15 October, 2024 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફિલ્મ ‘દો પત્તી’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં કાજોલ અને ક્રિતી સૅનન.
રોહિત શેટ્ટીની ‘સિંઘમ’ સિરીઝ થકી અજય દેવગન પોલીસ-ઑફિસર સિંઘમ તરીકે જાણીતો છે. જોકે કાજોલ કહે છે કે અસલી સિંઘમ અજય દેવગન નહીં, તે છે. વાત એમ છે કે કાજોલની ક્રિતી સૅનન અને શાહિર શેખ સાથેની ફિલ્મ ‘દો પત્તી’ ૨૫ ઑક્ટોબરે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કાજોલ પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવી રહી છે.
‘દો પત્તી’ની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં કાજોલને જ્યારે પૂછવામાં આવ્યું કે ઘરમાં તમારા અને અજય દેવગનમાંથી અસલી સિંઘમ કોણ છે? ત્યારે કાજોલે કહ્યું હતું કે ‘યે મૈંને પહલે ભી કહા હૈ, હર સ્ટેજ પે કહા હૈ કે અસલી સિંઘમ... (પછી પોતાના તરફ આગળી ચીંધે છે) યહાં બૈઠા હૈ.’
શું હશે ‘દો પત્તી’માં?
‘દો પત્તી’ના ટ્રેલરની શરૂઆતમાં પોલીસ-ઇન્સ્પેક્ટર બનેલી કાજોલ શાહિર શેખના પાત્રની પૂછતાછ કરતી જોવા મળે છે. આગળ ખબર પડે છે કે ફિલ્મમાં ક્રિતી સૅનનનો ડબલ રોલ છે. તેમનાં નામ છે: સૌમ્યા અને શૈલી. સૌમ્યા અને ધ્રુવ પ્રેમમાં છે, પરંતુ ત્યાં તેની જુડવા બહેનની એન્ટ્રી થાય છે અને તેના કારણે કૉન્ફ્લિક્ટ ઊભો થાય છે. ક્રિતી સૅનન આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. કાજોલને પૂછવામાં આવ્યું કે પોલીસના રોલ માટે તેણે અજય દેવગન પાસે કોઈ સલાહ લીધી હતી કે કેમ, ત્યારે તેણે કહ્યું હતું કે ‘મેં આ રોલ માટે અજય પાસે કોઈ સલાહ નથી લીધી. વર્દી પહેરતાં જ તમારી અંદર જોશ અને ઝનૂન આવી જાય છે, જે તમારા પાત્રમાં ઝળકે છે.’