જો આર્થિક પ્રગતિ જોઈને કોઈને ઈર્ષ્યા જાગતી હોય તો શું કરવું?

29 September, 2024 06:59 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

આજના સમયમાં આ પ્રકારની ઘટના પુષ્કળ બને છે, પણ એનાથી ડરવાની જરૂર નથી. પ્રયાસ કરીને એ ઈર્ષામાંથી બહાર નીકળવાનું કામ સરળતાથી કરી શકાય છે. અહીં એ માટેના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. વાંચો...

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ નજર લાગી હોય તો શું કરવું જોઈએ એની. આ જ વિષયને આગળ વધારતાં કહેવાનું કે જો ક્યાંક પણ એવું લાગતું હોય કે તમારી આર્થિક પ્રગતિ કોઈએ રોકી લીધી છે તો એનો પણ ઉપાય શાસ્ત્રોમાં દેખાડવામાં આવ્યો છે.

કેમ ચકાસણી કરવી?

ઘણી વાર ઈર્ષાભાવથી પણ નજર લાગી જતી હોય છે. પરિવારની અગત્યની વ્યક્તિને મળતા પ્રમોશન કે આર્થિક વિકાસને જોઈને કોઈને પણ તેની ઈર્ષા થાય એવું બની શકે, પણ આવું બને ત્યારે સૌથી પહેલાં તો એ વાતને ચકાસી લેવી જોઈએ કે નજર લાગી છે કે કેમ? એ માટેનો પણ ઉપાય દર્શાવવામાં આવ્યો છે.

ઘરના મેઇન ડોર પર તુલસીનો ક્યારો મૂકવો જોઈએ. જો એ ક્યારો ટૂંકા સમયમાં એટલે કે ૭૨ કલાકની અંદર જ મૂરઝાવા માંડે તો માનવું કે નજર લાગી હોઈ શકે છે, પણ જો મેઇન ડોર પાસે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સૂર્યપ્રકાશનો અભાવ હોય તો એવા કિસ્સામાં પ્લાન્ટ આમ પણ મૂરઝાઈ જાય એટલે કાગનું બેસવું ને ડાળનું પડવું ન થાય એ માટે બીજો પ્રયોગ પણ અજમાવી શકાય. ઘરના મેઇન ગેટની પાસે તાજાં ફૂલ મૂકો, જેને પાણીમાં નથી મૂકવાનાં. કાચની પ્લેટમાં રહેલાં એ ફૂલ જો ચાર જ કલાકમાં મુરઝાઈ જાય તો માનવું કે ઘરની આર્થિક પ્રગતિને નજર લાગી છે. હા, એવું પણ બની શકે કે આ બન્ને પ્રકારે જવાબ ન મળે અને એ પછી પણ મનમાં શંકા અકબંધ રહે તો અહીં જે ઉપાયો સૂચવ્યા છે એ ઉપાયનો ઉપયોગ કરવો, જેથી મનમાં ભ્રમ ન રહે.

નજર દૂર કેમ કરવી?

જો ઘરની મહત્ત્વની અને આર્થિક જવાબદારી સંભાળતી વ્યક્તિને નજર લાગી હોય તો તે વ્યક્તિ જ્યાં પણ સૂતી હોય એ રૂમમાં કે બેડની ચારે દિશામાં સળગેલાં લવિંગ મૂકી એ રૂમને થોડો સમય માટે બંધ કરી દેવી. પંદરેક મિનિટ સુધી રૂમને બંધ રાખીને એ ધુમાડાને અંદર રાખો અને ત્યાર બાદ રૂમ ખોલી નાખો. લવિંગમાં તમામ પ્રકારની નકારાત્મકતા ખેંચવાની ક્ષમતા છે. જૂના જમાનામાં જો આવું બન્યું હોય તો રૂમમાં મરચાંની ધૂણી કરવામાં આવતી, પણ એ ધૂણીને કારણે હવામાં પ્રસરેલા મરચાંના કણને કારણે આંખને નુકસાન થાય છે એટલે આ ઉપાય વાપરવો જોઈએ.

કપૂરથી સ્નાન કરો

સકારાત્મકતા લાવવાનું કામ કપૂર સૌથી બેસ્ટ રીતે કરે છે તો સાથોસાથ કપૂરનો ઉપયોગ નજર ઉતારવાની બાબતમાં પણ અલગ-અલગ રીતે થતો આવ્યો છે. જો પરિવારના મહત્ત્વના સભ્યને નજર લાગી હોય, જેની સાથે પરિવારની આર્થિક સુખાકારી જોડાયેલી હોય તો તેણે કપૂરના પાણીથી સ્નાન કરવું જોઈએ. હવે તો માર્કેટમાં કપૂરના તૈયાર સાબુ પણ મળે છે, પણ શક્ય હોય તો એ સાબુનો ઉપયોગ કરવાને બદલે રિયલ કપૂર વાપરવું હિતાવહ છે.

કપૂરનો ઝીણો ભૂકો કરીને એ ભૂકાને થોડા પાણીમાં રાતે જ પલાળી દેવો અને બીજા દિવસે એ પાણીને બીજા નૉર્મલ પાણી સાથે મિક્સ કરીને સ્નાન કરી લેવું. ધારો કે શાવર લેતા હો તો શાવર લેતાં પહેલાં માથાની બરાબર મધ્યમાં કપૂરવાળા પાણીની ધીમી ધાર કરવાની અને પાણી સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યાર પછી શાવર લેવાનું. કપૂર જલનયુક્ત છે. એ પાણી જો આંખમાં જાય તો આંખો બળી શકે એટલે આંખો ચીવટપૂર્વક બંધ રાખવી. હા, કપૂરવાળા પાણીથી ઓછામાં ઓછા સાત દિવસ સુધી સ્નાન કરવું.

સાથે શું રાખવું?

આ પ્રકારે નજર લાગી હોય તે વ્યક્તિને પૉકેટમાં રાખવા માટે રોજ લવિંગ કે એલચી આપવામાં આવે તો એ હિતાવહ છે. ધારો કે કોઈ ન આપે તો લવિંગ કે એલચી વ્યક્તિ પોતે પણ જાતે સાથે રાખી શકે છે. જો શર્ટમાં ખિસ્સું હોય તો રોજ શર્ટમાં ત્રણ લવિંગ કે એલચી રાખવાં અને શર્ટમાં ખિસ્સું ન હોય તો પૅન્ટમાં પાંચ લવિંગ કે એલચી રાખવાં. આ સંખ્યા એમ જ નથી વધી. એની પાછળ પણ કારણ છે, પણ અત્યારે એની ચર્ચા જરૂરી નથી.

રોજ સાથે રાખેલાં લવિંગ કે એલચીને રાતે ઘરે આવતાં પહેલાં જો કોઈ ઝાડની નીચે મૂકી શકાય તો બેસ્ટ અને ધારો કે એવું ન થાય તો બહાર કોઈ પણ જગ્યાએ લવિંગ/એલચીને ફ્લશ કરી દેવાં, પણ એને ઘરે સાથે લાવવાનું ટાળવું.

 

astrology columnists gujarati mid-day