14 November, 2025 03:06 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ડાયાબિટીઝ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. ભલે તમને વારસાગત રીતે કે જિનેટિકલી આ રોગ આવ્યો હોય, પણ એને ટ્રિગર કરનારી તો તમારી ખોટી લાઇફસ્ટાઇલ જ છે એટલે એનો ઉપાય પણ લાઇફસ્ટાઇલને ઠીક કરવાથી મળવો જોઈએ. વિજ્ઞાન કહે છે કે આ રોગ રિવર્સ કરી શકાય છે એટલે કે પાછો ધકેલી શકાય છે. જોકે કહેવું અને કરવું એ બન્ને વચ્ચેનું અંતર જેમને ડાયાબિટીઝ છે તેઓ ખૂબ સારી રીતે સમજે છે. આજે મળીએ કેટલીક એવી વ્યક્તિઓને જેમણે પ્રતિબદ્ધ બનીને આ કરી બતાવ્યું છે. આજે વર્લ્ડ ડાયાબિટીઝ ડેના દિવસે સમજીએ કે જો તેઓ કરી શકે તો આપણે કેમ નહીં?
૩ જ મહિનાની અંદર ૧૦ કિલો વજન ઉતારીને ડાયાબિટીઝને કહ્યું બાય-બાય : મીનાક્ષી સંઘવી, ૬૭ વર્ષ, કાંદિવલી
૩ મહિના પહેલાં કાંદિવલીમાં રહેતાં ૬૭ વર્ષનાં મીનાક્ષી સંઘવીએ દીકરીના આગ્રહને વશ થઈને રેગ્યુલર ચેકઅપ કરાવ્યું, જેમાં તેમનું HbA1c ૧૦.૧ આવ્યું અને આજે ૩ મહિનાની મહેનત પછી આ જ આંકડો ૫.૨ થઈ ગયો છે. ૩ જ મહિનાની અંદર આવું રિઝલ્ટ લઈ આવવું જરાય સહેલું નથી, પણ માણસ જ્યારે ધારી લે ત્યારે એ કરીને જ બતાવે છે એવું આ ટેસ્ટના આ ચમત્કારિક આંકડા જોઈને કહી શકાય. ૧૦.૧ એક એવો આંકડો છે જે જોઈને કોઈ પણ ગભરાઈ જાય. આટલી હાઈ શુગર આવ્યા પછી ડૉક્ટરને બતાવવા ગયાં ત્યારે ડૉક્ટરે તેમને કહ્યું હતું કે રૅન્ડમ શુગર જો ૩૦૦ ઉપર આવી તો તમને ઇન્સ્યુલિન આપવું જ પડશે, પણ ત્યાં શુગર આવી ૨૬૦. એટલે ડૉક્ટરે ૧૫ દિવસનો સમય લીધો અને તેમણે દવાઓ ચાલુ કરી દીધી.
આ બાબતે વાત કરતાં મીનાક્ષી સંઘવી કહે છે, ‘મારા ઘરમાં કોઈને ડાયાબિટીઝ નથી, પણ મારો સ્વભાવ વધુ પર્ફેક્શનવાળો એટલે નાની-નાની વાતોનું પણ હું ઘણું સ્ટ્રેસ લઉં. એને કારણે મારી આ હાલત થઈ એ વાત મને જચી નહીં. મને થયું કે આ રોગ તો મને જોઈએ જ નહીં, હું મહેનત કરીશ અને આ રોગને હટાવીને જ રહીશ. મને ડૉક્ટરે પહેલાં શુગર બંધ કરવાનું કહ્યું. મેંદો, તળેલું, બહારનું, રવો, ભાત, બટાટા, સ્વીટ કૉર્ન બધું મેં છોડી દીધું.’
મીનાક્ષીબહેને દરરોજ નૉર્મલ એક કલાક ચાલવાનું શરૂ કર્યું. એની સાથે યોગ, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા તેઓ કરવા લાગ્યાં. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સ્ટ્રેસની શરીર પરથી અસર કાઢવી હતી. જમ્યા પછી હું ૨૦ મિનિટ ચાલતી. આ સિવાય દરરોજ ૧૦ મિનિટ ઘરમાં જ દોડતી. મેં જે સૌથી મોટો ફેરફાર કર્યો એ સ્નૅકિંગ બંધ કરીને કર્યો. આપણે હરતા-ફરતા કંઈ ને કંઈ ખાતા જ રહેતા હોઈએ છીએ. એ મેં સદંતર બંધ કર્યું. સવારે ઊઠીને મેથી અને કલોંજીનું પાણી હું પીતી. પછી વૉક અને યોગ કરતી. નાસ્તો બિલકુલ નહોતી કરતી. ફક્ત આમળાંનો જૂસ, એ પણ એકાદ મહિનાથી ચાલુ કર્યો છે. સીધું બપોરે ૧૨.૩૦ વાગ્યે જમતી. એમાં સૅલડ પહેલાં ખાઈ લેતી. દાળ અને શાક વાટકો ભરીને અને એની સાથે પા ભાગનો રોટલો. જુવાર અને બાજરાના રોટલા મેં ચાલુ કરેલા. બસ, પછી રાત્રે જમવામાં પણ પહેલાં સૅલડ. બાકી સામાની કે મિલેટની ખીચડી ખાઉં. બે સમય જમવાનું. વચ્ચે કઈ નહીં ખાવાનું મને ખાસ્સું અનુકૂળ આવ્યું. મેં ૩ મહિનામાં ૧૦ કિલો વજન ઉતાર્યું. શુગર એકદમ કન્ટ્રોલમાં કરી બતાવી.’
દવાઓ હવે તેમની બંધ થશે, પણ ૩ મહિનાના તપ પછી જ્યારે આજે ઘરમાં બધા કહે છે કે ચાલો, મીઠાઈ ખાઈને સેલિબ્રેટ કરીએ ત્યારે તે ના પાડી દે છે. તેઓ કહે છે, ‘હું આખું વર્ષ શુગરને તો હાથ નહીં જ લગાડું. મને ખબર છે કે લાઇફસ્ટાઇલનો બદલાવ કાયમી હોવો જોઈએ.’
એક સમયે ૩૧૦ જેટલી ફાસ્ટિંગ બ્લડ-શુગર હવે ૧૦૦ થઈ ગઈ છે : ઉપેશ સાવલા, ૫૩ વર્ષ, માટુંગા
૨૦૧૮માં એક રેગ્યુલર ચેકઅપ દરમ્યાન માટુંગામાં રહેતા બિઝનેસમૅન ઉપેશ સાવલાની HbA1c એટલે કે ૩ મહિનાની શુગર ૧૧.૫ જેટલી વધુ હતી. આટલી શુગર હોય એને ઇમર્જન્સી કહેવાય અને તાત્કાલિક એ શુગરને નીચે લાવવી જરૂરી બની જાય. જોકે ફક્ત લાઇફસ્ટાઇલમાં બદલાવને કારણે આજે આ આંકડો ૫.૫ થયો છે. એ સમયે તેમની ફાસ્ટિંગ બ્લડ-શુગર એટલે કે ભૂખ્યા પેટે મપાતી શુગર ૩૧૦ જેટલી ઉપર આવતી હતી. ધીમે-ધીમે એ ૧૭૦ અને ૧૩૦ થઈ અને હવે ૧૦૦ જેટલી નીચે ઊતરી ગઈ છે. આ બધું સામાન્ય રીતે ઇન્સ્યુલિન અને દવાનો ડોઝ આપીને ડૉક્ટર કરતા હોય છે, પરંતુ ઉપેશભાઈએ ફક્ત લાઇફસ્ટાઇલના ચેન્જથી આ રિઝલ્ટ મેળવ્યું છે.
પોતાની વાત કરતાં ઉપેશભાઈ કહે છે, ‘મને જ્યારે આટલી શુગર આવી ત્યારે મેં ઍલોપથી દવા ચાલુ કરી; પણ દર ૩ મહિને તેઓ ડોઝ વધારતા જતા હતા, જેનાથી સ્પષ્ટ હતું કે શુગર કન્ટ્રોલમાં આવી નથી રહી એટલે તેઓ ડોઝ વધારી રહ્યા છે. એટલે હું આયુર્વેદ તરફ વળ્યો, પણ એ દવાઓથી પણ કન્ટ્રોલ આવ્યો નહીં. આ દરમ્યાન હું મારી ન્યુટ્રિશનિસ્ટને મળ્યો. તેણે મને કહ્યું કે એક મહિનો કોશિશ કરીએ, જો શુગર નીચે નહીં આવે તો ઇન્સ્યુલિન લેવું જ પડશે. ખબર નહીં મને શું થઈ ગયું ઇન્સ્યુલિન સાંભળીને. હું ખૂબ ગંભીર બની ગયો. મને સમજાયું કે હવે પૂરા પ્રયાસ અનિવાર્ય છે, આર યા પારની પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે હું એકદમ ડિસિપ્લિનમાં આવી ગયો.’
ઉપેશભાઈએ ઉપરથી ઍડ કરવાવાળી શુગર એકદમ મૂકી દીધી. ઘઉં અને ચોખા બન્ને બંધ કરીને મિલેટ્સ ખાવા લાગ્યા. રાતનું જમવાનું વહેલું કરતાં-કરતાં તેઓ છેલ્લા એક વર્ષથી તો સાંજે ૬ વાગ્યે જમી લે છે. એ વિશે વાત કરતાં ઉપેશભાઈ કહે છે, ‘મારો પ્રૉબ્લેમ બહારનું ખાવાનું હતો. હું ખૂબ ટ્રાવેલ કરતો. મારા બિઝનેસને કારણે મારે ટ્રાવેલ કરવું જ પડતું. જ્યારથી ડાયટ શરૂ કરી ત્યારથી ટ્રાવેલ ઘટાડ્યું. અમેરિકા અને કૅનેડા જેવી જગ્યાએ પણ ૩ દિવસમાં કામ પતાવીને હું ઇન્ડિયા પાછો આવી જતો. જેટલું ઘરથી ઓછું બહાર રહી શકાય એટલું હું રહ્યો, કેમ કે પર્ફેક્ટ ડાયટ કરી શકાય. બહાર પણ જઉં તો ઘરનું જેટલું બને એટલું ખાવાનું લઈ જતો. મેં છેલ્લાં ૭ વર્ષથી ભેળપૂરી, સેવપૂરી કે સૅન્ડવિચ ખાધી નથી. પાંઉભાજી ખૂબ ભાવતી મને તો ભાજી ઘરે બનાવીએ એને હું બાજરીના રોટલા સાથે ખાતો થઈ ગયો છું. આ બદલાવ મેં ખૂબ પ્રયત્નો સાથે મારા જીવનમાં વણ્યા છે. આ બદલાવ હેલ્ધી લાઇફ માટે છે અને એ લાઇફને ટકાવવા માટે પણ.’
ઉપેશભાઈએ છેલ્લા એક વર્ષમાં ૧૦ કિલો વજન ઉતાર્યું છે. અત્યારે ઘણા સમયથી તેઓ ડાયટ મેઇન્ટેઇન રાખી રહ્યા છે. એ વિશે વાત કરતાં ઉપેશભાઈ કહે છે, ‘આજે જો હું ઠીક થઈ ગયા પછી બધું ખાવા લાગું તો ફરી ત્યાં ને ત્યાં પહોંચી જઈશ. મારો બર્થ-ડે ૧૬ એપ્રિલે છે એટલે હું દર મહિનાની ૧૬ તારીખે ચીટ-ડે રાખું છું. એ દિવસે પણ મીઠાઈનો એકથી વધુ પીસ ખાઈ લઉં તો મને માથું દુખવા લાગે છે. શરીર હવે રૉન્ગ ફૂડ સ્વીકારતું જ નથી. મારું એનર્જી-લેવલ ખૂબ સારું થઈ ગયું છે. હું ૬ કલાકની ઊંઘ જ લઉં છું. અલાર્મ વગર ચોક્કસ સમયે જાતે એકદમ ફ્રેશ ઊઠી જઉં છું. આ હેલ્ધી જીવન મને ફાવી ગયું છે. એમાં હું ખૂબ ખુશ છું.’
પ્રયાસોથી મારી ૮ વર્ષની દવાઓ છૂટી ગઈ : મનીષા શાહ, ૫૭ વર્ષ, વિલે પાર્લે
એક વખત ડાયાબિટીઝની દવાઓ ખાવાની શરૂ થઈ પછી જીવનભર ખાવી પડે છે. આ તથ્યને ૫૭ વર્ષનાં વિલે પાર્લેમાં રહેતાં મનીષા શાહે બદલી કાઢ્યું છે. ૮ વર્ષથી જે વ્યક્તિ ડાયાબિટીઝની દવાઓ લઈ રહી હતી તેમની સંપૂર્ણપણે શુગર નૉર્મલ આવી ગઈ અને તેમની દવાઓ છૂટી ગઈ છે. દવાઓ છૂટી એને પણ આજે ૬ મહિના થઈ ગયા છે.
લગભગ ૮-૯ વર્ષ પહેલાં એટલે કે મનીષાબહેન ૪૮ વર્ષની ઉંમરનાં હતાં ત્યારથી તેમની શુગરના રિપોર્ટમાં ગરબડ આવવા લાગી. એ વિશે વાત કરતાં મનીષાબહેન કહે છે, ‘મેનોપૉઝ દરમ્યાન મને ખૂબ ક્રેવિંગ થતું. મેં ખૂબ મીઠાઈઓ ખાધી છે અને એ સમય એવો હતો કે હું મારા ક્રેવિંગ્સને હૅન્ડલ કરી શકું એમ જ નહોતી. વળી સ્ટ્રેસ પણ ખૂબ હતું. આ બધું ભેગું થયું અને મને ડાયાબિટીઝ આવ્યો. એના વિશે શું કરવું છે એવું મેં ન વિચાર્યું. ડૉક્ટર પાસે ગઈ અને દવાઓ ચાલુ કરી દીધી. ૮ વર્ષ મેં દવાઓ લીધી. મને લાગ્યું કે આ મારું રૂટીન છે હવે. મને એ દવાઓ લેવામાં જાણે કોઈ તકલીફ જ નહોતી. મેં મારા ડાયાબિટીઝને સ્વીકારી લીધો હતો. એટલું જ નહીં, મને કૉલેસ્ટરોલ પણ હતું અને થાઇરૉઇડ પણ આવી ગયું હતું.’
એ દરમ્યાન મનીષાબહેનનું વજન વધી ગયું હતું, પરંતુ વજન કરતાં તેમને જે તકલીફ સતાવતી હતી એ હતી ઍસિડિટી. તેઓ ત્રાસી ગયેલાં એનાથી. એટલે તેમણે ડાયટિંગ કરવાનું વિચાર્યું. પ્રોફેશનલ પાસે જઈને તેમણે તેમની તાસીર ચેક કરાવી. એ વિશે વાત કરતાં મનીષાબહેન કહે છે, ‘મને વજન ઓછું કરવાનું ગાંડપણ નહોતું. મને એમ હતું કે મારી હેલ્થ જે ખરાબ થઈ ગઈ છે એને ઠીક કરવી છે. હું એક્સરસાઇઝ વર્ષોથી કરતી જ હતી. ઊંઘ મારી સારી હતી. જે ફેરફાર કરવાનો હતો એ ડાયટનો હતો. મેં મારા જમવામાં પ્રોટીન વધાર્યું. શાકભાજી વધુ ખાવા લાગી. ઘઉં બંધ કર્યા અને જુવાર-નાચણીની રોટલી શરૂ કરી. એક ગુજરાતી તરીકે હું હેવી બ્રેક-ફાસ્ટ કરતી હતી, પણ મારી તાસીર અનુસાર મારો નાસ્તો બદલવામાં આવ્યો. આ મૂળભૂત ફેરફારો છે જે લોકો કરી શકે છે. જોકે હું મારી વિગતવાર ડાયટ અહીં એટલે નથી કહી રહી કેમ કે ડાયાબિટીઝ જેમને છે તે બધાએ એકસરખી ડાયટ ફૉલો નથી કરવાની હોતી. દરેકની તાસીર જુદી-જુદી હોય. એ મુજબના બદલાવ તમારા શરીર પર અસર કરશે એ સમજવું પણ જરૂરી છે.’
આ વાતમાં ઉમેરો કરતાં મનીષાબહેન કહે છે, ‘સાચું કહું તો આજની તારીખે બધાને જ ખબર છે કે શું હેલ્ધી છે અને શું નથી; પણ આપણે જાતે કરીએ તો ફેરફાર આવતો નથી, પ્રોફેશનલ મદદ જરૂરી છે. ગૂગલ પર જોઈને કે ઇન્સ્ટાગ્રામ પર કોઈને ફૉલો કરીને ડાયાબિટીઝ જતો નહીં રહે. જાણકારની મદદ અને તમારો સંયમ તથા પ્રતિબદ્ધતા તમને ડાયાબિટીઝ વિરુદ્ધનો જંગ જીતવામાં મદદરૂપ થાય છે.’
મનીષા શાહનું વજન એક વર્ષમાં ૮૯ કિલો હતું એનાથી ૭૨ કિલો થયું. તેમનું HbA1c જેને આપણે ૩ મહિનાની શુગર ગણીએ છીએ એ ૬.૫ હતી જે ૫.૩ પર આવી ગઈ. જે પણ દવાઓ તેઓ લેતાં હતાં એ બધી દવાઓ બંધ થઈ ગઈ. ડાયાબિટીઝની સાથે-સાથે થાઇરૉઇડ પણ તેમનું જતું રહ્યું. દવાઓ છોડી એને પણ ૬ મહિના થઈ ગયા. એ વિશે વાત કરતાં મનીષાબહેન કહે છે, ‘હવે ક્યારેક એકાદ પીસ મીઠાઈ ખાઈ લઉં છું; પણ સાચું કહું તો એવું નથી હોતું કે હવે બધું ઠીક થઈ ગયું તો તમે પહેલાં જેવું જીવતા હતા, જેવું ખાતા હતા એવું ખાઈ શકો. જે ધ્યાન રાખવાનું હોય છે એ તો રાખવાનું જ હોય છે. જો લાઇફસ્ટાઇલ થોડીક પણ બગાડીએ, કશું આડું-ટેડું ખાઈ લઈએ તો રિપોર્ટ પર એ દેખાય જ છે. જે લોકો ડાયાબિટીઝને રિવર્સ કરવા માગે છે તેમણે એ વિચારીને ચાલવાનું છે કે હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવનભર સાચવવી અનિવાર્ય છે.’
ડાયાબિટીઝ સામેની લડત માટે ફક્ત શારીરિક જ નહીં પરંતુ મેં મારી માનસિક હેલ્થ પર પણ એટલું જ ધ્યાન આપ્યું હતું : જેસલ મહેતા, ૩૭ વર્ષ, કાંદિવલી
૩૫ વર્ષની યુવાન વયે કાંદિવલીની જેસલ મહેતાને ડાયાબિટીઝ આવી ગયો હતો. ઘરમાં તેનાં મમ્મી અને નાનીને આ રોગ છે એટલે વારસાગત હોઈ શકે, પણ જેસલને તેમના કરતાં આ રોગ ઘણો વહેલો આવી ગયો. જેસલની દવાઓ હજી ચાલુ છે, પણ લાઇફસ્ટાઇલમાં બદલાવથી તેનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં આવી ગયો અને તે પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર આવી ગઈ છે. તેની HbA1c એટલે કે ૩ મહિનાની શુગર મે મહિનામાં ૭.૨ હતી એ આજે ૬.૨ સુધી પહોંચી ગઈ છે. તે અત્યારે પૂરી કોશિશ કરી રહી છે કે તે પાંચની રેન્જમાં પહોંચી જાય એટલે તેની જે મિનિમમ ડોઝવાળી દવા છે એ પણ બંધ થઈ જાય.
એની વાત કરતાં જેસલ કહે છે, ‘ડાયાબિટીઝ વિરુદ્ધની મારી લડાઈ મુખત્વે સ્ટ્રેસ વિરુદ્ધની હતી. મારે મારા જીવનના સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવાનું હતું. મન હેલ્ધી તો તન હેલ્ધી એ નિયમ મુજબ મેં મારા પર કામ શરૂ કર્યું હતું. મેં યોગ શરૂ કર્યા, ધ્યાન કર્યું, સારું વાંચન ચાલુ કર્યું. કોઈ પણ વાત મનમાં ભરીને હું નથી રાખતી હવે, લોકો સાથે શૅર કરું છું. આ બધું આપણને લાગે કે એનાથી શું ફરક પડે, પણ એવું નથી. એ બધાથી ઘણો ફરક પડે છે જે મેં અનુભવ્યું છે.’
ડાયટમાં જેસલે જરૂરી ફેરફાર કર્યા. દરરોજ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાનું શરૂ કર્યું. રાતનું સ્નૅકિંગ બંધ કર્યું. મિલેટ્સ ખાવાનું શરૂ કર્યું, ઘઉં બંધ કર્યા અને એને કારણે રિઝલ્ટ સારું મળ્યું. બીજી વાત કરતાં જેસલ મહેતા કહે છે, ‘ડાયાબિટીઝને મૅનેજ કરવા માટે ટેસ્ટ કરાવતા રહેવું જરૂરી છે. એનાથી તમારામાં એક અલર્ટનેસ આવે છે. બહારનું ખાવાનું આપણે લોકો છોડી શકતા નથી એ એક પ્રૉબ્લેમ છે. મેં એ બાબતે સ્ટ્રગલ કરી, પણ હવે મારું ઈટિંગ ઘણું માઇન્ડફુલ થઇ ગયું છે. ગમે તે હું ઑર્ડર કરતી પણ નથી અને ખાતી પણ નથી. સમજી-વિચારીને જ ખાવું એની આદત પાડવી પડે છે. જાતે મેં ઘણું ટ્રાય કર્યું. રિઝલ્ટ મળ્યું, પણ પ્રોફેશનલ હેલ્પથી વધુ સારું રિઝલ્ટ મળી રહ્યું છે. પ્રોફેશનલ ડાયટ મેં છેલ્લા બે મહિનાથી જ શરૂ કરી છે, પણ ઘણો ફરક છે.’
આટલું ધ્યાનમાં રાખો
ડાયાબિટીઝને રિવર્સ કરવા માટે પ્રતિબદ્ધતા અનિવાર્ય છે. તમારે હેલ્ધી જીવન જોઈએ છે તો એ માટે ઘણુંબધું બદલવું પડશે. ડાયટ, એક્સરસાઇઝ, ઊંઘ, પાચન, સ્ટ્રેસ આ બધાં પર કામ કરવું પડશે. સમજવાનું એ છે કે આ બધાં પર કામ કરીને ડાયાબિટીઝથી છુટકારો મળતો હોય તો એનાથી સારું શું હોઈ શકે?
ડાયાબિટીઝમાં દરેક કેસ જુદો હોય છે. ઇન્ટરનેટ પરના જ્ઞાનને સાચું માનીને આંધળા અનુકરણથી બચવું જરૂરી છે. જ્યારે તમે લાઇફસ્ટાઇલ પર કામ કરો ત્યારે જીવનના દરેક ખૂણાને એમાં આવરી લેવાનો હોય છે, બધા પર એકસાથે કામ કરવાનું હોય છે - ઘણાને ડાયટ પર વધુ તો ઘણાને એક્સરસાઇઝ પર, ઘણાને સ્ટ્રેસ પર તો ઘણાને ઊંઘ પર. બધું જ ઠીક હશે ત્યારે રિઝલ્ટ મળશે, પણ બધાની જરૂર જુદી-જુદી હોવાની એ સમજવું.
ઘણા લોકો એવું માને છે કે એક વખત શુગર નીચે આવી ગઈ એટલે પછી ફરી જેવું જીવતા હતા એવું જીવવાનું શરૂ કરી શકાય, પણ એવું હોતું નથી. એવું કરશો તો રોગ પાછો આવી જશે. આ બદલાવને લાઇફસ્ટાઇલની જેમ અપનાવવો જરૂરી છે. હેલ્ધી અને લાંબા આયુષ્ય માટે જીવનભર તમારે શરીરનું ધ્યાન રાખવાનું જ હોય છે.
ડાયાબિટીઝને રિવર્સ કરવા માટે પ્રોફેશનલ હેલ્પ લેવી જરૂરી છે. ખુદ ગમે એટલું જ્ઞાન હોય, પરંતુ જાતે એ કરી બતાવવું મોટા ભાગના લોકો માટે શક્ય બનતું નથી. પ્રોફેશનલ મદદ હોય તો તમને ગોલ અચીવ કરવામાં મદદ મળે છે.
જ્યારે તમે પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર હો ત્યારે જ જો પ્રયત્ન કરો તો રોગને રિવર્સ કરવો ઘણો સરળ છે, પણ એવું નથી કે તમે દવાઓ લેતા હો કે ઇન્સ્યુલિન લેતા હો તો રોગ પાછો જાય જ નહીં. એ પણ શક્ય છે. દવાઓ અને ઇન્સ્યુલિન ડાયાબિટીઝને મૅનેજ કરવાનું કામ કરે છે, એને જડથી દૂર કરી શકતાં નથી. એ કામ લાઇફસ્ટાઇલનું છે. તકલીફ એ છે કે ડાયાબિટીઝ જેવો આવે એટલે લોકો ડૉક્ટરના કહેવા પ્રમાણે દવાઓ શરૂ કરી દે છે, પણ એને રિવર્સ કરવાનું વિચારતા નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે.