12 November, 2025 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વાળને મજબૂત, સુંવાળા અને ચમકદાર બનાવવા માટે હાયલુરોનિક ઍસિડ શૅમ્પૂનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. અત્યાર સુધી હાયલુરોનિક ઍસિડનો ઉપયોગ ત્વચાની સારસંભાળમાં થતો હતો, પણ હવે વાળ માટે પણ એ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ શૅમ્પૂ રૂક્ષ અને બટકણા વાળને મુલાયમ અને પોષિત બનાવવામાં મદદ કરે છે.
હાયલુરોનિક ઍસિડ આપણા શરીરમાં કુદરતી રીતે જોવા મળતું એક સબ્સ્ટન્સ છે, જે મૉઇશ્ચરને રિટેન કરવાની સારીએવી ક્ષમતા ધરાવે છે એટલે સ્કિનકૅરમાં એનો ઉપયોગ ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે થાય છે. હાયલુરોનિક ઍસિડ વૉટર મૉલિક્યુલને વાળમાં મૉઇશ્ચર જાળવી રાખે છે એટલે જેમના વાળ વધુ પડતા રૂક્ષ અને ક્ષતિગ્રસ્ત હોય તેમના માટે એ લાભકારી છે. હાયલુરોનિક ઍસિડ શૅમ્પૂ વાળનું તૂટવાનું ઓછું કરીને વાળની સ્વસ્થ ચમક પાછી અપાવે છે.
હાયલુરોનિક ઍસિડની વાળમાં કામ કરવાની રીત ખૂબ સરળ અને અસરકારક છે. શૅમ્પૂમાં હાજર હાયલુરોનિક ઍસિડ વાળની સૌથી ઉપરની પરત એટલે કે ક્યુટિકલમાં પ્રવેશ કરે છે અને એને પાણીથી ભરી દેતું હોય છે. એનું પરિણામ એ આવે છે કે રૂક્ષ વાળ મુલાયમ બની જાય છે. એ સિવાય હાયલુરોનિક ઍસિડ વાળમાં ગૂંચ ઓછી કરીને એને તૂટતા બચાવે છે. એ વાળને પોષણ અને મૉઇશ્ચર પ્રદાન કરીને એને સુંદર, મૅનેજ કરવાયોગ્ય અને સ્વસ્થ બનાવે છે.
ઘણા લોકોને ડ્રાય સ્કાલ્પની અને એને કારણે માથામાં ખંજવાળ આવવાની સમસ્યા હોય છે. એમાં પણ ઠંડીની સીઝનમાં તો આ સમસ્યા વધી જતી હોય છે. એવામાં હાયલુરોનિક ઍસિડ શૅમ્પૂ લગાવવાથી મૉઇશ્ચરાઇઝેશનથી સ્કાલ્પમાં આવતી ખંજવાળથી રાહત મળી શકે છે.