09 June, 2026 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓડિશાની હૅન્ડલૂમ પરંપરાને પ્રોત્સાહન આપવા કંગના રનૌતે પહેરી કોટપાડ સાડી
ભારતીય હૅન્ડલૂમ પરંપરાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં ભુવનેશ્વરની મુલાકાત દરમ્યાન કંગના રનૌતે ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતી પરંપરાગત કોટપાડ સાડી પહેરીને ઓડિશાની પ્રસિદ્ધ વણાટકળાને ઊજવી હતી.
આ પ્રસંગે કંગનાએ આઇવરી અને લાલ રંગની સુંદર કોટપાડ સાડી પહેરી હતી અને એેને તેની સૌથી ફેવરિટ ઓડિશાની હૅન્ડલૂમ સાડી ગણાવી હતી. આ સાડી સાથે કંગનાએ હળવો મેકઅપ કરીને સાદી જ્વેલરી પહેરી હતી જેથી સાડીની સુંદરતા હાઇલાઇટ થઈ હતી. ઓડિશાના કોરાપુટ જિલ્લામાં રહેતા મિરગામ આદિવાસી સમુદાય દ્વારા આ કાપડનું વણાટ કરવામાં આવે છે. કોટપાડ વણાટને રાજ્યની સૌથી કીમતી હૅન્ડલૂમ પરંપરાઓમાંની એક માનવામાં આવે છે. કોટપાડ ઓડિશાનું પ્રથમ હૅન્ડલૂમ ઉત્પાદન હતું જેને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો હતો. આ સન્માન તેની સાંસ્કૃતિક અને કલાત્મક મહત્તાને દર્શાવે છે.