29 November, 2025 12:59 PM IST | Mumbai | Sanjay Goradia
અહીં વડાપાંઉ સાથે તમને તળેલાં મરચાં આપતા નથી
હમણાં મારે આકાશવાણી જવાનું થયું. આકાશવાણી એટલે તમને ખબર જ છે. આપણે ફ્લોરા ફાઉન્ટન જવું પડે. આકાશવાણી એક્ઝૅક્ટ એમ. એલ. હાઉસની સામે આવ્યું છે. મારે ત્યાં વૈશાલી ત્રિવેદીને મળવાનું હતું. મારી મીટિંગ હતી અને એ માટે પર્સનલ મળવું જરૂરી હતું. પહોંચ્યો અને જેવી મારી મીટિંગ પૂરી થઈ કે તરત મને વૈશાલીબહેને પૂછ્યું કે જમવાનો શું પ્લાન છે? લંચનો સમય તો થઈ જ ગયો હતો અને મારા મોઢામાં હા પણ આવી ગઈ હતી. ત્યાં જ મને સ્ટ્રાઇક થયું કે હું છેક ટાઉન સુધી આવ્યો છું તો શું કામ આકાશવાણીની કૅન્ટીનનું લંચ ખાઉં? મારે અહીં જ કોઈક ફૂડ-ડ્રાઇવ કરવી જોઈએ અને મેં ના પાડી દીધી કે લંચ હું મારી રીતે લેવાનો છું.
ઍક્ચ્યુઅલી રેડિયોની કૅન્ટીનનું ફૂડ પણ સારું જ છે અને એમ. એલ. હાઉસની કૅન્ટીનમાં પણ બહુ સરસ ફૂડ મળે છે, પણ મારે તો સ્ટ્રીટ-ફૂડની મજા લેવી હતી એટલે હું BMC અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની સામે આવેલી આરામ નામની રેસ્ટોરાંમાં જવા રવાના થયો. એક્ઝૅક્ટ તમને લોકેશન કહું તો આપણું જે જૂનું કૅપિટલ સિનેમા હતું એની એક્ઝૅક્ટ નીચે આ આરામ રેસ્ટોરાં છે. ગાડી ભરડા સ્કૂલ પાસે ઊભી રખાવીને હું તો ચાલતો-ચાલતો આરામ પહોંચ્યો. હવે અહીં બે કાઉન્ટર છે. એક આરામ રેસ્ટોરાં અને બાજુમાં જ એ લોકોએ બીજું કાઉન્ટર બનાવ્યું છે જ્યાં વડાપાંઉ, કોથંબીર વડી, સમોસાપાંઉ અને એવીબધી વરાઇટી મળે. મેં નક્કી કર્યું કે ચાલો વડાપાંઉ ટ્રાય કરીએ.
વડાપાંઉનાં વખાણ તો મારા સુધી પહોંચી જ ગયાં હતાં અને મિત્રો, ત્યાં ભીડ પણ ખાસ્સી હતી. ઊભા-ઊભા જ ખાવાનું છે, પણ વીસ ફુટ પહોળી ફુટપાથ છે એટલે ઊભા રહેવામાં પણ સરળતા છે. તમારે કંઈ પણ ખાવું હોય, પહેલાં ટોકન લેવાનું અને પછી લાઇનમાં ઊભા રહેવાનું. હું તો વર્કિંગ ડેમાં ત્યાં ગયો હતો અને એ પછી પણ મારી આગળ દસથી ૧૫ લોકોનું વેઇટિંગ હતું. એક વડાપાંઉનો ઑર્ડર આપીને હું લાઇનમાં ઊભો રહ્યો.
એકદમ ગરમાગરમ વડાં બનાવીને તમને આપે. મને લુખ્ખાં વડાપાંઉ નથી ભાવતાં. તીખી-મીઠી ચટણી છૂટથી નાખી હોય અને એમાં વડું મૂક્યું હોય એવું જ વડાપાંઉ ભાવે. પણ અહીં મીઠી ચટણી હતી જ નહીં. લીલી ચટણી અને એના પર પેલી લસણની સૂકી ચટણી. બસ, આટલું જ. પણ સાહેબ, મારે કહેવું જ પડે કે એ પછી પણ આરામનાં વડાપાંઉ બહુ જૂસી હતાં. વડું ખાસ્સું મોટું અને પાંઉ પણ એકદમ સૉફ્ટ અને એટલો જ મોટો. પચ્ચીસ રૂપિયાનું એક વડાપાંઉ પણ એકદમ વર્થ.
વડાની તમને ખાસિયત કહું તો વડામાં જે બટાટાનું પૂરણ હોય એમાં હળદર નહોતી નાખી. એકદમ નૅચરલ કલર અને એની સાથે બીજો અંદર નાખેલી કોથમીર, મરચાં, હિંગ અને બીજા મસાલાને કારણે આવ્યો હોય એ કલર. વડું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સાવ જ નરમ.
અહીં વડાપાંઉ સાથે તમને તળેલાં મરચાં આપતા નથી. તમારે માગવાનું. મેં પણ માગ્યું અને મને એક મરચું તળીને આપ્યું. મને તો એ રીત પણ બહુ ગમી. બટર પેપરમાં આપેલું વડાપાંઉ મેં પૂરું કર્યું ત્યારે મને સમજાયું કે આટલા બધા લોકોની ભીડ કેમ છે. સાહેબ, એક વડાપાંઉમાં તો મારું આખું પેટ ભરાઈ ગયું. લોકો પણ એટલે જ આવ્યા હતા કે એક વડાપાંઉ ખાઈને બપોરનું ભોજન પૂરું કરી લઈએ. મને બહુ મજા આવી એટલે મેં મારા ડ્રાઇવર માટે વડાપાંઉનું પાર્સલ લીધું. મન તો થતું હતું કે ઘર માટે પણ એક વડાપાંઉ લઈ લઉં; પણ ભાઈ, ફાઉન્ટનથી છેક લોખંડવાલા વડાપાંઉ પહોંચે ત્યાં સુધીમાં એનો ઓરિજિનલ ટેસ્ટ મરી જાય અને એટલે જ કહું છું કે આરામમાં રૂબરૂ જઈને વડાપાંઉ ટ્રાય કરજો, જલસો પડશે.