અમદાવાદના નવા મેયર બંગલો નહીં વાપરે, પોતાની જ ઇલેક્ટ્રિક કારનો કરશે ઉપયોગ

27 May, 2026 02:44 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નવનિયુક્ત ટીમે ગઈ કાલથી જ પોતાના કાર્યભારનો પ્રારંભ કર્યો હતો.

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ અને અમદાવાદનાં નવાં ડેપ્યુટી મેયર અંજુ શાહ.

અમદાવાદના મેયર તરીકે ગઈ કાલે અનુભવી નેતા હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. નવા મેયર કૉર્પોરેશનના મેયરના બંગલાનો ઉપયોગ નહીં કરે તેમ જ પોતાની ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરશે. એટલું જ નહીં, મેયર હિતેશ બારોટે વિકાસને અનુરૂપ શહેર બનાવીને જનતાને વધુ ને વધુ સવલત આપવાની શહેરીજનોને ખાતરી આપી છે.     

અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ચૂંટણીમાં વધુ એક વાર વિજય થયા બાદ ગઈ કાલે મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. એમાં ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહ, સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન તરીકે કમલેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે જશુ ઠાકોર અને દંડક તરીકે અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત ટીમે ગઈ કાલથી જ પોતાના કાર્યભારનો પ્રારંભ કર્યો હતો.

મેયર તરીકે નિયુક્ત થયા બાદ હિતેશ બારોટે મીડિયાને કહ્યું હતું કે ‘અમદાવાદના મેયર તરીકેની ફૅસિલિટી લેવાનો કોઈ વિચાર નથી. મેયર તરીકે જે સવલત–સુવિધા મળવાની છે એ નહીં લઉં. કૉર્પોરેશનની કાર નહીં વાપરું, પરંતુ મારી ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરીશ. પ્રોટોકૉલની દૃષ્ટિએ જરૂર પડશે તો કારનો ઉપયોગ કરીશ. મેયર બંગલોમાં નહીં પણ મારા ઘરમાં જ રહેવાનો છું. અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ બને એ માટે પ્રયાસ કરીશ. વિકાસને અનરૂપ શહેર બનાવીશું અને જનતાને વધુ ને વધુ સવલત મળે એ માટે પ્રયાસ કરીશ.’

gujarat news gujarat gujarat government ahmedabad municipal corporation gujarat politics