19 July, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેર અને કિરણ ખેરની ગણતરી બૉલીવુડની પ્રેમાળ જોડી તરીકે થાય છે. જ્યારે આ બન્નેની મુલાકાત થઈ ત્યારે બન્ને પહેલેથી જ પરણેલાં હતાં. નાટક દરમ્યાન થયેલી બન્નેની મુલાકાત ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. અનુપમ અને કિરણ ખેરે ૧૯૮૫માં લગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે કિરણ સાથે તેનો ચાર વર્ષનો દીકરો સિકંદર પણ હતો અને અનુપમે હંમેશાં સિકંદરની જવાબદારી નિભાવી છે. સામા પક્ષે સિકંદરે પણ તેમની અટક અપનાવીને તેમને પિતાતુલ્ય સ્થાન આપ્યું છે. જોકે અનુપમ અને કિરણને કોઈ સંતાન નથી.
લગ્નનાં ૪૦ વર્ષ પછી હમણાં એક ઇન્ટરવ્યુમાં અનુપમે સંતાન ન હોવાને કારણે અનુભવાતા ખાલીપા વિશે વાત કરી છે. આ ઇન્ટરવ્યુમાં અનુપમે કહ્યું હતું કે ‘પહેલાં મને આ વાતનો અહેસાસ નહોતો પણ હું જ્યારે ૬૦ વર્ષનો થયો એ પછી મને આ વિશે વિચાર આવવા લાગ્યો. હું બાળકો સાથે ઘણું કામ કરું છું, મારું ફાઉન્ડેશન પણ ઘણું કામ કરે છે. મને બાળકો ખૂબ ગમે છે. એવું નથી કે અમને બાળકો નહોતાં જોઈતાં. હકીકતમાં કિરણ પ્રેગ્નન્ટ થઈ શકી નહોતી અને એક વખત તેણે ગર્ભ ધારણ કર્યો હતો, પણ બાળકનો યોગ્ય વિકાસ નહોતો થઈ શક્યો. હું એ સમયે મારી કરીઅરમાં બહુ વ્યસ્ત હતો અને અમારી પાસે સિકંદર હતો. સિકંદર જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારા જીવનમાં આવ્યો. આમ, એ સમયે મને બાળકની કમી નહોતી અનુભવાઈ.’
કિરણ ખેરે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં અને અનુપમે ખૂબ પ્રયાસ કર્યા, કારણ કે સિકંદરને ભાઈ કે બહેન સાથે રમવું હતું. જોકે એ શક્ય થઈ ન શક્યું. મેડિકલ ટ્રીટમેન્ટથી પણ અમને કોઈ ફાયદો ન થયો.’