12 November, 2025 02:22 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
આજે વિશ્વ ન્યુમોનિયા દિવસ છે. વ્યક્તિના શ્વાસ પર અસર કરતો આ રોગ દર વર્ષે લાખો બાળકોનો ભોગ લે છે ત્યારે સમજવું એ જરૂરી છે કે જરૂરી ચિહ્નોને સમજીને સમયસર બાળકને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. પ્રદૂષણને લીધે આ રોગનો વ્યાપ વધ્યો છે ત્યારે રસીકરણ એક એવું હથિયાર છે જેને કારણે ન્યુમોનિયાના રિસ્કને ઘટાડી શકાય છે
પાંચ વર્ષથી નાનાં બાળકોમાં જે મૃત્યુ પામે છે એમાંથી ૧૪ ટકા બાળકોનાં મૃત્યુ પાછળનું કારણ છે ન્યુમોનિયા. ૨૦૧૯ના આંકડાઓ કહે છે કે દુનિયાભરમાં ન્યુમોનિયાને કારણે ૭,૪૦,૧૮૦ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. દર વર્ષે અંદાજે ૧૫૬ મિલ્યન બાળકોને ન્યુમોનિયા થાય છે. એમાંથી ૭૦ ટકા કેસ ભારત અને ચીનમાં જોવા મળે છે. ન્યુમોનિયા એક જીવલેણ રોગ છે એ આપણે સૌ જાણીએ જ છીએ, પરંતુ બાળકોમાં એની અસર વધુ ગંભીર થઈ શકે છે. આ વર્ષે ન્યુમોનિયા દિવસ પર થીમ છે ‘ચાઇલ્ડ સર્વાઇવલ’. ન્યુમોનિયા જેવા ગંભીર રોગથી બાળકોને બચાવવાની વાત આ વર્ષે વિચારવામાં આવી રહી છે. એ ત્યારે જ શક્ય છે જ્યારે આ બાબતે પૂરતી જાગૃતિ હોય.
રોગ
ન્યુમોનિયા એટલે શું? એ સમજીએ તો સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને કારણે જો ફેફસાં પર અસર થાય તો આ રોગ થાય છે. એમાં ફેફસાંમાં રહેલી હવાની કોથળીઓ ફૂલી જાય છે અને એમાં પાણી કે પરું ભરાઈ જાય છે. એને આપણે દેશી ભાષામાં ફેફસાંમાં પાણી ભરાય છે એમ કહીએ છીએ. આ થવાનું કારણ સમજાવતાં ચિયર્સ ચાઇલ્ડ કૅરના પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ન્યુમોનિયા શ્વાસને લગતી ગંભીર બીમારી છે. એ વાઇરસ, બૅક્ટેરિયા કે ફૂગ સંક્રમણથી થઈ શકે છે. મોટા ભાગે વાઇરસથી થતો ન્યુમોનિયા વધુ જોવા મળે છે; પરંતુ સ્ટ્રીપ્ટોકોકસ ન્યુમોનીએ, હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા અને રેસ્પિરેટરી સિન્સિશિયલ વાઇરસ જેવાં ઇન્ફેક્શન બાળકોમાં વધુ જોવા મળે છે. આજકાલ પાંચ વર્ષથી નાનાં બાળકોમાં ન્યુમોનિયાના કેસ વધી ગયા છે જેનું કારણ પ્રદૂષણ છે. એવું નથી કે નાના બાળકની ઇમ્યુનિટી સારી ન હોય એટલે જ તેને આ રોગ થાય. ઘણી વાર જેને કારણે ઇન્ફેક્શન થયું છે એ વાઇરસ કે બૅક્ટેરિયા ખૂબ પાવરફુલ હોય તો બાળકને આ રોગ થઈ શકે છે. બાકી આમ પણ પાંચ વર્ષથી નાના બાળકની ઇમ્યુનિટી ધીમે-ધીમે બની રહી હોય છે એટલે તેમને કોઈ પણ ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ જ રહે છે. જોકે નાનાં બાળકોને આ જીવલેણ રોગ થવા પાછળ આજની તારીખે મુખ્ય કારણ પ્રદૂષણનો વધારો જ કહી શકાય.’
લક્ષણો
ન્યુમોનિયા ઓળખી ન શકાય એવો રોગ નથી. એની શરૂઆત સામાન્ય શરદી-ઉધરસથી થાય છે એ વાત સાચી, પરંતુ પાંચ વર્ષથી નાનાં બાળકોને શરદી પણ થાય તો માતા-પિતા તરત તેને ડૉક્ટર પાસે લઈ જાય છે. મોટા કે વયસ્ક લોકોમાં એવું બનતું નથી. ડૉક્ટર જ્યારે બાળકને તપાસે ત્યારે તેના શ્વાસ દ્વારા સમજી શકાય છે કે બાળક પર ન્યુમોનિયાની અસર છે કે નહીં. એ વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘શ્વાસ ફૂલે અને એ લેવામાં તકલીફ પડે એ ડૉક્ટર જ નહીં, માતા-પિતાને પણ સમજ પડે જ છે. બાળક જરૂર કરતાં વધુ માંદું દેખાય. તેને જોઈને પણ સમજી શકાય. વળી મોટા ભાગે તાવ આવે, પણ એ ખૂબ વધારે હોય. જેને તાવ ન હોય તેને શ્વાસની તકલીફ તો તરત જ ખબર પડે. મહત્ત્વનું એ છે કે બાળકની સામાન્ય શરદી-ઉધરસને સામાન્ય ન ગણતાં તેને ડૉક્ટર પાસે લઈ જવું ખૂબ જરૂરી છે. એમાં લાપરવાહી કરી તો ઇન્ફેક્શન વધી જાય એવું બને. વળી સમજો કે તમે શરદી-ઉધરસની દવા લઈ આવ્યા એને બે દિવસ થઈ ગયા, પરંતુ બાળકની પરિસ્થિતિ ઠીક થવાને બદલે બગડતી જાય તો રાહ ન જુઓ કે અઠવાડિયું દવા લઈ જોઈએ. બાળકની પરિસ્થિતિ પહેલાં કરતાં બગડે એટલે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.’
આ રોગ અને એનું રિસ્ક
એટલે જ આ રોગને કમ્યુનિટી ઇન્ફેક્શન કહેવાય છે એ સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એક પ્રકારનું ઇન્ફેક્શન હોય જે ચેપી હોય. એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને લાગે, પરંતુ કમ્યુનિટી ઇન્ફેક્શન એટલે જે પર્યાવરણને કારણે બધા પર એકસરખું રિસ્ક ધરાવતું હોય એ પ્રકારનું ઇન્ફેક્શન. આ રોગ થવાનું રિસ્ક જોઈએ તો પ્રદૂષણની સાથે-સાથે કુપોષણ. જે બાળકો કુપોષિત છે તેમનામાં ઇમ્યુનિટી ઓછી જ રહેવાની છે. તેમને આ તકલીફ આવવાની શક્યતા વધુ છે. જે જગ્યાએ જરૂરી રસીકરણની સુવિધાઓ દરેક બાળક સુધી પહોંચતી નથી ત્યાં એનું રિસ્ક વધુ રહેવાનું છે. જે બાળકને માનું દૂધ ૬ મહિના સુધી ન મળી શક્યું હોય તેની ઇમ્યુનિટી ડેવલપ થયેલી હોતી નથી એટલે આ રોગનું રિસ્ક બાળક પર વધુ હોય એ સહજ છે.’
બચાવ
ન્યુમોનિયાથી બચાવ માટે ન્યુમોકોકલ રસી આવે છે જે મોટા ભાગે ૬૦-૭૦ વર્ષના વૃદ્ધોને આપવામાં આવે છે. એ જ રસી બાળકો માટે પણ આવે છે. એની સ્પષ્ટતા કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘બાળકોમાં રસીકરણ અત્યંત મહત્ત્વનું છે. બાળક પાંચ વર્ષથી નીચેનું હોય તો તેને અમે દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાની રસી અપાવીએ છીએ. એ સિવાય બાળક ૬ મહિનાનું હોય ત્યારે ન્યુમોકોકલની રસી અપાવવી જરૂરી છે. એક H ઇન્ફ્લુએન્ઝા B નામની રસી આવે છે એ પણ એટલી જ મહત્ત્વની હોય છે. આ રસી અપાવવાનો અર્થ એ નથી કે બાળક પરથી ન્યુમોનિયાનો ખતરો ટળી જશે. એનો અર્થ એ છે કે બાળક પર એનો ખતરો ઓછો છે, કારણ કે દરેક રસી એક નિર્ધારિત વાઇરસ કે બૅક્ટેરિયાની સામે લડે છે. દરેક વાઇરસ અને દરેક બૅક્ટેરિયા સામે નહીં. એટલે ઇન્ફેક્શનનો ખતરો તો રહે જ છે, પણ આ રસી જરૂરી છે એટલે લગાવવી ચોક્કસ. રિસ્ક જેટલું ઓછું થાય એટલું ઉપયોગી.’
ઇલાજ
ન્યુમોનિયા થાય એટલે વ્યક્તિ પર મૃત્યુનો ખતરો તોળાય એવું સાવ એટલે નથી કારણ કે આજની તારીખે ઇલાજ ઘણો સારો ઉપલબ્ધ છે. એ વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ન્યુમોનિયાની શરૂઆત હોય અને બાળક થોડું ઠીક લાગતું હોય તો બાળકને ઓરલ ઍન્ટિ-બાયોટિક આપવામાં આવે છે જે એક સારો ઇલાજ છે. જો બાળકની તબિયત વધારે ખરાબ લાગે, ઇન્ફેક્શન ઘણું વધુ ફેલાયેલું લાગે તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવું જરૂરી છે. એમાં તેને લોહીમાં સીધી ઍન્ટિ-બાયોટિક દવાઓ આપવામાં આવે છે જે વધુ અસરકારક રીતે કામ કરે છે. હવે તો એવી ટેસ્ટ પણ આવી ગઈ છે જેમાં કયા વાઇરસ કે બૅક્ટેરિયા કે ફંગસ દ્વારા ઇન્ફેક્શન થયું છે એ ૩ કલાકની અંદર જાણી શકાય, જેને લીધે ઇલાજ કઈ રીતે કરવો એ સમજી શકાય. આમ જો માતા-પિતા જાગૃત હોય, સમયસર બાળકને ડૉક્ટર પાસે લઈ ગયાં હોય તો આ તકલીફથી બાળકને બચાવી શકાય છે.’
બાળક કોઈ વસ્તુ ગળી જાય અને ફેફસામાં એ નીચે બેસી જાય તો...
ઘણી વખત એવું થતું હોય છે કે બાળક કોઈ પદાર્થ ગળી જાય અને એ પદાર્થ તેની શ્વાસનળીમાં જતો રહે તો આ પરિસ્થિતિમાં શ્વાસનળી એકદમ બંધ થઈ જાય અને તેને શ્વાસમાં તકલીફ થાય તો બાળકને લઈને તાત્કાલિક ડૉક્ટર પાસે ભાગવું પડે છે. જોકે ઘણી વાર એવું થાય છે કે પદાર્થ એકદમ નાનો હોય અને શ્વાસનળી મારફત ફેફસા સુધી પહોંચી જાય તો જુદી તકલીફ ઊભી થઈ શકે છે. એ વિશે વાત કરતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આ જે નાનકડો પદાર્થ છે એટલે કે બટન જેટલો કોઈ નાનો પદાર્થ જે ફેફસામાં એકદમ નીચે જઈને બેસી જાય છે એટલે બાળકને ખાંસી કરે છે જે દિવસે-દિવસે વધતી જાય છે. દવાઓથી પણ ખાંસી ઠીક ન થાય તો માતા-પિતા ડૉક્ટર પાસે જાય ત્યારે સમજાય છે કે બાળકને શ્વાસમાં તકલીફ છે. એટલે ઍક્સ-રે કે CT સ્કૅન કરે અને એના દ્વારા ખબર પડે કે કોઈ પદાર્થ બાળક ગળી ગયું છે. આ પરિસ્થિતિમાં ફેફસું કૉલેપ્સ થઈ જાય એટલે ન્યુમોનિયા થવાની શક્યતા રહે છે. એનો ઇલાજ એ છે કે બ્રોન્કોસ્કોપી કરીને બાળકના ફેફસામાંથી આ પદાર્થ કાઢી લેવામાં આવે છે. એ પછી ફેફસાં એકદમ ઠીક થઈ જાય છે. આ પણ એક પ્રકારનો ન્યુમોનિયા જ છે જેમાં બ્રોન્કોસ્કોપીની જરૂર પડે છે.’