ભુતાનમાં નરેન્દ્ર મોદીએ હિન્દીમાં બોલતાં-બોલતાં આતંકવાદીઓને ઇંગ્લિશમાં ચેતવ્યા

12 November, 2025 07:14 AM IST  |  Bhutan | Gujarati Mid-day Correspondent

પહલગામ અટૅક પછી બિહારમાં જેમ અંગ્રેજીમાં ચેતવણી આપેલી એમ ભુતાનમાં પણ નરેન્દ્ર મોદીએ હિન્દીમાં બોલતાં-બોલતાં આતંકવાદીઓને ઇંગ્લિશમાં ચેતવ્યા- All those responsible will be brought to justice

ગઈ કાલે ભુતાનની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે ત્યાંના મહેમાન બનેલા નરેન્દ્ર મોદીએ પાટનગર થિમ્ફુમાં સંબોધન કર્યું હતું.

ભુતાનના રાજાના નેતૃત્વમાં ભરાયેલી એક સભામાં હજારો લોકોએ દિલ્હી-બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા લોકોના આત્માની શાંતિ માટે સમૂહપ્રાર્થના કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે બે દિવસની વિઝિટ માટે ભુતાન પહોંચ્યા હતા. ગઈ કાલે ભુતાન પહોંચ્યા પછી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમના સંબોધનમાં દિલ્હીના લાલ કિલ્લા પાસેના બ્લાસ્ટની ઘટના વિશે કહ્યું હતું કે ‘ખૂબ ભારે મન સાથે આવ્યો છું. કાલે સાંજે દિલ્હીમાં થયેલી ભયાવહ ઘટનાએ સૌના મનને વ્યથિત કરી દીધા છે. હું પીડિત પરિવારોનું દુખ સમજું છું. આજે પૂરો દેશ તેમની સાથે ઊભો છે. હું કાલે આખી રાત આ ઘટનાની તપાસ સાથે સંકળાયેલી એજન્સીઓ સાથે અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં હતો. વિચારવિમર્શ ચાલતો હતો. જાણકારીઓના તાર જોડાઈ રહ્યા હતા. અમારી એજન્સીઓ આ ષડ્‍યંત્રના ઊંડાણ સુધી જશે. એની પાછળના ષડ્‍યંત્રકારીઓને બક્ષવામાં નહીં આવે. All those responsible will be brought to justice.’

ભુતાનના રાજાએ રાજધાની થિમ્પુમાં ભરેલી હજારો લોકોની એક સભામાં દિલ્હીમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ભુતાનનરેશે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે છીએ. પહલગામ અટૅક પછી નરેન્દ્ર મોદીએ બિહારમાં એક ભાષણ વખતે અચાનક હિન્દીને બદલે ઇંગ્લિશમાં બોલીને આતંકવાદીઓનો સફાયો કરવાની ચેતવણી આપી હતી અને એ પછી જગતને ઑપરેશન સિંદૂર જોવા મળ્યું હતું. ગઈ કાલે ભુતાનમાં પણ હિન્દીમાં બોલતાં-બોલતાં નરેન્દ્ર મોદીએ એક વાક્ય અંગ્રેજીમાં બોલીને કહ્યું હતું કે દિલ્હીની ઘટના માટે જે લોકો જવાબદાર હશે તેમને છોડવામાં નહીં આવે.

international news world news narendra modi indian government Pahalgam Terror Attack terror attack bhutan delhi news