દિલ્હીમાં કારવિસ્ફોટ બાદ પાકિસ્તાનીમાં ડરનો માહોલ, લશ્કરી દળો હાઈ અલર્ટ પર, NOTAM અમલમાં

12 November, 2025 11:14 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં કાર-બૉમ્બના વિસ્ફોટ બાદ પાકિસ્તાને પોતાની સુરક્ષા-ચેતવણી અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે કારવિસ્ફોટ થયા બાદ પાકિસ્તાનમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. નોટિસ ટુ ઍરમેન (NOTAM) જાહેર કરવામાં આવી છે અને એના સેનાની ત્રણેય પાંખોને હાઈ અલર્ટ પર રાખી છે. ભારત તરફથી બદલો લેવામાં આવશે એવી દહેશતના કારણે તેમ જ ગુપ્તચર ચેતવણીઓને પગલે તમામ પાકિસ્તાની ઍરબેઝ અને ઍરફીલ્ડ રેડ અલર્ટ પર છે એમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

પાકિસ્તાનમાં આર્મી ચીફ અસીમ મુનીરે સોમવારે રાત્રે પોતાની સેનાને અલર્ટ કરી હોવાના અહેવાલ છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને ઑપરેશન સિંદૂર જેવા ઑપરેશનનો ડર છે. દિલ્હીમાં કાર-બૉમ્બના વિસ્ફોટ બાદ પાકિસ્તાને પોતાની સુરક્ષા-ચેતવણી અભૂતપૂર્વ સ્તરે વધારી દીધી છે. ભારત તરફથી લશ્કરી કાર્યવાહીની શક્યતા અને સરહદ પર તનાવ વધવાની શક્યતાને કારણે પાકિસ્તાને આ કર્યું છે.

ત્રણેય સેનાઓ અલર્ટ પર
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાને ત્રણેય સશસ્ત્ર દળો સેના, નૌકાદળ અને વાયુસેનાને હાઈ અલર્ટ પર રાખ્યાં છે. પાકિસ્તાનના સેન્ટ્રલ કમાન્ડે તમામ લશ્કરી શાખાઓને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખવા અને કોઈ પણ સંભવિત ભારતીય હુમલા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે. પાકિસ્તાની વાયુસેનાને હવાઈ સંરક્ષણને સક્રિય કરવાનો અને ફૉર્વર્ડ બેઝ પરથી વિમાનો તાત્કાલિક ઉડાન ભરી શકે એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૧૧થી ૧૨ નવેમ્બર સુધી ઍરમેનને નોટિસ (NOTAM) જાહેર કરવામાં આવી છે, જેમાં તનાવપૂર્ણ સરહદી વિસ્તારમાં હવાઈ ટ્રાફિક પ્રતિબંધો અને સુરક્ષા પ્રોટોકૉલમાં વધારો સૂચવવામાં આવ્યો છે.

ભયનું કારણ શું છે?
ભારતમાં આતંકવાદી હુમલાઓને ઘણી વાર પાકિસ્તાન સાથે જોડવામાં આવ્યા છે. દિલ્હીની ઘટનાની પણ આતંકવાદી દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. તેથી પાકિસ્તાનને પહલગામ હુમલા પછીના ઑપરેશન સિંદૂરની યાદ અપાવવામાં આવી રહી છે. આ વર્ષે એપ્રિલમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. યુદ્ધવિરામ પછી ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન તરફથી આગળ કોઈ પણ આતંકવાદી હુમલાનો સખત જવાબ આપવામાં આવશે.

international news world news pakistan delhi news red fort bomb blast terror attack