05 September, 2025 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઇડથી સ્ટ્રેચ થઈ શકે એવું બ્લાઉઝ, સ્લીવલેસ બ્લાઉઝ, શિમર બ્લાઉઝ
ભારતીય વસ્ત્રોમાં અવિભાજ્ય અંગ ગણાતી સાડી પહેરવાની શૈલી અને સ્ટાઇલિંગ સમય અને પ્રસંગ અનુસાર બદલાતાં રહે છે પણ એની સુંદરતાનો મોટો આધાર બ્લાઉઝ પર હોય છે. જો બ્લાઉઝ સારું દેખાશે તો સાડીના લુકમાં પણ ચાર ચાંદ લાગી જશે. આજના સમયમાં સ્ટ્રેચેબલ બ્લાઉઝ એક નવો ટ્રેન્ડ બની ગયો છે. આ પ્રકારનાં બ્લાઉઝ માત્ર આરામદાયક જ નહીં પણ વર્સેટૅલિટીનો ભંડાર હોવાથી અલગ-અલગ સાડી સાથે સહેલાઈથી મૅચ થઈ જાય છે.
શા માટે ખાસ છે?
બદલાતા સમયની સાથે સ્ટ્રેચેબલ બ્લાઉઝ શરીરને કમ્ફર્ટ આપે છે. કૉટન અને લાયક્રા જેવા મટીરિયલથી બનતાં આ બ્લાઉઝ શરીરના આકાર પ્રમાણે ખેંચાઈ જાય છે. ફ્રી સાઇઝનાં હોવાથી સાડી સાથે આવતા બ્લાઉઝને સિવડાવવાનો ખર્ચ બચી જાય છે. સ્ટ્રેચેબલ બ્લાઉઝ એક કરતાં વધુ સાડી સાથે સહેલાઈથી મૅચ થઈ જાય છે અને એ ટ્રેન્ડી લુક સાથે સમય અને ખર્ચ બન્નેની બચત થશે.
કેવી પૅટર્ન ટ્રેન્ડમાં?
સૌથી કૉમન અને એવરગ્રીન પૅટર્ન છે પ્લેન રાઉન્ડ નેક બ્લાઉઝ. એ કૉટન, સિલ્ક શિફૉન કે જ્યૉર્જેટ સાડી સાથે મૅચ થાય છે. આ ઉપરાંત ઑફિસવેઅર કે ફૉર્મલ પ્રસંગ માટે હાઇનેક અથવા કૉલર બ્લાઉઝ સારાં લાગે. એને સૉલિડ સાડી કે લાઇનિંગ પ્રિન્ટ સાડી સાથે પેર કરી શકાય. કૅઝ્યુઅલ પ્રસંગ માટે અને સ્ટાઇલિશ દેખાવ માટે સ્લીવલેસ અથવા કેપ સ્લીવ બ્લાઉઝ પર્ફેક્ટ ચૉઇસ છે. પેસ્ટલ કલર્સની સાડી પર કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશન કરીને આ બ્લાઉઝ પહેરશો તો તમારો લુક એન્હૅન્સ થશે. બોટ નેક બ્લાઉઝ પણ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. ટ્રેડિશનલ સાડી સાથે પણ એ સારું લાગશે અને મૉડર્ન પ્રિન્ટેડ સાડી સાથે પણ સૂટ થશે. પાર્ટીવેઅર માટે બેસ્ટ ચૉઇસ નેટ અથવા શિમરનાં સ્ટ્રેચેબલ બ્લાઉઝ છે. પ્લેન કે સિમ્પલ સાડી સાથે આ પ્રકારનાં બ્લાઉઝ રૉયલ લુક આપે છે. બ્લૅક કલર્સનાં બ્લાઉઝ બધા જ વાઇબ્રન્ટ કે પેસ્ટલ કલર્સ સાથે મેળ ખાય છે ત્યારે બનારસી કે પાર્ટીવેઅર સાડી માટે ગોલ્ડન બ્લાઉઝ બેસ્ટ ચૉઇસ છે. શિમરી કે ગ્લિટરવાળી સાડી પર સિલ્વર કલરનું બ્લાઉઝ વધારે સૂટ થશે. કૉટન, લિનન કે હૅન્ડલૂમ સાડી સાથે સફેદ અથવા આઇવરી કલરનું બ્લાઉઝ બંધબેસતો પર્યાય છે. કાંજીવરમ, પટોળા કે બનારસી જેવી ટ્રેડિશનલ સાડી સાથે લાલ કલરનું બ્લાઉઝ સૂટેબલ છે ત્યારે નેવી બ્લુ લાઇટ શેડ્સની સાડી પર ક્લાસી લુક આપે છે. ફેસ્ટિવ વેઅર કે કલરફુલ સાડી સાથે એલિગન્ટ કૉમ્બિનેશન મેળવવું હોય તો બૉટલ ગ્રીન અથવા ઑલિવ ગ્રીન કલરનાં બ્લાઉઝ બહુ જ મસ્ત લાગશે.
યુઝફુલ ટિપ્સ
પ્લેન સાડી હોય તો શિમરી બ્લાઉઝ પહેરવાનું પસંદ કરો.
હેવી જરીવાળી કે કાંજીવરમ સાડી હોય તો સિમ્પલ બ્લાઉઝ પહેરો.
વૉર્ડરોબમાં કૉમન કલરનાં બ્લાઉઝ રાખો. બ્લૅક, ગોલ્ડન, સિલ્વર અને વાઇટ જેવા ૪ કલર ૭૦–૮૦ ટકા સાડી સાથે મૅચ થઈ જાય છે.
બ્લાઉઝ સાથે જ્યારે બીજી સાડી મિક્સ-મૅચ કરો ત્યારે જ્વેલરી અને ઍક્સેસરીઝ પણ અલગ રીતે સ્ટાઇલ કરવામાં આવે તો દર વખતે લુક નવો લાગી શકે છે.