02 December, 2025 10:03 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
‘વૉટ?’ પપ્પાના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ હતી, ‘તમારી કંઈક ભૂલ થતી લાગે છે. તમે, તમે... તમે મને હિતાર્થ પાસે લઈ જાઓ... તમારી ભૂલ...’
‘મિસ્ટર પ્રતીક, અમારી કોઈ ભૂલ નથી.’ ઇન્સ્પેક્ટરે પ્રતીકના ખભા પર હાથ મૂક્યો, ‘જે બન્યું એની અમે તપાસ કરીએ છીએ. તમે થોડી પેશન્સ રાખો. આઇ નો, આમ કહેવું સહેલું છે પણ.. એના સિવાય બીજો કોઈ છૂટકો પણ નથી.’
‘એમ થોડું હોય સાહેબ? હું, હું, હું... હવે બધાને શું કહું?’ પ્રતીક હજી પણ ધ્રૂજતો હતો, ‘માનસીને, તેની મમ્મીને શું કહું? કેવી રીતે કહું... થયું શું, મને તમે વાત કરો...’
‘બધી વાત કરું. તમે એક કામ કરો...’ ઇન્સ્પેક્ટરે ઇશારાથી જ પ્રિન્સિપાલને પાસે બોલાવ્યા, ‘મિસ્ટર પ્રતીકને પેપર્સ આપો. તે સાઇન કરે એટલે આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ.’
આ કામ સ્કૂલ મૅનેજમેન્ટે જ ઇન્સ્પેક્ટરને સોંપ્યું હતું. જે ઘટના સ્કૂલમાં ઘટી હતી એ ઘટનાથી મૅનેજમેન્ટ શૉક્ડ હતું પણ સ્કૂલની બદનામી પણ તેમણે ધ્યાનમાં રાખવાની હતી એટલે ઇમોશન્સ વચ્ચે પણ મૅનેજમેન્ટ લૉજિકલ સ્ટેપ લેતું રહેવાનું હતું.
પ્રિન્સિપાલે એક ફાઇલ પ્રતીક સામે મૂકી અને પ્રતીકે એમાં રહેલાં પેપર્સ સાઇન કરી આપ્યાં. જે પેપર્સ હતાં એમાં ક્લિયર લખ્યું હતું કે સ્કૂલમાં બનેલી ઘટના માટે સ્કૂલ કે મૅનેજમેન્ટ ક્યાંય દોષમાં નથી અને ખરેખર હતું પણ એવું જ.
lll
‘હવે તમે રિલૅક્સ્ડ છો? હું તમને વાત કરું?’
અડધા કલાકના અંતરાલ પછી ઇન્સ્પેક્ટરે પ્રતીક અને માનસી સામે જોયું. એ બન્નેની આંખો સૂઝીને ટમેટા જેવી થઈ ગઈ હતી.
‘સવારે હિતાર્થ સ્કૂલમાં આવ્યો અને સવાદસ વાગ્યે પહેલો બ્રેક પડ્યો. હિતાર્થના ટીચરનું કહેવું છે કે એ બ્રેકમાં હિતાર્થ કૅન્ટીનમાં ગયો, તેણે બ્રેકફાસ્ટ કર્યો અને પછી બ્રેક પૂરો થવાની બેલ પડી એટલે બધા ક્લાસ તરફ ગયા. હિતાર્થ પણ એ તરફ ગયો અને ફર્સ્ટ ક્લાસ તેણે અટેન્ડ કર્યો. બીજો પિરિયડ શરૂ થયો કે હિતાર્થે ટીચર પાસે વૉશરૂમ જવાની પરમિશન માગી, ટીચરે તેને પરમિશન આપી અને હિતાર્થ વૉશરૂમમાં ગયો.’ ઇન્સ્પેક્ટરે મમ્મી સામે જોયું, ‘તમને ખ્યાલ હશે કે સ્કૂલનો દરેક પિરિયડ ચાલીસ મિનિટનો હોય છે. હિતાર્થને આવવામાં વાર લાગી એટલે ટીચરે ધારી લીધું કે તે ટાઇમપાસ કરતો બહાર લૉબીમાં ચક્કર મારતો ફરતો હશે. ટીચરે હિતાર્થના બે ફ્રેન્ડ્સને જોવા માટે મોકલ્યા. એ લોકો બહાર જઈને આવ્યા પણ તેમને ક્યાંય હિતાર્થ મળ્યો નહીં.’
પપ્પા-મમ્મીની આંખોમાં આંસુ હતાં પણ તેમના કાન સંપૂર્ણપણે ઇન્સ્પેક્ટરની વાત પર હતા. ત્રણ કલાક પહેલાં સ્કૂલમાં શું બન્યું એ વિશે ઇન્સ્પેક્ટર તેમને વાત કરતા હતા. ત્વરા સાથે ઘટના વિશે સ્કૂલમાં લેવામાં આવેલા સ્ટેટમેન્ટના આધારે ઇન્સ્પેક્ટરે ઘટનાના અંકોડા બેસાડ્યા હતા.
‘થોડી વાર રાહ જોયા પછી ટીચરને ટેન્શન થયું એટલે ટીચરે સ્કૂલની સિક્યૉરિટી બોલાવી અને તેને હિતાર્થને શોધવા માટે કહ્યું. સિક્યૉરિટીએ
સ્કૂલ-કૅમ્પસ અને ગ્રાઉન્ડ ચેક કરવાનું શરૂ કર્યું તો એક ગાર્ડ વૉશરૂમમાં ગયો. વૉશરૂમ આમ તો ખાલી હતો પણ એમાં એક ટૉઇલેટ બંધ હતું. ગાર્ડે ટૉઇલેટનો દરવાજો ખખડાવ્યો અને થોડી સેકન્ડ રાહ જોઈ પણ અંદરથી કોઈ રિપ્લાય આવ્યો નહીં એટલે તેણે કોઈ જાતનો ડર રાખ્યા વિના દરવાજો તોડી નાખ્યો અને અંદરનું દૃશ્ય જોઈને તે ધ્રૂજી ગયો...’
lll
ટૉઇલેટના કમોડ પર હિતાર્થની લાશ પડી હતી. તેની બૉડીમાંથી લોહી હજી પણ નીતરતું હતું. વાઇટ કમોડ અને ટાઇલ્સ રક્તરંજિત હતાં. હિતાર્થની આંખો ફાટેલી હતી.
lll
આખી સ્કૂલમાં દેકારો મચી ગયો.
સ્કૂલ મૅનેજમેન્ટે તાત્કાલિક કામ શરૂ કર્યું. એક ટીમે ઇમિડિએટલી ઍમ્બ્યુલન્સ બોલાવી તો બીજી એક ટીમે પોલીસમાં જાણ કરી. સ્કૂલમાં સૌથી વધારે કપરું કામ કોઈ હતું તો એ સ્ટુડન્ટ્સને સિફતપૂર્વક કૅમ્પસમાંથી બહાર કાઢવાનું હતું. મોટા ભાગનો ટીચિંગ સ્ટાફ એ કામ પર લાગી ગયો અને જે વૉશરૂમમાં ઘટના ઘટી હતી એ વૉશરૂમની એકદમ વિરુદ્ધ દિશામાં આવેલા એક્ઝિટ ડોરથી સ્ટુડન્ટ્સને બહાર લાવવાનું શરૂ કરી દીધું.
સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ટ્વેલ્થ સુધીના સ્ટુડન્ટ્સ હતા. આઠમા સ્ટાન્ડર્ડથી સ્ટુડન્ટ્સને પર્સનલ વ્હીકલની છૂટ હતી. જે પર્સનલ વ્હીકલ લઈને આવ્યા હતા એ સ્ટુડન્ટ્સને તાત્કાલિક રવાના કરી દેવામાં આવ્યા તો સ્કૂલ-બસમાં જતા સ્ટુડન્ટ્સને તાત્કાલિક ઘરે રવાના કરવાની તૈયારીઓ થઈ ગઈ. એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું કે જે સ્ટુડન્ટ્સને પેરન્ટસ ડ્રૉપ કરવા આવતા હતા તેમની પરમિશન લઈને તેમને પણ સ્કૂલ-બસમાં ઘરે રવાના કરવામાં આવ્યા. મોટા ભાગના સ્ટુડન્ટ્સ રવાના થઈ ગયા અને જે સ્ટુડન્ટ્સને પહોંચાડવા માટેની કોઈ અરેન્જમેન્ટ ન થઈ શકી તેમને ઘરે પહોંચાડવાનું કામ પ્રિન્સિપાલના ડ્રાઇવરે સંભાળી લીધું.
આ સમય દરમ્યાન ઍમ્બ્યુલન્સ પણ આવી ગઈ અને પોલીસ પણ આવી ગઈ.
ડૉક્ટરે તરત જ રિપોર્ટ આપ્યો કે હિતાર્થમાં જીવ નથી અને એ પછી પણ તેને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા. જોકે એ વ્યર્થ રહ્યા. લાશને હૉસ્પિટલ રવાના કરવામાં આવી અને પોલીસે પોતાનું કામ શરૂ કર્યું.
‘સર, સૌથી પહેલાં તમે અમને હેલ્પ કરો. સ્ટુડન્ટના પેરન્ટ્સને ઇન્ફૉર્મ કરવાનું છે અને અમારા કોઈની હિંમત... પ્લીઝ સર.’
હિતાર્થની ટીચરની આંખોમાં પણ આંસુ હતાં.
ઇન્સ્પેક્ટર તેને કંઈ જવાબ આપે
એ પહેલાં જ મહારાષ્ટ્ર સરકારની એજ્યુકેશન મિનિસ્ટ્રીમાંથી ફોન આવી ગયો. આ કામ મૅનેજમેન્ટે કર્યું હતું. હવે પેરન્ટ્સને જાણ કરવાની આગેવાની નાછૂટકે ઇન્સ્પેક્ટરે લેવાની હતી અને તેમણે એ જવાબદારી નિભાવી.
‘મિસ્ટર પ્રતીક, હું તમને અત્યારે એટલું જ કહીશ કે તમારા સન સાથે શું થયું એની પૂરેપૂરી તપાસ થશે, હિતાર્થને ન્યાય મળશે એની જવાબદારી મારી. તમે મારા પર વિશ્વાસ રાખો અને હિતાર્થની અંતિમ ક્રિયા પૂરી કરો.’
lll
જે વાતનો ડર મૅનેજમેન્ટને હતો એ જ વાતનો ડર પોલીસ ડિપાર્ટમેન્ટને પણ હતો કે ક્યાંક પેરન્ટ્સ અને તેમના રિલેટિવ્સ બાળકની બૉડી સ્વીકારવાની ના પાડી દે અને પહેલાં આરોપીને હાજર કરવા માટે કહે કે પછી અન્ય કોઈ ડિમાન્ડ કરે. આવું છેલ્લા થોડા સમયથી અનેક કિસ્સાઓમાં બન્યું છે, જેને લીધે ડિપાર્ટમેન્ટથી માંડીને સંસ્થા સુધ્ધાંએ હેરાનગતિ સહન કરવાની આવી છે.
પહેલો ડર સ્કૂલ મૅનેજમેન્ટને હતો કે પ્રતીક દવે દીકરાની બૉડી નહીં સ્વીકારે પણ સ્કૂલ પાસેથી બૉડી સ્વીકારી લેવાનું કામ ઇન્સ્પેક્ટરે સિફતપૂર્વક કરાવી લીધું અને હિતાર્થના મોત પાછળ સ્કૂલ મૅનેજમેન્ટ કે સ્ટાફ ક્યાંય ઇન્વૉલ્વ્ડ નથી એવા સ્વૈચ્છિક લખાણ પર પેરન્ટ્સની સહી પણ લઈ લીધી.
હવે એ મુજબ સિફત સાથે આગળ વધવાનું હતું અને હૉસ્પિટલથી બૉડી લઈને પ્રતીક-માનસી રવાના થઈ જાય એ ઇન્સ્પેક્ટરે જોવાનું હતું. વાત રહી પ્રતીક અને માનસીની તો, એ બન્નેનાં શરીર કામ કરતાં હતાં પણ મન તો તેમનું ક્યારનું અવાક્ થઈ ગયું હતું. ઘટનાઓ માત્ર અચંબો નથી આપતી, કેટલીક ઘટનાઓ જાગૃત અવસ્થામાં પણ માણસને બેહોશ કરવાનું કામ કરી જાય છે.
lll
એક તરફ હિતાર્થના અંતિમ સંસ્કાર ચાલતા હતા અને બીજી તરફ સ્કૂલ કૅમ્પસમાં ધમધમાટ મચી ગયો હતો. વીસ કૉન્સ્ટેબલની ટીમ સાથે ફિન્ગરપ્રિન્ટ્સ એક્સપર્ટ, ફૉરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટના ઑફિસર, ડૉગ સ્ક્વૉડ આવી ગઈ હતી. CCTV કૅમેરાનાં ફુટેજ પણ ચેક કરવાનું શરૂ થઈ ગયું હતું.
દુર્ભાગ્યવશ સ્કૂલના કૅમ્પસમાં આવેલા ત્રણ વૉશરૂમમાંથી બે વૉશરૂમ એ પ્રકારના હતા કે જેના છેક ડોર સુધી CCTV કૅમેરાનું વિઝન પહોંચતું હતું, જ્યારે ત્રીજો વૉશરૂમ એ પ્રકારના ઍન્ગલ પર હતો કે એ વળાંકથી આગળ CCTV કૅમેરાના લેન્સ પહોંચતા નહોતા.
‘આ કૉર્નરમાં એક્સ્ટ્રા CCTV ન મુકાવવાનું કોઈ કારણ...’
‘સર, કોઈ જ કારણ નહીં પણ આ ટર્ન પછી એક પણ ક્લાસરૂમ નથી...’ સ્કૂલના ટ્રસ્ટીએ ઇન્સ્પેક્ટરને સમજાવ્યું, ‘માત્ર વૉશરૂમ છે અને બપોર પછીની શિફ્ટમાં આ વૉશરૂમ ગર્લ્સ માટે હોય છે. જો કૅમેરા મૂકવામાં આવે અને કોઈ એનો વિરોધ કરે તો નાહકની બદનામી થાય એટલે બોર્ડ મીટિંગમાં જ નક્કી થયું કે કૉર્નર સુધીનો એરિયા આવે છે તો હવે ત્યાં બીજો સેપરેટ કૅમેરા નથી મૂકવો.’
‘હંમ...’
‘સેકન્ડ્લી સર, સ્કૂલમાં આવી ઘટના બનશે એવું તો કોઈએ વિચાર્યું પણ નહોતું.’
‘રાઇટ... એક કામ કરો, મને તમામેતમામ CCTV ફુટેજ જોઈએ છે.’ ઇન્સ્પેક્ટરે કૉન્સ્ટેબલને સૂચના આપી, ‘સ્કૂલ કે સ્ટાફ સિવાયની એક પણ અજાણી વ્યક્તિ દેખાય તો એ છેલ્લે સ્કૂલમાંથી ક્યારે નીકળી એ વિઝ્યુઅલની આખી થ્રેડ પણ તૈયાર કરો.’
lll
‘સર, સ્કૂલમાં અજાણ્યું તો કોઈ નથી આવ્યું પણ હા, એવા ત્રણ જણ આવ્યા છે જે સ્કૂલના બિલ્ડિંગમાં સામાન્ય રીતે અવરજવર નથી કરતા.’ CCTVનાં વિઝ્યુઅલ્સ શરૂ કરતાં કૉન્સ્ટેબલે વાત શરૂ કરી, ‘આ જે માણસ છે એ સ્કૂલને ડ્રેસ સપ્લાય કરે છે. એ પેમેન્ટ લેવા માટે આવ્યો હતો. ગેટમાંથી અંદર આવ્યો અને એ પછી બિલ્ડિંગમાં આવી ઍડ્મિન ઑફિસમાં ગયો અને ત્યાંથી ચેક લઈને બહાર નીકળી ગયો.’
‘હંમ... મતલબ આ માણસ હિતાર્થના ક્લાસ કે હિતાર્થના વૉશરૂમ તરફ ગયો નથી.’
‘યસ સર...’ કૉન્સ્ટેબલે CCTV કૅમેરાનાં બીજાં વિઝ્યુઅલ્સ શરૂ કર્યાં, ‘આ જે છે એ સ્વીપર સ્ટાફ છે. આ લોકો રેગ્યુલરલી બિલ્ડિંગમાં આવે છે પણ એ લોકોની ડ્યુટી સવારે સાતથી સાડાસાત વાગ્યાની હોય છે. આ અડધા કલાકમાં વૉશરૂમ સાફ કરી નાખવાના હોય છે, પણ આ જે બાઈ છે એ બાઈ ગઈ કાલે પંદર મિનિટ મોડી આવી અને એ હિતાર્થે યુઝ કર્યો એ વૉશરૂમ ક્લીન કરવા માટે સવાઆઠ વાગ્યે ગઈ.’
‘પછી એ ક્યારે નીકળી અને
ક્યાં-ક્યાં ફરી?’
‘આ બાઈ એક્ઝૅક્ટ ૮ વાગીને ૪૦ મિનિટે વૉશરૂમમાંથી નીકળી ગઈ અને ત્યાર પછી પોતાના આગળના કામ એટલે કે કૅમ્પસ સાફ કરવામાં લાગી ગઈ.’ કૉન્સ્ટેબલે ઇન્સ્પેક્ટરની સામે જોયું, ‘આ બાઈ ત્યાર પછી બહારનું કામ પૂરું કરીને ઘરે નીકળી ગઈ. તેને પણ બોલાવીને રાખી છે.’
‘ઓકે. ત્રીજું કોણ આવ્યું હતું?’
‘ક્લીનર. સ્કૂલબસમાં સાફસફાઈ કરતા ક્લીનરે પણ સામાન્ય રીતે બિલ્ડિંગમાં આવવું નથી પડતું પણ એક ક્લીનર ગઈ કાલે બિલ્ડિંગમાં આવ્યો અને તેણે હિતાર્થવાળા વૉશરૂમનો જ ઉપયોગ કર્યો. સૌથી પહેલાં તે વૉશરૂમમાં ગયો. એક્ઝૅક્ટ પંદર સેકન્ડ પછી હિતાર્થ વૉશરૂમમાં ગયો અને ત્યાર પછીની બાવીસ સેકન્ડ પછી ક્લીનર વૉશરૂમમાંથી બહાર આવ્યો...’
‘ક્લીનરના હાથમાં શું છે?’
વિઝ્યુઅલ્સ પરથી નજર હટાવ્યા વિના જ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો હતો.
‘પાણીની ડોલ છે. તે બસ ધોવાનું કામ કરતો હતો. તેનું કહેવું છે કે બહાર ગ્રાઉન્ડમાં પણ પાણીની વ્યવસ્થા છે પણ ગઈ કાલે એમાં પાણી આવતું નહોતું એટલે તે બસ પાર્ક કરી હતી ત્યાંથી સૌથી નજીક રહેલા વૉશરૂમમાં પાણી ભરવા માટે ગયો હતો.’
‘હંમ... તને શું લાગે છે ચંદુ?’
‘બિલ્ડિંગમાં બહારથી આવેલી વ્યક્તિઓમાં આ એક જ વ્યક્તિ એવી છે જે હિતાર્થ ગયો એ સમયે વૉશરૂમમાં હતી. ચાન્સિસ તો આ જ માણસના વધારે છે.’
‘હંમ... આવ્યો છેને?’ કૉન્સ્ટેબલે જેવી હા પાડી કે ઇન્સ્પેક્ટરે તરત જ કહ્યું, ‘અટકાયત કરો તેની...’
(ક્રમશ:)