12 November, 2025 02:28 PM IST | Mumbai | Dr. Bharat Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મોટા ભાગે લોકો એમ જ સમજે છે કે ઓબેસિટીને લીધે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને હાર્ટ ડિસીઝ થાય છે, પરંતુ કિડનીમાં પણ પ્રૉબ્લેમ થઈ શકે છે. આ બાબતે ખાસ જાગૃતિ જોવા મળતી નથી. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં બન્ને પ્રકારના લોકો છે, એક, કુપોષણના શિકાર અને બીજા ઓબીસ લોકો. એક, જેમને ખાવાનું મળતું નથી અને બીજા, જે ખાઈ શકતા નથી. નૉર્મલ પ્રૅક્ટિસમાં પણ આજે અમે એ જોઈ રહ્યા છીએ કે ઓબીસ લોકોને કિડનીની તકલીફ થઈ રહી છે. જેનો અર્થ એ છે કે આ ચિંતાનો વિષય તો છે જ. કિડની એક મહત્ત્વનું અંગ છે જેની કાળજી આપણે રાખવી જરૂરી છે. એ વાત સાચી છે કે એક ઓબીસ વ્યક્તિને એવું લાગતું નથી કે તેને કિડનીની કોઈ તકલીફ આવી શકે છે. ઓબેસિટીને લીધે હાર્ટ ડિસીઝ થાય છે એ બાબતથી ઘણા લોકો જાણકાર છે, પરંતુ કિડની પર પણ અસર થાય જ છે એ બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે.
આ અસર બે પ્રકારની છે, એક સીધી અને બીજી આડકતરી. સીધી અસરમાં એક વસ્તુ સમજીએ તો આપણા શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થાય તો સમગ્ર શરીર પર એની અસર વર્તાય જ છે. જો વ્યક્તિ ઓબીસ હોય તો તેની કિડની પર વધુ લોડ આવે છે કામનો. તેણે ઘણું વધારે પ્રમાણમાં લોહી ફિલ્ટર કરવું પડે છે. ધીમે-ધીમે એ લોડ વધતો જાય છે અને એક સમય એવો આવે છે કે કિડની કામ કરી શકતી નથી. આમ ઓબેસિટી કિડની પર સીધી રીતે અસર કરે છે. આડકતરી રીતે સમજીએ તો ઓબેસિટીને કારણે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન અને લિપિડના પ્રૉબ્લેમ થાય છે અને આ પ્રૉબ્લેમ્સ કિડની પર અસર કરે છે. એને કારણે કિડની ફેલ થવાનું રિસ્ક વધી જાય છે. આજની તારીખે ડાયાબિટીઝ એ કિડની-પ્રૉબ્લેમ્સ માટેનું સૌથી પહેલું કારણ છે જેને લીધે કિડની ફેલ થઈ શકે છે અને વ્યક્તિનું જીવન જોખમાય છે. ડાયાબિટીઝ પછીનું બીજું મહત્ત્વનું કારણ છે હાઇપરટેન્શન. આમ આ બન્ને કારણોની જડ જે છે એ ઓબેસિટી છે. ઓબીસ વ્યક્તિએ આ બાબત પર ધ્યાન દોરવું જરૂરી છે.
જો વ્યક્તિ ઓવરવેઇટ કે ઓબીસ હોય તેણે તાત્કાલિક ચેતવું જરૂરી છે અને તેણે પોતાનું વજન ઉતારવાની સંપૂર્ણ કોશિશ કરવી જોઈએ. કોઈ પણ ઓબીસ કે ઓવરવેઇટ વ્યક્તિએ વધુ નહીં તો પહેલાં ડૉક્ટરને મળવું અને જરૂરી ટેસ્ટ કરાવવી. જો યુરિન-ટેસ્ટ કે બ્લડ-ટેસ્ટમાં આવે કે તેમની કિડની પર થોડી અસર થઈ છે તો જરૂરી ઇલાજ શરૂ કરવો અને વેઇટ ઘટાડવાનો પ્રયત્ન શરૂ કરી દેવો. એનાથી ઘણો ફાયદો થઈ શકે છે.