હું ક્યારેય ટર્કી અને અઝરબૈજાનમાં પગ નહીં મૂકું

12 May, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનના પડખે રહેનારા આ બે દેશોનો બૉયકૉટ કરવાનો નિર્ણય લીધો સિંગર વિશાલ મિશ્રાએ. વિશાલ મિશ્રા એક સંગીતકાર અને સિંગર છે. કરીઅરની શરૂઆતના દિવસોમાં તેણે સંગીતકાર જતીન-લલિતની જોડીના લલિત પંડિતના અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

વિશાલ મિશ્રા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ટર્કી અને અઝરબૈજાન પાકિસ્તાનના પડખે ઊભાં રહ્યાં છે એને પગલે સિંગર-કમ્પોઝર વિશાલ મિશ્રાએ જાહેર કર્યું છે કે તે હવે ક્યારેય ટર્કી કે અઝરબૈજાનમાં પગ નહીં મૂકે. વિશાલે પોતાની એક પોસ્ટમાં લખ્યું છે કે ‘હું ક્યારેય ટર્કી અને અઝરબૈજાન નહીં જાઉં. ન કોઈ રજા, ન કોઈ કૉન્સર્ટ. મારા શબ્દોને યાદ રાખજો, ક્યારેય નહીં.’
ભારતીયો મોટા પ્રમાણમાં વેકેશન માટે ટર્કી અને અઝરબૈજાન જાય છે એટલે સોશ્યલ મીડિયામાં આ બન્ને દેશોનો બૉયકૉટ કરવાની અપીલ કરવામાં આવી રહી છે. વિશાલ મિશ્રાએ આ સંદર્ભનો નિર્ણય જાહેર કરીને અનુકરણીય પગલું ભર્યું છે.

આ પરિસ્થિતિમાં ટીવી-અભિનેતા કુશાલ ટંડને પણ એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે મારી મમ્મી તેના મિત્રો સાથે જવાની હતી, પરંતુ ટર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને સમર્થન આપવાને કારણે તેમણે પોતાની યાત્રા રદ કરી દીધી છે.

કોણ છે વિશાલ મિશ્રા?
વિશાલ મિશ્રા એક સંગીતકાર અને સિંગર છે. કરીઅરની શરૂઆતના દિવસોમાં તેણે સંગીતકાર જતીન-લલિતની જોડીના લલિત પંડિતના અસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેણે  ૨૦૧૬માં તામિલ ફિલ્મ ‘દેવી’થી સંગીતકાર તરીકેની શરૂઆત કરી હતી. તેણે સોલો મ્યુઝિશ્યન તરીકે ગીતો અને સંગીત માટેનું પ્રથમ કામ સલમાન ખાન દ્વારા નિર્મિત રોમૅન્ટિક ડ્રામા ‘નોટબુક’ માટે કર્યું હતું, પણ તેને ‘કબીર સિંહ’ના હિટ ગીત ‘કૈસે હુઆ’થી વધારે લોકપ્રિયતા મળી હતી. ત્યાર બાદ ‘ઍનિમલ’ના ગીત ‘પહલે ભી મૈં’થી અલગ જ ઊંચાઈએ પહોંચી ગયો હતો.

ind pak tension turkey azerbaijan pakistan operation sindoor bollywood buzz bollywood news bollywood entertainment news