સતત ઊગ્યા કરવું એ ઇચ્છાનો સ્વભાવ છે અને બધી પૂરી ન થાય એ એની વાસ્તવિકતા

17 July, 2025 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનુષ્યના જન્મ સાથે જનમતી અને તેના અંત સુધી દરેક ક્ષણે તે ઇચ્છે કે ન ઇચ્છે, તેની સાથે રહેતી આ ઇચ્છાઓ આમ જોવા જઈએ તો મનુષ્ય જીવનનું ચાલકબળ પણ છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

ઇચ્છા, આકાંક્ષા, ઝંખના, મનોકામના; જેટલાં નામ એટલી લીલા. ક્યારેક સૂક્ષ્મ અને સુષુપ્ત અને ક્યારેક તીવ્ર અને તેજ. મનુષ્યના જન્મ સાથે જનમતી અને તેના અંત સુધી દરેક ક્ષણે તે ઇચ્છે કે ન ઇચ્છે, તેની સાથે રહેતી આ ઇચ્છાઓ આમ જોવા જઈએ તો મનુષ્ય જીવનનું ચાલકબળ પણ છે.

જીવનને જીવવાલાયક બનાવવામાં ઇચ્છાઓનો મહત્ત્વનો ફાળો છે. એ જ રીતે ક્યારેક જીવનને દિશાહીન કરવામાં પણ ઇચ્છાનો હાથ હોય એવી શક્યતા પણ ખરી. ઇચ્છા જ્યારે મહત્ત્વાકાંક્ષા બને ત્યારે જીવનને લક્ષ્ય પૂરું પાડે છે, પરંતુ ઘણી વખત કેટલાક લોકો જીવન અને જીવનના એક લક્ષ્ય વચ્ચેના તફાવતને ભૂંસી નાખે છે અને મહત્ત્વાકાંક્ષા જ જીવન બની જાય છે અને આવા લોકો ઘણી વખત જીવનમાં એકલા પડી જતા હોય છે.

જેનું મૃત્યુ નિકટ છે એવી વ્યક્તિને (ફાંસીને માંચડે ચડતા ગુનેગારને પણ) તેની અંતિમ ઇચ્છા પૂછવામાં આવે છે, કારણ કે સદીઓથી આપણે માનીએ છીએ કે એક અધૂરી ઇચ્છા આ જન્મે નહીં પણ જન્મોજનમ એક અસંતોષ, અતૃપ્તિના ભાવ સાથે જીવવા દોરી શકે છે.

વિખ્યાત મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રૉઇડ જ્યારે મનોવિશ્લેષણની વાત કરે છે ત્યારે તે ઈડ (અજાગ્રત), ઈગો (અર્ધજાગ્રત) અને સુપર ઈગો (જાગ્રત) એમ મનની ત્રણ અવસ્થાની વાત કરે છે અને આ ઈડ એટલે કે અજાગ્રત મનમાં ધરબાઈ રહેલી ઇચ્છાઓ જ મનના સંઘર્ષનું મૂળ છે એ સમજાવે છે. જાગ્રત અને અજાગ્રત મન વચ્ચેનો સંઘર્ષ એ આપણા મનમાં જન્મતી ઇચ્છાઓ અને એ પૂરી થવાની અશક્યતાઓને કારણે ચાલતું દ્વંદ્વ છે. આ જાણ્યા અને સમજ્યા પછી પણ ઇચ્છાઓ પર કાબૂ કરી શકવો અશક્ય છે, કારણ કે સતત ઊગ્યા કરવું એ એનો સ્વભાવ છે, પરંતુ બધી પૂરી ન થાય એ એની વાસ્તવિકતા છે.

કેટલીક સામાન્ય કહી શકાય એવી ઇચ્છાઓ એટલે પણ પૂરી નથી થતી કારણ કે એ એવી વ્યક્તિ પાસેથી રખાઈ છે જેનામાં એને પૂરું કરવાનું સામર્થ્ય છે જ નહીં. ઘણી વખત આપણા પોતાનામાં એવી ઇચ્છાઓ જન્મે છે જે આપણે જાણીએ છીએ કે પૂરી નહીં થાય અને છતાં એ ઇચ્છા સતત મનના એક ખૂણે ધરબાઈ રહે છે. તો ક્યારેક એકાંતમાં સપાટીએ આવી તીવ્ર આવેગ સાથે પૂરી થવા ધમપછાડા પણ કરે છે અને ત્યારે એવી પણ ઇચ્છા થાય કે બસ, હવે કોઈ ઇચ્છા ન થાય. એટલે જ કદાચ જાણીતા ગઝલકાર ચિનુ મોદી ‘ઇર્શાદ’ લખે છે કે...

કોઈ ઇચ્છાનું મને વળગણ હો,

ઇચ્છા છે, હવે પણ હો.

-અનિતા ભાનુશાલી

columnists gujarati mid day mumbai mental health Sociology