01 November, 2025 03:12 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
પરેડમાં મહિલા ઑફિસર્સે વડા પ્રધાનને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું
કૉન્ગ્રેસને ટોણો મારતાં વડા પ્રધાને કહ્યું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતના સરદારના વિઝનને નેહરુએ તોડી નાખ્યું હતું, જે અંગ્રેજો ન કરી શક્યા એ કૉન્ગ્રેસે કરી નાખ્યું
શુક્રવારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટૅચ્યુ ઑફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ‘સરદાર પટેલ અમર રહે...’ના નારા સાથે સંબંધોનની શરૂઆત કરીને કહ્યું હતું કે ‘સ્વતંત્રતા પછી ૫૫૦થી વધુ રજવાડાંઓને એક કરવાનું લગભગ અસંભવ લાગતું કામ સરદારે કર્યું હતું. સરદાર પટેલ માનતા હતા કે આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો ન જોઈએ, આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ. એક ભારત, શ્રેષ્ઠ ભારતનું વિઝન તેમના માટે સર્વોપરી હતું. તેઓ આખા કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતા, પરંતુ તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ એવું ન થવા દીધું. કાશ્મીરને અલગ સંવિધાન વહેંચી આપ્યું. કૉન્ગ્રેસની એ ભૂલની આગમાં દેશ દશકોથી સળગી રહ્યો છે. જે કામ અંગ્રેજો ન કરી શક્યા એ કૉન્ગ્રેસે કરી દીધું. કૉન્ગ્રેસે ધાર્મિક આધાર પર વંદે માતરમના એક હિસ્સાને કાપી નાખ્યો. એક રીતે જોઈએ તો કૉન્ગ્રેસે સમાજને વિભાજિત કરવાનો બ્રિટિશ એજન્ડા જ આગળ વધાર્યો છે. જો કૉન્ગ્રેસ એ પાપ ન કર્યું હોત તો આજે ભારતની તસવીર કંઈક અલગ જ હોત.’
આ ઉપરાંત બીજું શું-શું કહ્યું?
આજે આપણા દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘૂસણખોરોને કારણે ગંભીર ખતરાનો સામનો કરી રહી છે. દાયકાઓથી વિદેશી ઘૂસણખોરો આપણા દેશમાં આવે છે, સંસાધનોનું શોષણ કરે છે અને જનસંખ્યાનું સંતુલન બગાડે છે. જૂની સરકારો વોટ-બૅન્કની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતી રહી છે.
સરદાર પટેલના અવસાન પછી સરકારોમાં રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હતો જેના પરિણામે કાશ્મીરની ભૂલો, ઉત્તર-પૂર્વની સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદનો ફેલાવો થયો.આજનું ભારત દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે. કોઈ ભારત તરફ આંખ ઊંચી કરવાની હિંમત કરે તો તેને જવાબ આપે છે. હવે આતંકવાદના માસ્ટરમાઇન્ડને પણ એનો અહેસાસ થઈ ગયો છે.