02 December, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટર્ટલ નેક સ્વેટર, ઑફ-શોલ્ડર લુક
શિયાળો શરૂ થવાનો મતલબ એ નથી કે તમારી સાડીઓ કબાટમાં બંધ થઈ જાય. સાડીને સ્વેટર સાથે પહેરવી પણ એક સ્માર્ટ આઇડિયા છે. આમાં તમને ઠંડી પણ નહીં લાગે અને સ્ટાઇલ પણ જળવાઈ રહેશે. એટલે આપણે સ્વેટર સાથે સાડીને કઈ રીતે પહેરી શકાય એ જાણી લઈએ. એ માટે આપણે અમુક અભિનેત્રીઓ પાસેથી ઇન્સ્પિરેશન લઈશું.
બેલ્ટેડ સાડી-સ્વેટર લુક
ઘણી વાર પૂરો ખેલ ફક્ત ઍક્સેસરીઝનો હોય છે. એક ફિટેડ સ્વેટરને સાડી સાથે પહેરો અને કમર પર એક સ્ટાઇલિશ બેલ્ટ બાંધી દો. આનાથી તમારો લુક સ્ટ્રક્ચર્ડ, શાર્પ અને પાવરફુલ લાગશે. થોડો ડ્રામેટિક ટચ આપવા માટે તમે સનગ્લાસિસ, ગોલ્ડ હૂપ્સ, ચંકી રિંગ્સ, લેયર્ડ ચેઇન વગેરે પહેરીને મૉડર્ન અને બોલ્ડ લુક મેળવી શકો છો.
ટર્ટલ નેક સ્વેટર
તમે અહીં જોઈ શકો છો કે કઈ રીતે રકુલ પ્રીત સિંહે રેગ્યુલર બ્લાઉઝની જગ્યાએ ફિટેડ ટર્ટલ નેક સ્વેટર પહેર્યું છે. આ સ્વેટર તેના લુકને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. આ સ્વેટર સાથે તમે એકદમ નીટ ઍન્ડ ક્લીન રીતે સાડી ડ્રેપ કરો. હેરસ્ટાઇલમાં અંબોડો વધારે સૂટ થશે. સાથે કાનમાં મોટી ઇઅર-રિંગ્સ પહેરો.
સ્વેટર સાથે શાલ
તમે લેયરિંગ ઍડ કરીને પણ સિમ્પલ અને એલિગન્ટ લુક મેળવી શકો છે. એ માટે તમારે લાઇટવેઇટ ફિટેડ સ્વેટર પહેરવાનું છે, એના પર સાડી ડ્રેપ કરવાની છે અને સ્વેટર સાથે મૅચ થાય એવી શાલ એક ખભા પર પહેરી લેવાની છે. આ લુક પર તમે મિનિમલ જ્વેલરી પહેરો તો પણ ચાલે.
ઑફ-શોલ્ડર લુક
સોનમ કપૂર પાસેથી પ્રેરણા લઈને તમે સાડી સાથે ઑફ-શોલ્ડર ક્રોશે અથવા નિટેડ એટલે કે ગૂંથેલું સ્વેટર પહેરી શકો છો. સાડીનું સ્મૂધ અને ફ્લોઇ ફૅબ્રિક તેમ જ ગૂંથેલા સ્વેટરનું ટેક્સ્ચર લુકને વધુ સ્ટાઇલિશ બનાવે છે. આના પર તમે સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ, મોટી રિંગ પહેરી શકો છો.
રિબ્ડ સ્વેટર બ્લાઉઝ
રિબ્ડ, ફિટેડ સ્વેટરને બ્લાઉઝની જેમ પહેરવાથી કૂલ અને મૉડર્ન લુક મળે છે. આની રિબ્સ એટલે કે લાઇનો એક નૅચરલ ટેક્સ્ચર આપે છે જે દેખાવમાં સ્ટાઇલિશ લાગે છે અને સાડીના સ્મૂધ ફૅબ્રિક સાથે એક સારો કૉન્ટ્રાસ્ટ બનાવે છે. ઍક્સેસરીઝમાં ચોકર, ઇઅર-રિંગ્સ, બ્રેસલેટ, સ્ટેટમેન્ટ રિંગ્સ પહેરીને તમારા લુકને કમ્પ્લીટ કરી શકો છો.