19 July, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આ મહિનાનો આરંભે જ ડૉક્ટર્સ ડૅ હતો પરંતુ કેટલાક અદ્ભુત ડૉક્ટરો બારેમાસ મન- હૃદય પર વસતા હોય છે. એ બિરાદરી વિશે વિચારતાં સૌથી પહેલું જો કોઈ નામ યાદ આવે તો એ ડૉ. મનુ કોઠારીનું. જી. એસ. મેડિકલ કૉલેજના ઍનટમી વિભાગના વડા અને પછી પ્રોફેસર એમેરિટસ રહેલા ડૉ. મનુ કોઠારીએ તબીબી વ્યવસાયની મહાનતાને જીવ્યા ત્યાં સુધી બરકરાર રાખી હતી. ૨૦૧૪માં ડૉ. મનુ કોઠારીની અચાનક વિદાય તેમના અગણિત ચાહકોને અનાથ થઈ ગયાની અનુભૂતિ કરાવી ગઈ હતી એ મેં નજરે જોયું છે. દરદીની સાથે તેમનું વર્તન સદાય સહાનુભૂતિભર્યું અને સુજનતાસભર. તેમની પાસે જઈને દરદી પોતાને સલામત અને નિર્ભય મહેસૂસ કરે.
મને યાદ છે તેમની સાથેની મારી આત્મીયતાથી વાકેફ એવા ઘણા સાથીઓને જ્યારે પણ પોતાને માટે કે પોતાના સ્વજનો માટે પણ કે.ઈ.એમ.માં જવાનું થાય તો હું ડૉ. મનુ કોઠારીને ફોન કરી દઉં. અને તેઓ પાછા આવે ત્યારે તેમના મોઢામાં આ શબ્દો હોય : યે દાક્તર તો દેવતા હૈ. કિતના પ્યાર સે હમ સે મિલે ઔર હમારે પેશન્ટ કો ભી કિતની હિમ્મત દી જ્ઞાન, પ્રતિભા અનુભવ, પદ, પ્રતિષ્ઠા - આ બધી જ દૃષ્ટિએ આટલા ઉચ્ચ આસને બિરાજતી હસ્તીનો આવો વિનમ્ર વ્યવહાર અકલ્પ્ય લાગે. તેમના હૈયે હંમેશાં દરદીનું હિત વસતું. આ ક્ષેત્રના તેમના અપ-ટુ-ડેટ નૉલેજનો લાભ તેઓ દરદીઓને છૂટથી આપતા. તેમને આરોગ્યના પાયાના નિયમો સમજાવતા અને ખોટા ખાડામાં ઊતરતા બચાવતા. તબીબી પ્રોફેશનમાં ચાલતી ગેરરીતિઓ અને અનૈતિક અભિગમ તેમને ખૂબ જ દુ:ખ પહોંચાડતાં. પોતાના તબીબી વિદ્યાર્થીઓને તેઓ પોતાના મનુષ્યત્વને ક્યારેય મુરઝાવા નહીં દેવાની શીખ અચૂક આપતા.
તેમના મૃત્યુ પછી ‘ડૉક્ટર ઇસીકા નામ હૈ’ નામનું એક પુસ્તક તૈયાર કરવાની તક મને મળી હતી. દેશભરના નામી અને અનામી ડૉક્ટરો, સંશોધકો અને અન્ય વિદ્વાન વ્યવસાયીઓએ એમાં મનુભાઈ સાથેના અનેક પ્રસંગો આલેખ્યા હતા. એ બધી વાતો જાણી ત્યારે સ્તબ્ધ થઈ જવાયેલું. તેઓ કહેતા કે ડૉક્ટરે પોતાના સ્થાન, સ્ટેટસ કે ઈવન પહેરવેશમાં પણ સાદગી રાખવી જોઈએ જેથી દરદીને એનો કોઈ ભાર કે ડર ન લાગે. દરદી માટેની કેવી પરમ નિસબત!
-તરુ મેઘાણી કજારિયા