12 November, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધર્મેન્દ્રની ફાઇલ તસવીર
બોલિવૂડ (Bollywood) ના `હી-મેન` તરીકે જાણીતા પીઢ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) ની તબિયત અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારથી ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણકે ધર્મેન્દ્રને હૉસ્પિટલમાંથી રજા મળી (Dharmendra discharged from hospital) છે અને તેઓને ઘરે લઈ જવામાં આવ્યા છે. પરિવારે ઘરે જ સારવાર કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા બે દિવસથી ૮૯ વર્ષીય દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra Health Updates) સતત હેડલાઇન્સમાં છે. ૧૦ નવેમ્બરના રોજ, તેમની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈ (Mumbai) ની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital) માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા હતા. સમાચાર એજન્સી અનુસાર, હવે હિન્દી સિનેમાના ‘હી-મેન’ મૃત્યુને હરાવીને ઘરે પાછા ફર્યા છે.
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બુધવારે સવારે તેમને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવામાં આવ્યા હતા. પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનું નક્કી કર્યું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એમ્બ્યુલન્સના વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે.
૪૮ કલાક પછી, ધર્મેન્દ્રને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેઓ તેમના પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. જોકે, તેમની તબિયતમાં કેટલો સુધારો થયો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, ધર્મેન્દ્રની સારવાર કરી રહેલા ડૉ. પ્રતિક સમદાનીએ જણાવ્યું હતું કે, ‘ધર્મેન્દ્રજીને સવારે ૭:૩૦ વાગ્યે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે કારણ કે પરિવારે તેમની સારવાર ઘરે જ કરાવવાનો નિર્ણય લીધો છે.’
સોમવારે ધર્મેન્દ્રને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાના અહેવાલ હતા, જેના કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, એવા અહેવાલો પણ સામે આવ્યા હતા કે અભિનેતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગઈ કાલે તો તેમના મૃત્યુની પણ અફવાઓ ઉડી હતી. બાદમાં દીકરી એશા દેઓલ (Esha Deol) અને પત્ની હેમા માલિની (Hema Malini) એ આ અફવાઓને રદિયો આપ્યો હતો અને મીડિયાને વિનંતી કરી હતી કે, ખોટા સમાચાર ન ફેલાવે તેમજ પરિવારની ગોપનિયતા જાળવી રાખે. પરંતુ હવે ધર્મેન્દ્ર મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા છે અને ઘરે સારવાર હેઠળ છે. જોકે, આ બાબતે તેમના પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું.
મળતી માહિતી પ્રમાણે, અભિનેતા બોબી દેઓલ તેમના પિતાને એમ્બ્યુલન્સમાં મુંબઈના તેમના નિવાસસ્થાને લઈ ગયા હોવાના વીડિયો વાયરલ થયા છે.