું?’

‘નહીંતર આ લોકો મને મારી નાખશે.’

‘જો બકા,’ ઘનશ્યામદાસ પોતાની ભાવતાલની આવડત પર મુસ્તાક હતા. તેમણે કહ્યું, ‘પચાસ હજાર એટલે પચાસ હજાર. એક રૂપિયો પણ વધારે નહીં અને સાંભળ...’

ઘનશ્યામદાસે ગળું ખોંખારીને ઉમેર્યું :

‘તેને કહે જો જોઈતા હોય તો કાલે સવારે સાડાનવ વાગ્યે ચર્ચગેટ રેલવે-સ્ટેશન પર તને લઈને આવે. પ્લૅટફૉર્મ-નંબર બે અને ત્રણ પર ભીડ પણ સારી હશે... હું મૅગેઝિનના સ્ટૉલ પાસે ઊભો હોઈશ. જો તું મને એકલો અને હેમખેમ પાછો આવતો દેખાશે તો જ હું પચાસ હજાર ભરેલી બૅગ એ સ્ટૉલ પાસે મૂકીને તારી તરફ આવીશ.’ ઘનશ્યામદાસે ફોન કટ કરી નાખ્યો.

વાહ! ઘનશ્યામદાસને થયું, ક્યાં પાંચ લાખ અને ક્યાં પચાસ હજાર? અરે, શરૂઆત તો જગ્ગુએ પચાસ લાખથી કરેલી અને સોદો મૂળ ઑફરના એક જ ટકા ભાવમાં પત્યો.

(ક્રમશઃ)

columnists gujarati mid day mumbai exclusive