12 May, 2025 07:01 AM IST | New York | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝનું મેટ ગાલા 2025માં ડેબ્યુ
પંજાબી ઍક્ટર-સિંગર દિલજિત દોસાંઝે ન્યુ યૉર્કમાં યોજાયેલા મેટ ગાલા 2025માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. આ કાર્યક્રમમાં દિલજિતે પોતાના મહારાજા લુકથી બધાનાં દિલ જીતી લીધાં હતાં. હવે પ્રખ્યાત ફૅશન મૅગેઝિન વોગે આ ફંક્શનના બેસ્ટ ડ્રેસ્ટ સેલિબ્રિટી માટે ખાસ જનમત હાથ ધર્યો હતો અને એમાં દિલજિત દોસાંઝે ૩૦૬ સેલિબ્રિટીઓને હરાવીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ફૅશન મૅગેઝિન વોગે એના વાચકોને બેસ્ટ ડ્રેસ્ડ લિસ્ટ માટે તેમનો ફેવરિટ લુક પસંદ કરવા કહ્યું હતું. વાચકોએ ૩૦૭ વિવિધ આઉટફિટમાંથી દિલજિતના ડ્રેસને પ્રથમ ક્રમે પસંદ કર્યો છે. આ વોટિંગમાં દિલજિતે શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, કિઆરા અડવાણી જેવાં ભારતીય અને રિહાના જેવા ઇન્ટરનૅશનલ સુપરસ્ટાર્સને હરાવી દીધાં છે. દિલજિતે ઇવેન્ટમાં પંજાબી રૉયલ લુક અપનાવીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. નેપાલી-અમેરિક ડિઝાઇનર પ્રબલ ગુરંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ લુકની રૉયલ શાન વધારવા માટે દિલજિતે મહારાજા જેવી જ્વેલરી બનાવડાવી અને મેટ ગાલા 2025માં પહેરી હતી. આ સાથે તેણે મૅચિંગ પાઘડી પહેરવાનું પસંદ કર્યું હતું. દિલજિતે પોતાના લુકને પર્ફેક્ટ બનાવવા માટે ત્રિપંડ પણ પહેર્યું હતું. તેના આઉટફિટમાં જે કૅપ પહેરી હતી એમાં પંજાબનો નકશો અને પંજાબી વર્ણમાલા (ગુરુમુખીના અક્ષરો) પણ ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. દિલજિતનો આ લુક મહારાજા ભૂપિન્દર સિંહ ઑફ પટિયાલાથી પ્રેરિત હતો.