મારાં ત્રણ અલગ-અલગ દેશની યુવતીઓ સાથેનાં લગ્ન નિષ્ફળ, પણ અમારા સંબંધો જીવંત

12 November, 2025 10:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેહમૂદના દીકરા અને સિંગર લકી અલીએ કહ્યું કે જરૂરી નથી કે તમે જીવનની શરૂઆત અને અંત એક જ સાથી સાથે કરો

લકી અલી

મેહમૂદના દીકરા અને સિંગર લકી અલીએ ત્રણ વખત લગ્ન કર્યાં છે. હાલમાં લકી અલી બૅન્ગલોરની નજીક એક ફાર્મહાઉસમાં રહે છે અને ભાગ્યે જ જાહેરમાં દેખાય છે. હાલમાં લકી અલીએ એક ઇન્ટરવ્યુમાં તેનાં ત્રણ લગ્નો વિશે વાત કરતાં કહ્યું છે કે મેં ત્રણ અલગ-અલગ દેશોમાં લગ્ન કર્યાં હતાં અને બધાં લગ્ન નિષ્ફળ નીવડ્યાં પણ આજે પણ અમારા બધાના સંબંધો જીવંત છે.

લકી અલીએ પહેલાં લગ્ન  ન્યુ ઝીલૅન્ડ/ઑસ્ટ્રેલિયન મૂળની મીગન જેન મૅક્લેરી સાથે કર્યાં હતાં અને તેમને બે સંતાન છે. તેણે બીજાં લગ્ન ઈનાયા નામની ફારસી મહિલા સાથે કર્યાં અને તેની સાથે પણ બે સંતાન છે. આ પછી લકી અલીએ ત્રીજાં લગ્ન બ્રિટિશ મૉડલ અને ભૂતપૂર્વ બ્યુટીક્વીન કેટ એલિઝાબેથ હોલમ સાથે કર્યાં અને તેની સાથે તેનો એક પુત્ર છે.

પોતાના ઇન્ટરવ્યુમાં લકીએ કહ્યું, ‘જરૂરી નથી કે તમે જીવનની શરૂઆત અને અંત એક જ સાથી સાથે કરો. મેં ત્રણ અલગ-અલગ દેશની યુવતીઓ સાથે લગ્ન કર્યાં છે.  મારાં કોઈ પણ લગ્ન સફળ નહોતાં, પરંતુ મારા બધા સંબંધો આજે પણ જીવંત છે. અમે સાથે નથી રહેતા, પણ એકબીજા માટે હંમેશાં હાજર છીએ. હું હંમેશાં મારાં બાળકો પ્રત્યે જવાબદાર રહ્યો છું. હું માનું છું કે ઉછેરનો સાચો રસ્તો પ્રેમ છે. બાળકો માતા-પિતાને જે કરતાં જુએ છે એ જ શીખે છે.’

lucky ali relationships entertainment news bollywood bollywood news bollywood gossips