02 December, 2025 08:56 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ભારતની ટોચની ૭ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીઓને આ વર્ષે અમેરિકામાં ફક્ત ૪૫૭૩ નવી H-1B વીઝાઅરજીઓ મળી છે જે ૨૦૧૫ કરતાં ૭૦ ટકા ઘટાડો અને ગયા વર્ષ કરતાં ૩૭ ટકા ઘટાડો દર્શાવે છે. નૅશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પૉલિસીના અહેવાલ મુજબ નવા કર્મચારીઓ માટે ટોચની પાંચ કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એકમાત્ર ભારતીય કંપની છે. હાલના કર્મચારીઓ માટે વીઝા-રિન્યુઅલમાં TCS પણ ટોચની પાંચ કંપનીઓમાં સ્થાન ધરાવે છે, પરંતુ એનો રિજેક્શન-રેટ વધીને ૭ ટકા થયો છે જે ગયા વર્ષે ૪ ટકા હતો. આ દર્શાવે છે કે ભારતીય IT પ્રોફેશનલોને અમેરિકામાં નવા વીઝા મેળવવા હવે પહેલાં કરતાં વધુ મુશ્કેલ છે.
આ વર્ષે અમેરિકામાં હાલના કર્મચારીઓ માટે H-1B વીઝા-રિન્યુઅલ માટે રિજેક્શન-રેટ ફક્ત ૧.૯ ટકા હતો. ભારતીય કંપનીઓમાં ફક્ત TCSએ જ મજબૂત સ્થિતિ જાળવી રાખી હતી, આ કંપનીએ હાલના ૫૨૯૩ H-1B વીઝા રિન્યુ કર્યા હતા. TCSને નવા કર્મચારીઓ માટે ફક્ત ૮૪૬ H-1B વીઝા મળ્યા હતા જે ગયા વર્ષના ૧૪૫૨ અને ૨૦૨૩ માટે ૧૧૭૪ કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. એકંદરે ભારતીય IT કંપનીઓ માટે અમેરિકામાં નવો સ્ટાફ મોકલવાનું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હવે મોટા ભાગની H-1B અરજીઓ હાલના કર્મચારીઓ માટે વીઝા લંબાવવા માટે છે. કંપનીઓ હવે નવા એન્જિનિયરોને લાવવા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને ગ્રીન કાર્ડ માટે લાંબી કતારમાં રહેલા અમેરિકામાં રહેતા લોકોને રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
H-1B વીઝા ભારતીયો માટે મહત્ત્વપૂર્ણ
H-1B વીઝા ભારતીયો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકામાં રહેતા તમામ ભારતીય-અમેરિકનોમાંથી એક ચતુર્થાંશ H-1B વીઝાધારકો અને તેમના પરિવારો છે. અગાઉ આ વીઝા ભારતીય IT કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ હતા જેમાં TCS, ઇન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓ તેમના જુનિયર અને મધ્યમ સ્તરના એન્જિનિયરોને અમેરિકન ગ્રાહકો માટે કામ કરવા મોકલવા માટે એનો ઉપયોગ કરતી હતી. આજે પણ અમેરિકાની ઍમૅઝૉન અને માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓ નવી ભારતીય પ્રતિભાને આકર્ષવા માટે H-1B માર્ગનો ઉપયોગ કરે છે. આ વીઝા ભારતીય એન્જિનિયરો માટે અમેરિકા જવાનું સૌથી મોટું પ્રવેશદ્વાર છે.