નવસારી જિલ્લામાં પૂર્ણા નદી પર બની રહ્યો છે દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક-બ્રિજ

18 July, 2025 10:44 AM IST  |  Navsari | Gujarati Mid-day Correspondent

નર્મદા કનૅલ પર જોખમી પાંચ બ્રિજ બંધ કર્યા, ચાર બ્રિજ પર ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ

પૂર્ણા નદી પર દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રીક-બ્રિજ બની રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદથી બિસમાર થયેલા રસ્તાઓના સમારકામ ઉપરાંત નવા બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે જેમાં નવસારી જિલ્લામાં પૂર્ણા નદી પર ૧૬૪૫ મીટર લાંબો અને દક્ષિણ ગુજરાતનો સૌથી લાંબો ક્રિક-બ્રિજ બની રહ્યો છે. ૩૫ મીટરના ૪૬ ગાળા ધરાવતો આ પુલ જલાલપોર તાલુકાના બોરસી માછીવાડથી દાંડીને જોડતા ૭ કિલોમીટર લાંબા કોસ્ટલ હાઇવેની મિસિંગ લિન્કને પૂરી કરશે. આ પુલ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓને સીધું જોડાણ પૂરું પાડશે જેનાથી લોકોની અવરજવર સરળ બનશે. દાંડી નૅશનલ સૉલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ, નવા બની રહેલા ટેક્સટાઇલ પાર્ક, બોરસી બંદર, ઓંજલ બંદર, ધોલાઈ બંદર તેમ જ સુરત ડાયમન્ડ બૂર્સ, ઍરપોર્ટ અને ડ્રીમ સિટી સાથે સીધું જોડાણ પૂરું પાડશે. આ પુલ માટે ૩૨૫ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળી ગઈ છે અને બે વર્ષમાં એ કામ પૂરું થવાની અપેક્ષા છે. એ ઉપરાંત નવસારી જિલ્લાના નડોદ–સીમળ ગામના ૩.૪૦ કિલોમીટર લાંબા માર્ગ પર ૧.૭૦ કરોડ રૂપિયાના ખર્ચે પ્લાસ્ટિક-વેસ્ટયુક્ત ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિક-વેસ્ટ યુક્ત રોડ બનતાં બાંધકામનો ખર્ચ ઘટ્યો છે.

નર્મદા કનૅલના પુલોની તપાસ થઈ રહી છે.

દક્ષિણ ગુજરાતના બારડોલી, વાલોડ અને વ્યારા તાલુકાને જોડતા કડોદ–કોસાડી રોડ પર ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે નવો હાઈ લેવલ બ્રિજ બની રહ્યો છે. ૫૭૦ મીટર લાંબો, ૧૩ મીટર પહોળો અને ૨૨ મીટર ઊંચો આ પુલ ચોમાસા દરમ્યાન ઉકાઈ ડેમનાં પાણીથી ડૂબતા જૂના પુલની સમસ્યા દૂર કરશે. આ પુલનો લાભ ૪૨થી વધુ ગામડાંઓના લગભગ ૯ લાખ કરતાં વધુ લોકોને મળશે. આ પુલ આવતા ઑક્ટોબરમાં પૂરો થવાની અપેક્ષા છે.

નર્મદા કનૅલ પરના પુલોની તપાસ 
ગુજરાતમાં આશરે ૬૯,૦૦૦ લાંબું નર્મદા કનૅલ નેટવર્ક છે. આ કનૅલ નેટવર્ક પરથી સ્ટેટ, નૅશનલ અને ગામડાંઓને જોડતા આશરે ૨૧૧૦ પુલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ પુલોની સ્થિતિની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટ્રાફિક માટે જોખમી જણાયેલા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પાંચ પુલોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પુલની ભારક્ષમતાના આધારે અમદાવાદ અને પાટણ જિલ્લાના ૪ પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. 

navsari gujarat news gujarat news gujarat government surat highway