આલિયા ભટ્ટનો ડ્રેસ વખણાયો આ અનોખાં આ​ર્ટિસ્ટની કળાને કારણે

24 May, 2026 10:53 AM IST  |  Mumbai | Varsha Chitaliya

ફૅશનજગતમાં આ તેમની ફર્સ્ટ એન્ટ્રી છે. પોતાની કળાથી દરેક પ્રોજેક્ટને જીવંત વાર્તામાં ઢાળી દેવાની ખૂબી ધરાવતાં બાંસુરીએ ભીંતચિત્રોથી ગ્લૅમરવર્લ્ડ સુધીની સફર કઈ રીતે તય કરી એ જોઈ લો

આલિયાનું ગાઉન પેઇન્ટ કરતાં બાંસુરી ચોકસી.

ફ્રાન્સના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટના આઉટ​ફિટ પર હૅન્ડ-પેઇન્ટિંગ કરનારાં અમદાવાદનાં ગુજરાતી આર્ટિસ્ટ બાંસુરી ચોકસી ઘરની દીવાલોને જીવંત બનાવવામાં માહેર છે. ૧૧૦ કલાક મહેનત કરીને તેમણે ઑર્ગન્ઝા ફૅબ્રિક પર ફૂલ, વેલ અને નૅચરલ લૅન્ડસ્કેપની અદ્ભુત ડિઝાઇન કંડારી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ફૅશનજગતના દિગ્ગજોનું ધ્યાન ખેંચનારાં આ આર્ટિસ્ટ કસ્ટમાઇઝ્ડ હૅન્ડ-પેઇન્ટેડ વૉલ-કવરિંગ્સ અને મ્યુરલ આર્ટ માટે જાણીતાં છે. બાળપણમાં ઋતુ અને ઉત્સવ અનુસાર ઠાકોરજીના વાઘા, પિછવાઈ અને શ્રૃંગાર જોઈને તેમનામાં રંગોની સમજણ વિકસી જે આગળ જતાં તેમને ઇન્ટીરિયર ડિઝાઇનરમાંથી વિઝ્યુઅલ આર્ટ તરફ લઈ ગઈ. દીવાલો અને છત પર નાથદ્વારા લૅન્ડસ્કેપ, ગીરનાં જંગલો, યુરોપિયન સ્ટાઇલનાં ચિત્રો દોરીને તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ફૅશનજગતમાં આ તેમની ફર્સ્ટ એન્ટ્રી છે. પોતાની કળાથી દરેક પ્રોજેક્ટને જીવંત વાર્તામાં ઢાળી દેવાની ખૂબી ધરાવતાં બાંસુરીએ ભીંતચિત્રોથી ગ્લૅમરવર્લ્ડ સુધીની સફર કઈ રીતે તય કરી એ જોઈ લો

ફ્રાન્સમાં યોજાતા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલની ૭૯મી આવૃત્તિમાં હાજરી આપી રહેલા હૉલીવુડ અને બૉલીવુડના કલાકારોનાં આઉટફિટ્સની જોરદાર ચર્ચા થઈ રહી છે. વિશ્વભરના સિનેપ્રેમીઓ અને ફૅશન-ઇન્ડસ્ટ્રી માટે આ ઇવેન્ટ માત્ર ફિલ્મોનો મહોત્સવ નથી પરંતુ ગ્લૅમર, સ્ટાઇલ અને ક્રીએટિવિટીનો સૌથી મોટો મંચ ગણાય છે. કલાકારોના અનોખા અંદાજ પર સૌની નજર ચોંટેલી હોય છે. આ વર્ષે આલિયા ભટ્ટના ગ્રીન મિન્ટ ગાઉને ફૅશનજગતના દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે. રેડ કાર્પેટ પર આલિયાની એન્ટ્રી થતાં જ કૅમેરા પણ બોલી ઊઠ્યા, ‘વાઉ! આ ફૅશન નથી, કલા છે.’ આલિયાની તસવીરો ફૅન્સને ખૂબ પસંદ પડી રહી છે. ફૅશન-બ્લૉગર્સે હૅન્ડ-પેઇન્ટિંગ અને સૉફ્ટ કલર પૅલેટની પ્રશંસા કરી છે. આલિયાના આ અનોખા અંદાજના કેન્દ્રમાં છે અમદાવાદનાં વિઝ્યુઅલ આર્ટિસ્ટ બાંસુરી ચોકસી. તેમણે ૧૧૦ કલાકની અથાગ મહેનત, ડેડિકેશન, ધીરજ, રંગોની પસંદગીમાં ચીવટતા અને કામમાં ચોકસાઈ રાખીને ગાઉન પર સુંદર કારીગરી કરી છે. ફૅબ્રિકને જીવંત કૅન્વસમાં ફેરવી દેનારાં બાંસુરી મૂળ તો કસ્ટમાઇઝ્ડ હૅન્ડ-પેઇન્ટેડ વૉલ-કવરિંગ્સ, વૉલ-મ્યુરલ્સ અને ફાઇન આર્ટ માટે જાણીતાં છે. પોતાની કળાથી દરેક પ્રોજેક્ટને જીવંત વાર્તામાં ઢાળી દેવાની ખૂબી ધરાવતાં બાંસુરીએ ગ્લૅમરવર્લ્ડ સુધીની સફર કઈ રીતે તય કરી એ જોઈ લો.


વૉલ પર પેઇન્ટિંગ કરતાં બાંસુરી ચોકસી.

ગ્લૅમર અને આર્ટનું કૉમ્બિનેશન

મને ફૅબ્રિક પેઇન્ટિંગનો અનુભવ છે એમ જણાવતાં બાંસુરી કહે છે, ‘મારાં પોતાનાં લગ્નના લેહંગાને મેં જાતે જ પેઇન્ટ કર્યો હતો. સેલિબ્રિટીના આઉટફિટને હૅન્ડ-પેઇન્ટેડ આર્ટમાં ટ્રાન્સફૉર્મ કરવું અને રેડ કાર્પેટ સુધી પહોંચાડવું પડકારજનક હતું. લૂઝ ફૅબ્રિકને હૅન્ડલ કરવું ટ્રિકી છે. વૉલ-પેઇન્ટિંગ, કૅન્વસ-પેઇન્ટિંગ અને ફૅબ્રિક-પેઇન્ટિંગ અલગ-અલગ આર્ટ-ફૉર્મ છે. દીવાલ સ્ટેડી સર્ફેસ છે, જ્યારે ફૅબ્રિક લૂઝ હોય. ‌મને સેમી-સ્ટિચ ગાઉન આપ્યું હતું એટલે વધુ ચીવટ અને ચોકસાઈથી કામ કરવું પડ્યું. આલિયાના લુકને સ્ટાઇલ કરનાર રિયા કપૂરે મારો સંપર્ક કર્યો ત્યારે ખરેખર રોમાંચિત થઈ ગઈ. ફ્રાન્સમાં જે જગ્યાએ આ પહેરવાનું હતું એ ગોવા-ગોકર્ણ જેવી કોસ્ટલાઇન છે. ફ્રેન્ચ રિવિએરા લૅન્ડસ્કેપમાં કેવા કલર્સ જોવા મળે છે, ત્યાંના કલ્ચર અને વાઇબ્સ પર રિસર્ચ કર્યું. રિવિએરાના નયનરમ્ય લૅન્ડસ્કેપને મગજમાં વિઝ્યુઅલાઇઝ કર્યા પછી ગાઉન પર સમર હૅપી વાઇબ્સ ક્રીએટ કરવાનું નક્કી થયું. સ્પેસિફિક ટેક્નિક વાપરીને ઍક્રિલિક કલર્સથી ડાયરેક્ટ પેઇન્ટ કર્યું છે. રેશમી ઑર્ગન્ઝા ફૅબ્રિક પર પ્રકૃતિથી પ્રેરિત સૉફ્ટ પેસ્ટલ ટોન સાથે હાથથી કરાયેલા દરેક બ્રશ-સ્ટ્રોકે ગાઉનને પ્રિન્સેસ લુક આપ્યો. ગાઉન પર ફૂલ, વનસ્પતિ, નૅચરલ લૅન્ડસ્કેપ અને ફ્રેન્ચ રિવિએરાની સુંદરતા દર્શાવી છે. રંગ પૂરવામાં ૧૧૦ કલાકનો સમય લાગ્યો હતો. મારી કલ્પનાના રંગોને ફૅબ્રિક પર ઉતારવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો એની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ એનો રાજીપો છે. આજના સમયમાં જ્યાં મશીન-પ્રિન્ટ અને ડિજિટલ ટેક્સ્ચરનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યાં આ પ્રકારની ઓરિજિનલ હૅન્ડ-પેઇન્ટેડ કલા વૈશ્વિક ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવે છે.’

ફીલ્ડમાં કઈ રીતે આવ્યાં?


સ્ટારબક્સ આઉટલેટમાં કૉફી બૉટનિકલ થીમ.

અમદાવાદમાં જન્મેલાં અને ઊછરેલાં બાંસુરીની કારકિર્દી તેમની કળા જેવા જ સુંદર રંગોથી કંડારાયેલી છે. આપણામાં કહેવત છે કે મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે. બાંસુરીના પપ્પાનું જ્વેલરી જડતરનું કામકાજ એટલે ડિઝાઇનની સૂઝબૂઝ છે. મમ્મી ઠાકોરજીની સેવા કરે. લાલાનો શ્રૃંગાર કરવો એ પણ એક આર્ટ છે. બાંસુરી કહે છે, ‘શાળાજીવનથી ચિત્રકળા પ્રત્યે લગાવ હતો. કલ્પનાઓ ઘરમાં જ સાકાર પામી. મમ્મીને ઉત્સવ અને ઋતુ અનુસાર ઠાકોરજીની સેવા કરતાં જોતી. ગ્રીષ્મ ઋતુ અને શીતકાલમાં લાલાના વાઘા અને પિછવાઈના રંગો જુદા કેમ હોય છે એ જાણવાની ઉત્સકુતા રહેતી. વસંતોત્સવ, શરદોત્સવ, રાસલીલામાં પિછવાઈ ચિત્રકલા મને આકર્ષતી. આસપાસનાં દૃશ્યો જોઈને વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે મારું ઘડતર થતું ગયું. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ડિગ્રી લીધી. ક્લાયન્ટ્સના ઘરને ડિઝાઇન કરતાં-કરતાં અનુભવ્યું કે ડિઝાઇનિંગ કરતાં આર્ટવર્કમાં વધુ રસ છે. ૩ વર્ષની પ્રૅક્ટિસ બાદ વ્યાવસાયિક ધોરણે મ્યુરલ આર્ટ તરફ વળી. હું સ્વશિ​િક્ષત કલાકાર છું. મારા કામને ઓળખ મળતી ગઈ એમ પ્રગતિનાં દ્વાર ખૂલતાં ગયાં. કલાત્મક પ્રતિકૃતિ બનાવવાની પ્રક્રિયાનો ભરપૂર આનંદ માણું છું. વાસ્તવમાં કામ નથી કરતી, એમાં ડૂબી જાઉં છું. મારા કામથી ક્લાયન્ટ ટ્રાન્સફૉર્મેશન ફીલ કરે અને જોનારની નજર થોડીક ક્ષણો માટે ત્યાં જ અટકી જાય તો આર્ટવર્ક સાર્થક થયું કહેવાય.’

બાંસુરી કહે છે, ‘વૉલ-પેઇન્ટિંગ, કૅન્વસ-પેઇન્ટિંગ અને ફૅબ્રિક-પેઇન્ટિંગ અલગ-અલગ આર્ટ-ફૉર્મ છે. દીવાલ સ્ટેડી સર્ફેસ છે, જ્યારે ફૅબ્રિક લૂઝ હોય. ‌મને સેમી-સ્ટિચ ગાઉન આપ્યું હતું એટલે વધુ ચીવટ અને ચોકસાઈથી કામ કરવું પડ્યું. દરેક બ્રશ-સ્ટ્રોક્સમાં સમર હૅપી વાઇબ્સ દર્શાવતા રંગો પૂર્યા છે.’


પાનખર ઋતુ દર્શાવતી દીવાલ.

દરેક પ્રોજેક્ટ હટકે

બાંસુરી જે પણ પ્રોજેક્ટ હાથ પર લે એમાં પોતાનો જીવ રેડી દે છે. દરેક પ્રોજેક્ટ માટે ઊંડું રિસર્ચ કરે. તેમણે ઘર અને વ્યાવસાયિક જગ્યાઓ પર વિવિધ સેટિંગ્સ અનુસાર દીવાલો અને છત પર યુનિક થીમ ક્રીએટ કરી છે. સોનમ કપૂરનાં કિડ્સના રૂમની દીવાલો પેઇન્ટ કર્યા પછી સેલિબ્રિટી ક્લાયન્ટ્સનો સંપર્ક થયો. દ‌િક્ષણની અભિનેત્રી નયનતારાના ઘરના મંદિરમાં વૃંદાવનની થીમ દર્શાવી છે. અંબાણી હાઉસની પ્રાઇવેટ વૉલ પણ પેઇન્ટ કરી ચૂક્યાં છે. એક ક્લાયન્ટના ઘરમાં તેમણે ગીરનું જંગલ ઊભું કર્યું છે તો અન્ય ક્લાયન્ટના ઘરની દીવાલોને સીક્રેટ ગાર્ડન થીમમાં પેઇન્ટ કરી છે. યુરોપિયન સ્ટાઇલનાં પેઇન્ટિંગ્સ પણ કર્યાં છે. પાનખર ઋતુમાં વૃક્ષો અને પાનના બદલાતા રંગોને દીવાલો પર ઢાળ્યા છે. એક પ્રોજેક્ટ બીજા જેવો ન હોય એ જ તેમની વિશેષતા છે. તેમનું માનવું છે કે દરેક કલાકૃતિમાં વાર્તા છુપાયેલી હોવી જોઈએ. બાંસુરીએ સ્ટારબક્સ જેવી બ્રૅન્ડ માટે પણ કામ કર્યું છે. તેમની આ સફરમાં પેરન્ટ્સ, હસબન્ડ શિવ શર્મા અને સાસરિયાંનો ખૂબ સહકાર મળ્યો. પતિ સાથે મળીને તેમણે આર્ટ-સ્ટુડિયો શરૂ કર્યો. સાથે મળીને તેઓ મલ્ટિપલ પ્રોજેક્ટ પૂરા કરી રહ્યાં છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી ભારતભરમાં તેમના કામને રેકગ્નિશન મળ્યું. આજે તેમની મહેનત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. અમદાવાદથી શરૂ થયેલી બાંસુરીની સફર ફ્રેન્ચ રિવિએરાના ફૅશનમંચ સુધી પહોંચી એનાથી સાબિત થાય છે કે જો તમારા હુન્નરમાં દમ હોય તો કળાને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરી શકાય. બાંસુરીને પ્રકૃતિના સાંનિધ્યમાં રહેવું ગમે છે. આસપાસની વસ્તુઓનું અવલોકન કરે. તે કહે છે, ‘અત્યારે હું ચોક્કસ સાતમા આસમાને છું, પરંતુ કોઈ પ્રોજેક્ટનો પીછો નથી કરતી. ફક્ત મારી કળાને નિખારવાનો અને વધુ ને વધુ સારું કામ કરવાનો ઇરાદો રાખું છું.’


દીવાલો પર નાથદ્વારા નગરી ઊભી કરી.

આઉટફિટ કોણે બનાવ્યું?


પતિ શિવ શર્મા સાથે સ્ટુડિયોમાં.

આલિયાનું સ્ટાઇલિંગ રિયા કપૂરે કર્યું હતું. બાંસુરીના આર્ટવર્કને આઉટફિટમાં બદલવાનું કામ સેલિબ્રિટી કૉર્સેટ-ડિઝાઇનર યશ પાટીલે કર્યું. બૉડીફિટેડ ટૉપ અને ફ્લોર-લેન્થ સ્કર્ટને પ્રિન્સેસના ગાઉન જેવો લુક આપવામાં આવ્યો છે. ફૅશન-ક્રિટિક્સ અનુસાર આ ગાઉનની ખાસિયત એ હતી કે એમાં ગ્લૅમર અને આર્ટ વચ્ચે સંતુલન જળવાઈ રહ્યું જેને કારણે ગાઉન ઓવરડ્રામેટિક નહીં પણ એલિગન્ટ દેખાતું હતું. વૈશ્વિક ફૅશન મંચ પર આ પ્રકારની અસર સર્જવી સિદ્ધિ ગણાય છે.

fashion fashion news alia bhatt cannes film festival columnists gujarati mid day ahmedabad Varsha Chitaliya lifestyle news life and style