17 July, 2025 01:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પેટમાં કોઈ પણ પ્રકારના કીડા થાય તો એ કીડાઓને કરમિયા કહે છે. મોટા ભાગે બાળકોમાં આ રોગ વધુ જોવા મળે છે. આમ તો આ રોગ બાળકોને ગમે ત્યારે થઈ શકે છે પરંતુ ચોમાસામાં એ થવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે ચોમાસામાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ જ રહેવાનું. આ પણ જંતુઓને લગતું આંતરડાનું જ ઇન્ફેક્શન છે. વળી ચોમાસામાં બધી જ જગ્યાએ હાઇજીનનો પ્રશ્ન વધુ રહે છે. તેથી પણ આંતરડાની અંદર કીડા થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
કીડા કોઈ દિવસ એની મેળે આંતરડામાં જન્મતા નથી પરંતુ બહારના વાતાવરણમાંથી શરીરમાં જાય છે. ખાસ કરીને મોઢામાંથી અન્નમાર્ગે એ શરીરમાં જાય છે. કીડા કોઈ દિવસ ડાયરેક્ટ અંદર જાય એની શકયતા હોતી નથી પરંતુ જે મોઢામાંથી અન્નમાર્ગે આંતરડા સુધી પહોંચે છે એ કીડાનાં ઈંડાં હોય છે. એને ડેવલપ થતાં ૨૧ દિવસ એટલે કે ત્રણ અઠવાડિયાં થાય છે અને આ ત્રણ અઠવાડિયાંમાં ઈંડાંમાંથી કીડા જન્મે છે.
બાળકોને આદત હોય છે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખવાની. એને કારણે કરમિયા થવાની શકયતા તેમને વધારે રહે છે. કરમિયા થાય ત્યારે ઘણાં બાળકો એવાં પણ હોય છે જેમને કોઈ લક્ષણો ક્યારેય દેખાતાં નથી. બસ તેમના મળમાં કરમિયા દેખાય એટલે ખબર પડે છે કે બાળકને કોઈ પ્રૉબ્લેમ છે. જોકે મોટા ભાગના કેસમાં કોઈ ને કોઈ લક્ષણ દેખાય જ છે. કરમિયા થાય ત્યારે અડધી રાત્રે બાળક ઊંઘમાંથી ઊઠી રડવા લાગે છે કારણ કે તેને પૂંઠમાં ખજવાળ આવતી હોય છે અથવા પેટમાં દુખતું હોય છે. અમુક બાળકો રાત્રે ઊંઘમાં દાંત કચકચાવે છે. ઘણાને ખૂબ ભૂખ લાગે તો ઘણાં બાળકોની ભૂખ મરી જાય છે. ઘણાં બાળકોને શુગર ક્રેવિંગ થાય છે. સૌથી મહત્ત્વનું કોઈ લક્ષણ હોય તો એ છે કે બાળક પ્રૉપરલી જમતું હોય છતાં પણ તેનું વજન ન વધે અને તેનો ગ્રોથ બરાબર ન થતો હોય.
આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે કરમિયા થઈ ગયા હોય તો કડવાણી આપવી જોઈએ જે સાચો ઉપાય છે કારણ કે કડવી દવાથી કરમિયા મરી જાય છે. આદર્શ રીતે દર ૬ મહિને કરમિયા થયા હોય કે ન થયા હોય, એની દવા લઈ લેવી જરૂરી છે કારણ કે આ દવાની કોઈ આડઅસર નથી. જો કરમિયાનાં કોઈ લક્ષણો ન હોય તો પણ બાળકોને આ દવા આપી શકાય. ઊલટું નાનાં બાળકોમાં જેને કરમિયાની તકલીફ રહેતી હોય તેના ઘરમાં બાળકને જ નહીં, ઘરમાં રહેતા બધા લોકોને કરમિયાની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે કારણ કે ઘરમાં બધા જ લોકો એક જ ટૉઇલેટનો ઉપયોગ કરતા હોય છે. આથી ઇન્ફેક્શન લાગવું ખૂબ જ સરળ થઈ જાય છે.
-ડૉ. ઝીનલ ઉનડકટ