12 November, 2025 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાડું હાંક્યું હતું, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આદિવાસી રસોઈનો આસ્વાદ માણ્યો હતો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાય દોહી હતી.
ગ્રામ્ય જીવનની રીતભાત નિભાવી દૈનિક જીવનચર્યાનો કર્યો અનુભવ : તાપી જિલ્લાના માણેકપુર ગામમાં શાળામાં રાત્રિ-રોકાણ કર્યું, ગાય દોહી, ગાડું હાંક્યું, હળથી ખેતર ખેડ્યું અને શેરડીના ખેતરમાં જઈને શ્રમિકો સાથે મળીને શેરડી વાઢી : ખેતરના શેઢે બેસીને ગ્રામજનો સાથે સંવાદ કર્યો : દીકરીઓને ભણાવવા માટે કરી અપીલ
પ્રાકૃતિક ખેતીને ગુજરાતના ગામેગામ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરનાર ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તાપી જિલ્લામાં ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકજીવનને બે દિવસ માણ્યું હતું અને ગ્રામ્ય જીવનશૈલીનો અનુભવ કરીને ગ્રામીણ જીવનના રંગે રંગાયા હતા. ગાય દોહવાથી માંડીને ખેતર ખેડવાથી લઈને ગામડાના માણસની જેમ ગ્રામ્ય જીવનની રીતભાત નિભાવી દૈનિક જીવનચર્યાનો તેમણે અનુભવ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતરમાં હળ ચલાવીને ખેતર ખેડ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો અને શ્રમિકો સાથે મળીને ખેતરમાં શેરડી વાઢી હતી.
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામમાં ગ્રામ્ય સંસ્કૃતિ, સાદગી અને લોકજીવન પ્રત્યેની પોતાની આત્મીયતા દર્શાવતાં વહેલી સવારે ગામના ખેડૂત રતિલાલ વસાવાના ઘરે જઈને રાજ્યપાલે જાતે ગાય દોહી હતી. તેમણે ગાડું હાંક્યું હતું, ખેતરે જઈને રાજ્યપાલે હળથી ખેતર ખેડ્યું હતું તેમ જ શેરડીના ખેતરમાં જઈને ખેડૂતો અને શ્રમિકો સાથે મળીને શેરડી વાઢી હતી. ખેતરના શેઢે બેસી ગામજનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે દેશી જુવારના રોટલા અને ચૂલા પર બનેલી આદિવાસી રસોઈ આરોગી હતી અને માણેકપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ-રોકાણ કર્યું હતું. આચાર્ય દેવવ્રતે ગ્રામજનોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘દીકરીઓને ભણવાનો મોકો આપજો અને દીકરાઓને નશાથી બચાવજો. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતીપદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. એ ગાય આધારિત ખેતી, જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.’