26 August, 2024 09:15 AM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
આજના હેડિંગમાં આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આજના સમયના ઘણા યંગસ્ટર્સમાં જોવા મળે છે. કેટલાક તો બ્લન્ટ થઈને આ વાત પૂછી પણ લે છે તો કેટલાક છાનાખૂણે આ પ્રશ્ન વિશે ચર્ચા કરીને મોટા ભાગના લોકોને ઊતરતા કે ઑર્થોડોક્સ માની બેસે છે. આ જ પ્રશ્ન લઈને એક યંગસ્ટર હમણાં મારી પાસે આવ્યો. દોઢ વર્ષ પહેલાં તેનાં મૅરેજ થયાં હતાં. તે છોકરો થાઇલૅન્ડ ફરવા ગયો અને પાછા આવીને તેણે થાઇલૅન્ડમાં પોતે શું રંગરેલિયા મનાવી એ વિશે વિગતવાર વાત વાઇફ સાથે કરી. કેવા સંજોગોમાં તેણે વાત કરી એ તો પોતે જાણે, પણ બન્યું એવું કે સવારે જાગ્યો ત્યારે તેને વાઇફને બદલે વાઇફની ફ્રીજ પર લગાવેલી સ્ટિકી-નોટ મળી, જેમાં લખ્યું હતું કે તે મમ્મીના ઘરે જાય છે. આ વાતને દોઢ મહિનો થઈ ગયો, પણ હજી તે પાછી આવી નથી. શરૂઆતમાં પેલાએ સહજ રીતે કારણ જાણવાની કોશિશ કરી, એ પછી તેને ખબર પડી એટલે તેણે સમજાવવાની કોશિશ કરી, પણ સમજાવટની અસર થઈ નહીં એટલે તેણે વાત પડતી મૂકી દીધી અને હવે બન્ને જણ ઍટિટ્યુડ પર આવી ગયાં છે.
પેલા છોકરાની આર્ગ્યુમેન્ટ છે કે મેં ત્યાં શું કર્યું, કોની સાથે રહ્યો અને કેવી મજા કરી એ વાત સામે ચાલીને મેં જ તેને કરી પછી તે શું કામ આવું બિહૅવ કરે છે. જો એવું જ હોય તો મારે આ મૅરેજ-લાઇફ આગળ નથી વધારવી. છોકરી સાથે પણ મેં વાત કરી, છોકરીની આર્ગ્યુમેન્ટ છે કે જે પ્રકારે તે આખી વાત નૅરેટ કરતો હતો એ ખરેખર વિયર્ડ હતું, મારે આવા માણસ સાથે નથી રહેવું. બન્ને વચ્ચે મધ્યસ્થી દરમ્યાન બીજી પણ એક એવી વાત વાઇફે કરી કે આનો અર્થ તો એવો થાય છે કે તેને બીજી પણ છોકરીઓ સાથે ફિઝિકલ રિલેશન્સ રહ્યા હશે. મધ્યસ્થીના ભાગરૂપે છોકરા સાથે વાત કરી તો તેનું એ જ કહેવું હતું કે આજકાલના યંગસ્ટર્સ માને છે કે એક કરતાં વધારે છોકરીઓ સાથે રિલેશન હોય તો શું ફરક પડી જાય છે?
વાત અહીં કોઈ પ્રકારના આર્થિક, માનસિક કે શારીરિક ઘસારાની નથી, પણ વાત અંગત લાગણીઓની છે અને લાગણીઓની વાત આવે ત્યારે સહજ રીતે જ પાર્ટનર ક્યારેય પોતાની વ્યક્તિનું શૅરિંગ સ્વીકારી નથી શકતાં અને ખાસ કરીને પુરુષો. હું કહીશ કે પેલા છોકરાની વાઇફે તો ઘર છોડવા માટે સવાર સુધી રાહ જોઈ, પણ જો એ જગ્યાએ આખી ઘટના રિવર્સ થઈ હોય અને વાઇફે આ પ્રકારે વર્ણન કર્યું હોય તો પુરુષ વાત પણ પૂરી ન થવા દે, બીજી જ ઘડીએ ઘરમાં તાંડવ કરે. લાગણી અને પ્રેમમાં જેટલી વફાદારી અનિવાર્ય છે એટલું જ અંગત જીવનમાં એક-વ્યક્તિ સહવાસ મહત્ત્વનો છે, કારણ કે ઇન્ટિમેટ રિલેશન ક્યુઝિન નથી કે અમુક સમયાંતરે તમે નવી ડિશ ટ્રાય કરો.