27 May, 2026 01:35 PM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
રાતના ૧૨ વાગી ગયા હતા.
ટેમ્પો હવે કાંદિવલીની ગલીઓમાંથી પસાર થઈને કાનજીના ફ્લૅટ તરફ આગળ વધતો હતો. ટેમ્પોની આગળ સુભાષની બાઇક હતી જે ઑલમોસ્ટ ટેમ્પોના પ્રોટેક્શન માટે હતી. બોરીવલીની અલકાપુરી સોસાયટીના ફ્લૅટનું વાતાવરણ ગંભીર હતું.
રોઈ-રોઈને મંગળાબાની આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. તેમના હાથે એકનો જીવ ગયો હતો અને હવે તેમને કારણે તેમના બન્ને દીકરાઓ જોખમમાં મુકાયા હતા. ખાધા-પીધા વિના તે ઠાકોરજીની મૂર્તિની સામે બેઠા-બેઠા માળા કરતાં હતાં. તેમની આંખોમાંથી આંસુ હજી પણ નીકળ્યા કરતાં હતાં.
lll
કાનજીના બિલ્ડિંગના પાછળના ભાગમાં આવેલી સર્વિસ લિફ્ટ પાસે ટેમ્પો ઊભો રહ્યો. સિક્યૉરિટી ગાર્ડને ચા પીવા માટે સુભાષે રવાના કરી દીધો હતો અને તેણે સોસાયટીનું CCTV કનેક્શન ૧૦ મિનિટ માટે ડિસકનેક્ટ કરી નાખ્યું હતું.
‘જલદી કરો, આપણી પાસે માત્ર ૮ મિનિટ છે...’
સુભાષે ટેમ્પોનો દરવાજો ખોલતાંની સાથે કહ્યું અને શશી-અરુણે લાશવાળી ગૂણ ઉપાડી. આ વખતે સુભાષ પણ હાથ આપવા આવી ગયો. ત્રણેય જણ લાશ કાનજીના ચોથા માળના ફ્લૅટમાં લઈ ગયા. સુભાષે ચાવીથી દરવાજો ખોલ્યો અને લાશને લિવિંગ રૂમના સોફા પર એવી રીતે બેસાડી જાણે કાનજી દારૂ પીને સૂતો હોય. સુભાષે કાનજીના ટેબલ પર દારૂની અડધી ખાલી બૉટલ અને ગ્લાસ એવી રીતે ગોઠવી દીધા જેથી પહેલી નજરે એવું લાગે કે આ કોઈ આંતરિક લડાઈનો મામલો હોઈ શકે છે.
બધું પ્લાન મુજબ પૂરું થયું કે તરત શશી અને અરુણ ફ્લૅટની બહાર નીકળ્યા. તેમના ચહેરા પર હવે અજીબ શાંતિની ભાવના હતી. જોકે એ લાંબો સમય ટકી નહીં. બન્ને જેવા નીચે આવ્યા અને ટેમ્પોમાં બેઠા કે તરત શશીના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર અજાણ્યો નંબર હતો.
અરુણ સામે જોઈને શશીએ ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો.
‘હેલો?’
‘શશિકાંત શાહ... બોલો છો?’ શશિકાંતના જવાબની રાહ જોયા વિના જ સામે છેડેથી આવતા શાંત અને ધીમા અવાજે વાત આગળ વધારી, ‘હું ડિટેક્ટિવ સોમચંદ વાત કરું છું. કાનજીભાઈના મિત્રોએ મને હમણાં જ કાનજીભાઈને શોધવાનું કામ સોંપ્યું... અને મારી નજર અત્યારે બરાબર તમારા ટેમ્પો પર છે...’
શશીને પરસેવો છૂટી ગયો.
‘કાલે સવારે ચા પીવા આવું છું તમારા ઘરે... સાતમા માળે. મળીએ...’
ફોન કટ થઈ ગયો.
શશીએ સામે જોયું. રસ્તાની લાઇટો વચ્ચે હાથમાં મગની દાળના પૅકેટ સાથે એક માણસ ઊભો હતો. તેની નજર ટેમ્પો પર હતી અને તેના ચહેરા પર સ્માઇલ હતું. શશી ગરદન ફેરવીને એકધારું તેની સામે જોતો રહ્યો. તે માણસ દેખાતો બંધ થવાની તૈયારી આવી ત્યારે તેણે હવામાં હાથ ઊંચો કરીને શશીને બાય કર્યું અને શશી ધબકારો ચૂકી ગયો.
lll
ગઈ કાલના ભયાનક દિવસ પછી શાહ પરિવાર માટે બીજા દિવસનો સૂરજ તો ઊગ્યો, પણ આખા પરિવારના ચહેરા પર રાતનો અંધકાર અકબંધ હતો. શશી આખી રાત સૂતો નહોતો. ડિટેક્ટિવ સોમચંદના એ અડધી રાતના ફોનકૉલે તેને ગભરાવી દીધો હતો. ઘરમાં અજીબ બેચેની હતી. લાશની સંભવિત દુર્ગંધ દબાવવા માટે મંગળાબા અને બન્ને વહુઓએ કપૂર અને મોગરાનો ધૂપ કરીને આખા ઘરમાં ધુમાડો ફેલાવી દીધો હતો. ધૂપદાની સાઇડ પર મૂકવામાં આવી અને એ જ વખતે ડોરબેલ વાગી.
ડિન્ગ ડૉન્ગ...
શશીએ ધ્રૂજતા હાથે દરવાજો ખોલ્યો.
‘શશીભાઈ... નમસ્તે...’ આગંતુકે ઘરમાં પગ મૂક્યો, ‘રાત્રે ફોન પર કહ્યું’તુંને, સવારે ચા પીવા આવીશ...’
શશીએ પોતાનો ડર છુપાવતાં સ્મિત કર્યું.
‘અરે હા, ડિટેક્ટિવ સોમચંદ... પધારો.’ શશીએ મંગળાબા સામે જોયું, ‘બા, સોમચંદભાઈ માટે આદુંવાળી ચા મુકાવોને.’
lll
‘વાહ, ઘરમાં ભક્તિનું વાતાવરણ તો બહુ સરસ છેને...’
આગળ વધીને સોમચંદ લિવિંગ રૂમના એ જ સોફા પર બેઠા જ્યાં ગઈ કાલે કાનજી બેઠો હતો. સોમચંદે બેસતાંની સાથે જ પોતાની તીક્ષ્ણ આંખોથી આખા રૂમનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. તેમની નજર ગૌતમભાઈની તસવીર પર પડી.
‘એક વાત પૂછું શશીભાઈ; આ કપૂર, આ ધૂપ... અને આટલો બધો ધુમાડો. સવાર-સવારમાં કોઈ પૂજા હતી કે પછી કાલની પૂજાને સંતાડવાનો પ્રયાસ થાય છે?
શશીનો શ્વાસ અધ્ધર થઈ ગયો, પણ તેણે વાત વાળી લીધી,
‘ના સોમચંદભાઈ, બાપુજીના અવસાન પછી બા આખો દિવસ ધૂપ-ધ્યાન કર્યા કરે... હવે તેને કોણ ના પાડે...’
‘હં...’
lll
‘ચા બહુ સરસ હતી...’ વૈભવીના હાથમાં ચાનો કપ પાછો આપીને સોમચંદે શશીની સામે જોયું, ‘શશીભાઈ, હવે કામની વાત કરીએ... વાત એમ છે કે કાલ બપોરથી કાનજીભાઈ ગાયબ છે. પોલીસ-સ્ટેશનમાં મિસિંગ કમ્પ્લેઇન્ટ પણ લખાવી દીધી છે; પણ શું છે, કાનજીભાઈના જે બીજા ૩
બિઝનેસ-પાર્ટનર છે તેમણે મને આ કામ સોંપ્યું... એટલે મારે અહીં આવવું પડ્યું. અહીં...’
‘હા પણ...’
‘કોઈ મારી વાત કાપે એ મને પસંદ નથી...’ સોમચંદનો અવાજ મોટો થઈ ગયો, ‘કાનજીના મોબાઇલ ટાવરના છેલ્લા લોકેશન મુજબ ગઈ કાલે બપોરે અઢી વાગ્યે તે આ સોસાયટીની આસપાસ હતા. શું તેઓ અહીં આવ્યા હતા?’
શશીએ જવાબ આપ્યો.
‘હા સોમચંદભાઈ, કાનજીભાઈ કાલે આવ્યા હતા. મારા બાપુજીના મોહિની ટ્રસ્ટના કનેક્શનની કોઈ ફાઇલની વાત કરવા... અમારી વચ્ચે થોડી વાત થઈ અને પછી તે નીકળી ગયા. એ પછી અમને કંઈ ખબર નથી.’
‘હં...’
સોમચંદ સોફા પરથી ઊભા થયા અને રૂમમાં ધીમે-ધીમે ચાલવા લાગ્યા. અચાનક તે સેન્ટર ટેબલની નજીક અટક્યા. આ એ જ ટેબલ હતું જેની સાથે શશીનું માથું ભટકાયું હતું. સોમચંદ ઘૂંટણિયે બેઠા અને કાર્પેટની બિલકુલ નજીક પોતાની નજર લઈ ગયા. બધાની નજર સોમચંદ અને સોમચંદની આંખો જે જગ્યા પર હતી એના પર સ્થિર થઈ. સોમચંદની આંગળી કાર્પેટના એક ખૂણા પર ગઈ. ત્યાં લોહીનો બહુ નાનો, સુકાયેલો કાળો ડાઘ હતો જે વૈશાલી અને ભારતીથી સાફ કરવામાં રહી ગયો હતો. સોમચંદે એ ડાઘ પર પોતાની આંગળી ઘસી અને શશી સામે જોયું.
‘શશીભાઈ, આ લોહીનો ડાઘ કોનો છે?’ સોમચંદના અવાજમાં ભયાનક ધાર હતી. ‘આ સેન્ટર ટેબલના લાકડા પર પણ સહેજ નવો ઉઝરડો દેખાય છે. ગઈ કાલે અહીં માત્ર વાતો જ થઈ કે કોઈ ઝપાઝપી પણ થઈ?’
રસોડાના દરવાજે ઊભેલાં મંગળાબાના હાથમાંથી સ્ટીલની થાળી નીચે પડી ગઈ. આખો પરિવાર ધ્રૂજી ઊઠ્યો. શશીએ માંડ પોતાની જાતને સંભાળી.
‘એ... એ તો કાલે અરુણ ઉતાવળમાં ટેબલ સાથે ભટકાયો, તેને થોડું વાગ્યું.’
સોમચંદે સ્મિત કર્યું અને રૂમાલથી પોતાની આંગળી લૂછી.
‘અરુણબાબુ, ધ્યાન રાખતા જાઓ. આમ ઘરમાં લોહી વહે એ સારું ન કહેવાય...’ સોમચંદે શશી સામે નજર કરી, ‘આશા રાખું, તમે જે બોલો છો એ સાચું હશે... લોહી ઘરનાનું જ હશે, બહારનું નહીં...’
lll
મલાડમાં સુભાષ અને કાનજીના વિરોધી એવા રહમાન કસાઈ વચ્ચે કાનજીની લાશના નિકાલના રસ્તાની ચર્ચા ચાલતી હતી. કસાઈ અને કાનજી વચ્ચે છેલ્લા દોઢેક વર્ષથી દુશ્મની હતી. નફરતનું કારણ રહમાનની દીકરી હતી. રહમાનની દીકરીને કાનજીએ કૅનેડા મોકલવાનો વાયદો કરીને એક કરોડ લઈ લીધા, પણ પછી દીકરીનો કોઈ પત્તો નહોતો એટલે રહમાને દીકરી અને પૈસા બન્ને ગુમાવવા પડ્યાં હતાં. આ જ કારણે તે અત્યારે કાનજીની લાશના ટુકડા કરવા તૈયાર થયો હતો.
કાનજીના લાશના ટુકડા થઈ ગયા પછી રહમાન એ ટુકડા પૅક કરતો હતો ત્યાં જ તેના મોબાઇલ પર એક ઇન્ટરનૅશનલ કોડથી ફોન આવ્યો.
રહમાને પહેલાં તો ફોન ઉપાડ્યો નહીં, પણ ઉપરાઉપરી ૩ ફોન આવ્યા એટલે તેણે ફોન ઉપાડ્યો.
‘પપ્પા! હું કૅનેડા સેફલી પહોંચી ગઈ છું. થોડા મહિના અમારે ફોન વાપરવાનો નહોતો એટલે ફોન કરવામાં વાર લાગી, પણ પપ્પા કાનજી અંકલે ખરેખર બહુ હેલ્પ કરી. તેમને લીધે જ મને અહીં જૉબ પણ મળી ગઈ અને હવે હું ઑફિશ્યલ કૅનેડામાં રહેવા પણ માંડી... તેમને મારા તરફ થૅન્ક યુ કહેજો!’
રહમાનના હાથમાંથી મોબાઇલ પડી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. તેને સમજાઈ ગયું કે જે માણસને તે દગાબાજ સમજતો હતો તે કાનજી ખરેખર તેની દીકરીની જિંદગી સેટ કરી ગયો, પણ... પણ ભયાનક ગેરસમજને કારણે તેનાથી બહુ મોટું પાપ થઈ ચૂક્યું હતું.
‘સુભાષ...’ કસાઈએ ધ્રૂજતા અવાજે કહ્યું, ‘આપણે બહુ મોટી ભૂલ કરી નાખી... કાનજીભાઈ સાચા હતા...’
lll
‘શશીભાઈ, હું હવે નીકળું...’
ડિટેક્ટિવ સોમચંદ ઊભા થયા અને શાહ ફૅમિલીએ અંદરખાને રાહતનો શ્વાસ લીધો. જોકે સોમચંદના અંતિમ શબ્દોએ બધાનું બ્લડપ્રેશર વધારવાનું કામ કરી નાખ્યું.
‘એક વાત યાદ રાખજો. કાનજીભાઈના મોબાઇલનું છેલ્લું લોકેશન આ જ ફ્લૅટની આસપાસનું છે અને એ પછી મોબાઇલ સ્વિચ્ડ-ઑફ થયો છે. પોલીસ કદાચ થોડી મોડી પડે, પણ હું બહુ જલદી પાછો આવીશ... કાં તો પુરાવા સાથે અને કાં તો સત્ય સાથે.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ આવ્યું, ‘તમારામાંથી કોઈને કાયમ માટે લઈ જવા...’
‘અમે કંઈ નથી કર્યું સોમચંદભાઈ...’
‘કરનારો હંમેશાં આવું જ બોલતો હોય છે...’ સોમચંદનો ચહેરો તંગ થયો, ‘કોઈથી કંઈ થઈ જાય તો મને વાંધો નથી, બને ક્યારેક એવું. ગ્રહ, સ્વભાવ અને પરિસ્થિતિ એવાં ઊભાં થઈ જાય કે માણસ ભૂલ કરી બેસે; પણ... મને ગુસ્સો ત્યારે આવે જ્યારે કરનારો મને મૂરખ માનીને પોતાનું કૃત્ય છુપાવવાની કોશિશ કરે. એવું થાય ત્યારે મારી કમાન એવી છટકે, એવી છટકે, એવી છટકે કે...’
જાણે કે આગળના શબ્દો મોઢામાંથી બહાર ન આવવા દેવા હોય એ રીતે સોમચંદે ચપટી સોપારી મોઢામાં ઓરી અને લિફ્ટ તરફ પ્રયાણ કર્યું.
lll
‘બેટા, હવે... આ માણસ... આ માણસ બહુ ખેપાની લાગે છે.’ મંગળાબા રીતસર ધ્રૂજતાં હતાં, ‘આ... આ મને નહીં મૂકે બેટા. તું કંઈ કર શશી... મારે પાછલી જિંદગી જેલમાં નથી કાઢવી, મને તું...’
શશી અંદરખાને જબરદસ્ત ગભરાયેલો હતો, પણ અત્યારે એ ગભરાટ બહાર આવે એ વાજબી નહોતું. તે હિંમત દર્શાવતાં આગળ આવ્યો અને મંગળાબાની પાસે ઊભો રહ્યો.
‘બા, ચિંતા ન કરો... કંઈ નહીં થાય.’ શશીએ અવાજમાં સ્વસ્થતા ભરી હતી, ‘આ તો બોલે, બાકી તમારે ગભરાવાની જરૂર નથી... તમે ટેન્શન ન કરો.’
‘શું તમે પણ મોટા ભાઈ...’ વૈભવી તરત આગળ આવી, ‘જોયુંને તમે, તેણે વાલના દાણા જેવડો લોહીનો ડાઘ પણ નરી આંખે કેવો ઓળખી લીધો?’
‘હા...’ ભારતીએ પણ સૂર પુરાવ્યો, ‘આ, આ માણસ પોલીસ કરતાં પણ વધારે હોશિયાર લાગે છે. હું તો કહું છું કે આને પૈસા આપીને બધું પૂરું કરો.’
‘હા ભાઈ, ભાભીની વાત સાચી છે. આપણે એવું જ કરીએ...’ અરુણે શશીને કહ્યું, ‘આ પ્રાઇવેટ ડિટેક્ટિવ છે. આ સચવાઈ ગયો તો પોલીસમાં પણ વાંધો નહીં આવે.’
‘અરે ના અરુણ, એવું નથી... આ ડિટેક્ટિવ સોમચંદ છે.’ શશીના ચહેરા પર પહેલી વાર માયૂસી પથરાઈ, ‘આ પોલીસનો પણ બાપ છે. પોલીસને ફોડવી સહેલી છે, આ સોમચંદ નહીં માને... મેં રાતે જ ઇન્ટરનેટ પર આ માણસનું બધું સર્ચ કરી લીધું. આ ભૂલને નથી શોધતો, ભૂલ સામેથી પકડાવા આ માણસ પાસે જાય છે...’
(ક્રમશ:)