31 January, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અખબારો, ટીવી અને સોશ્યલ મીડિયા મહાકુંભના સમાચારો, તસવીરો, વિડિયોઝ અને રીલ્સથી ઊભરાય છે. પ્રયાગરાજમાં તેરમી જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં પચીસ કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. અત્યારે દેશ અને દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો આ મહાપર્વની ઝલક પામવા, એનો હિસ્સો બનવા ઊમટી રહ્યા છે.
આ બધાં દૃશ્યો જોતાં મને યાદ આવે છે ૧૯૭૭નો એ દિવસ : કલકત્તાથી મારાં સાસુ-સસરાને અલાહાબાદ કુંભમેળામાં સ્નાન કરાવવા લઈને હું ગયેલી. સાથે બે પાડોશીઓ પણ હતા. અમે પહોંચ્યાં ત્યારે મોડી સાંજ ઢળી ગઈ હતી. અમને રહેવા માટે એક તંબુ ફાળવાયો. તંબુમાં રહેવાનો એ પહેલો અનુભવ ખાસ્સો અગવડયુક્ત લાગ્યો હતો પરંતુ દિવસભરના પ્રવાસથી થાકેલા સૌ ઘસઘસાટ ઊંઘી ગયેલા. વહેલી સવારે ઊંઘ ઊડી ગઈ. મેં બહાર નીકળી આજુબાજુ નજર ફેરવી. ચારે કોર તંબુ જ તંબુ, એ પણ તદ્દન બેઝિક; આજના જેવા નહીં!
એ વખતે કુંભમેળા વિશે મને કોઈ જ આઇડિયા નહોતો. મારે મન ‘મેળો’ એટલે પુસ્તકોમાં વાંચેલો, ગીતોમાં સાંભળેલો અને ફિલ્મોમાં જોયેલો એ મેળો. માએ પોતાના બાળપણમાં માણેલો એ મોરબીનો રંગબેરંગી મેળો. કુંભમેળામાં પંહોચતાં જ મારી કલ્પનાનો એ મેળો હવામાં ઊડી ગયો. રંગોના નામે ત્યાં ખાખી તંબુઓ અને રાખોડી બાવાઓ! અમે પણ એ જ ભૂખરા રંગોનો હિસ્સો બની ગયાં.
સવાર પડતાં જ તંબુઓમાંથી લોકોનાં ટોળેટોળાં નદી તરફ ચાલવા માંડ્યાં. અમે પણ સ્નાનનાં કપડાંનો થેલો લઈને સંગમ ભણી ઊપડ્યાં. નદીમાં સંગમ સ્થળે અનેક લોકો સ્નાન કરી રહ્યા હતા. મારી સાથેના વડીલોએ પૂરી આસ્થા અને ધન્યતા સાથે નદીમાં ડૂબકી લગાવી. મને પણ ડૂબકી લગાવવાનો આગ્રહ કર્યો પણ મેં તો માત્ર પગની પાની પલાળીને સ્નાનનો સંતોષ લીધો.
આજે, ૨૦૨૫માં મહાકુંભ માટે દુનિયાભરના નાના-મોટા, અનામ અને નામી લોકોની ઉત્કંઠા જોતાં મને સવાલ થાય છે કે ૪૮ વર્ષ પહેલાં મને મળેલી એ તક મેં ગુમાવી દીધી હતી? ગંગા, જમુના અને સરસ્વતીના પાવન સંગમ સ્થળે જઈને પણ એ પવિત્ર જળથી ભીંજાયા વિના પાછા ફરનારને આસ્થાળુઓ કમભાગી કે મૂરખ જ કહે. એક મિત્રએ આ વાત જાણી ત્યારે મારા માટે ભારે અફસોસ કર્યો. પણ સાચું કહું? કરોડો લોકોની કુંભસ્નાન પ્રત્યેની શ્રદ્ધાથી ભીંજાતી હું એ દિવસે કોરા રહ્યાનો કોઈ અફસોસ અનુભવતી નથી. અજ્ઞાનને કારણે? કોને ખબર!
અલબત્ત, જિંદગીમાં કેટલીક વાર આમ મળેલા અવસર ગુમાવ્યા બદલ અફસોસ પણ થયો છે. જોગાનુજોગ આ જ ગાળામાં મને પણ એક બાબત વિશે આવો જ અફસોસનો અનુભવ થયો. પરંતુ એ જુદા જ સંદર્ભે. એની વાત ફરી ક્યારેક.