09 June, 2026 01:32 PM IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆત દરમ્યાનના આ ટ્રાન્ઝિશન પીરિયડમાં જાંબુની જેમ લિચીની પણ સીઝન આવે છે. એકાદ મહિના સુધી બજારમાં મબલક પ્રમાણમાં દેખાતી લાલચટક અને રસદાર લિચી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ આપે છે. ફિટનેસ ફ્રીક હો કે સામાન્ય હેલ્ધી લાઇફસ્ટાઇલ ફૉલો કરતા હો તો આ ટૂંકી સીઝનનું ફળ તમારા રોજના ડાયટમાં મોટો બદલાવ લાવી શકે છે. તેમાં રહેલાં દુર્લભ પોષક તત્ત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ નાનકડા ફળને ડાયટમાં સામેલ કરવાથી થતા સ્વાસ્થ્ય લાભ અને તેને આરોગવાની સાચી રીત વિશે અંધેરીમાં રહેતાં ક્લિનિકલ ડાયટિશ્યન અને હૉલિસ્ટિક હેલ્થ એજ્યુકેટર કોમલ મહેતા પાસેથી જાણીએ.
જે લોકો નિયમિત કસરત કે ભારે વર્કઆઉટ કરે છે તેમના માટે લિચી એક ઉત્તમ ન્યુટ્રિશન પૂરું પાડે છે. તેમાં કુદરતી ગ્લુકોઝ એટલે કે ફ્રુક્ટોઝ હોય છે, જે પેટ પર જરાય ભારે પડ્યા વગર શરીરમાં તરત જ પચી જાય છે અને ઝડપી ઊર્જા આપે છે. લિચીમાં ઑલિગોનૉલ નામનું ખાસ તત્ત્વ હોય છે, જે ચયાપચયની ક્રિયા મજબૂત કરે છે, ભારે કસરત દરમ્યાન સ્નાયુઓમાં થતો સોજો કે દુખાવો ઘટાડે છે અને વર્કઆઉટ પછીના થાકને જલદી દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલું કૉપર શરીરના રક્તકણોને સક્રિય કરે છે, તેનાથી શરીરના દરેક કોષો સુધી ઑક્સિજન ખૂબ સારી રીતે પહોંચે છે. ઉનાળાના અંતમાં અતિશય પરસેવો થવાને કારણે શરીરમાં પાણી અને ક્ષારો ઘટી જાય છે. લિચીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે અને તે પોટૅશિયમનો બહુ સારો સ્રોત છે. આ બંને તત્ત્વો ભેગાં મળીને શરીરમાં ફ્લુઇડ બૅલૅન્સ એટલે કે પ્રવાહીનું સંતુલન જાળવી રાખે છે, જેને કારણે ક્રૅમ્પ્સની સમસ્યા આવતી નથી.
જો તમે વજન ઉતારવા માગતા હો, તો લિચી કોઈ પણ ચિંતા વગર ખાઈ શકાય તેવું ફળ છે, કારણ કે ૧૦૦ ગ્રામ લિચીમાં માત્ર ૬૬ કૅલરી હોય છે. લિચીમાં ૮૦થી ૮૫% ભાગ ફક્ત પાણીનો જ છે. પાણી અને ફાઇબરનું આ કૉમ્બિનેશન પેટને લાંબો સમય ભરેલું રાખે છે, જેથી વારંવાર ખાવાની આદત છૂટે છે. તેમાં રહેલાં તત્ત્વો લોહીમાં રહેલી નકામી ચરબી ઘટાડવામાં અને ફૅટ ઓગળવાની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તેથી જો ગળ્યું ખાવાનું મન થાય ત્યારે કેક પેસ્ટ્રી જેવાં ડેઝર્ટ્સ અને સૉફ્ટ ડ્રિન્ક્સના બદલે તાજી લિચી ખાવી વધુ હિતાવહ છે. આ ઉપરાંત લિચી વિટામિન Cનો અદ્ભુત સ્રોત છે. આને કારણે ઋતુ બદલાતી હોવાથી હવામાનમાં થતા ફેરફારની અસર શરીરની રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરતી નથી અને તે શરીરની ઇમ્યુનિટીને મજબૂત રાખે છે અને બ્લડપ્રેશરને પણ કન્ટ્રોલમાં રાખે છે. તેનું નિયમિત અને માત્રામાં સેવન કરવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. લિચીમાં રહેલાં ડાયટરી ફાઇબર પાચનક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાત જેવી સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. એટલું જ નહીં, સ્કિનને અંદરથી ગ્લો કરવામાં અને સમય પહેલાં આવતી કરચલીઓને રોકવામાં પણ આ ફળ કારગત સાબિત થાય છે.
ઘણા લોકો માને છે કે ડાયાબિટીસમાં લિચી ન ખવાય. એ ગેરમાન્યતા છે. લિચી ખાઈ શકાય, પણ કેટલીક શરતોને આધીન થઈને. એક સમયમાં માત્ર ૪થી ૬ તાજી લિચી જ ખાવી. બજારમાં મળતી લિચી કે લિચીનો જ્યુસ બિલકુલ ન પીવો, કારણ કે તેમાં ફાઇબરને બદલે શુગર વધારે હોય છે. બ્લડ શુગર અચાનક વધી ન જાય તે માટે લિચીની સાથે થોડી બદામ, અખરોટ અથવા થોડું મોળું દહીં ખાવું. આનાથી શુગર લોહીમાં ધીમે-ધીમે ભળે છે. જોકે, આ પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
લિચી ખાવાનો બેસ્ટ સમય સવારના નાસ્તા અને લંચની વચ્ચે એટલે મિડ-મૉર્નિંગ અથવા બપોરના નાસ્તાના સમયે ખાઈ શકાય. લિચીનું સેવન ખાલી પેટે ક્યારેય ન કરવું. જ્યારે શરીરમાં એનર્જીનું લેવલ ઓછું હોય, ત્યારે ખાલી પેટે લિચી ખાવાથી તે બ્લડ શુગરના સ્તર પર આડઅસર કરી શકે છે. બપોરે કે રાત્રે ભારે ભોજન લીધા પછી તરત જ ઉપરથી લિચી ખાવાની આદત ઘણા લોકોની હોય છે, પણ આ યોગ્ય નથી.
હંમેશાં લાલ કે ઘાટા ગુલાબી રંગની જ લિચી ખરીદો. આછી લીલી લિચી ન લેવી, કારણ કે તે અધકચરી તોડેલી હોય છે અને ઘરમાં રાખવાથી પણ વધુ પાકતી નથી.
તેની છાલ ખરબચડી અને સહેજ કડક હોવી જોઈએ જે સહેજ દબાવતાં દબાય. એકદમ પોચી પડી ગયેલી કે ખાટી ગંધ આવતી હોય તેવી લિચી બગડેલી હોઈ શકે છે.
લિચીને તડકાથી દૂર ઠંડી અને અંધારી જગ્યાએ રાખો. તેને લાંબો સમય તાજી રાખવા માટે એક ઍર-ટાઇટ ડબ્બામાં સહેજ ભીનો નૅપ્કિન મૂકો અને તેની ઉપર લિચી રાખી ડબ્બો બંધ કરો. આનાથી તેની છાલ સુકાશે નહીં અને તેની મીઠાશ તથા પોષક તત્ત્વો લાંબો સમય જળવાઈ રહેશે.
ચીનમાં લિચીનો ઇતિહાસ આશરે ૨,૦૦૦ વર્ષ કરતાં પણ જૂનો છે. તાંગ રાજવંશના સમ્રાટ તેમની મનપસંદ રાણી માટે ખાસ ઝડપી ઘોડેસવારો મોકલીને દૂરનાં રાજ્યોમાંથી તાજી લિચી મગાવતા હતા. ચીનમાં લિચીને રોમાન્સ, પ્રેમ અને ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
લિચી દેખાવમાં ભલે બહારથી રફ અને અંદરથી સૉફ્ટ હોય, પણ તે સ્વાદ અને સુગંધની દૃષ્ટિએ સ્ટ્રૉબેરી, દ્રાક્ષ અને ગુલાબનું મિશ્રણ માનવામાં આવે છે. વિદેશોમાં ઘણી જગ્યાએ તેને લિચી ગ્રેપ પણ કહેવામાં આવે છે.
લિચી નૉન-ક્લાઇમેક્ટેરિક ફળ છે એટલે કે જો લિચીને ઝાડ પરથી કાચી કે લીલી તોડી લેવામાં આવે, તો તે ઘરમાં રાખવાથી ક્યારેય વધુ પાકતી નથી કે મીઠી થતી નથી. તેથી તેને બરાબર પાકી જાય પછી જ ઝાડ પરથી ઉતારવી પડે છે.
લિચીનાં વૃક્ષો સેંકડો વર્ષો સુધી જીવતાં રહી શકે છે. ચીનના ફુજિયાન પ્રાંતમાં એક એવું લિચીનું વૃક્ષ છે જે આશરે ૧૨૦૦ વર્ષ જૂનું છે અને આજે પણ તેમાં મીઠી લિચી આવે છે.
લિચીની બહારની છાલ મગરની ચામડી જેવી ખરબચડી અને કાંટાળી હોવાને કારણે, જૂના સમયમાં પશ્ચિમી દેશોના અમુક ભાગોમાં તેને રમૂજી રીતે એલિગેટર ઍપલ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.
ભારતમાં બિહાર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ લિચીનાં મોટાં ઉત્પાદક છે. જોકે મહાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ખાસ કરીને સિંધુદુર્ગ અને રત્નાગિરિ તથા નાશિક જેવા વિસ્તારોમાં મર્યાદિત માત્રામાં લિચીની ખેતી સફળતાપૂર્વક થાય છે.
લિચી-ચિયા પુડિંગ
એક કપ લો ફૅટ દૂધમાં બે ચમચી ચિયા સીડ્સ મિક્સ કરીને તેને ૩થી ૪ કલાક અથવા આખી રાત ફ્રિજમાં પલાળી રાખો. જ્યારે ચિયા સીડ્સ ફૂલીને જેલી જેવાં થઈ જાય, ત્યારે એને એક ગ્લાસમાં કાઢો. એની ઉપર તાજી લિચીના ટુકડા અને બદામ-અખરોટને અધકચરાં કાપીને ગાર્નિશ કરો અને ઠંડું-ઠંડું સર્વ કરો. તમે મીઠાશ વધારવા મધનો ઉપયોગ કરી શકો છે. આ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર સ્નેક શરીરમાં બૅડ ફૅટ જમા નહીં કરે.
લિચી-મિન્ટ સૅલડ
એક બાઉલમાં પાંચ-છ તાજી લિચીના ટુકડા, અડધો સમારેલો કાંદો, થોડી કોથમીર અને નાનું એલેપિનો મિક્સ કરો. એની ઉપર થોડો લીંબુનો રસ નિચોવીને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો. આ ખાટો-મીઠો અને ચટાકેદાર સૅલડ વિટામિન-સીનો બેસ્ટ સ્રોત છે, જે લંચ કે ડિનર સાથે ખાવાથી પાચનક્રિયા સારી થાય છે.