ડોમ્બિવલીમાંથી ગેરકાયદે રહેતા ૨૪ નાઇજીરિયન પકડાયા, એમાં ૭ મહિલા

24 May, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડોમ્બિવલીમાંથી કૉમ્બિંગ ઑપરેશન દરમ્યાન ૭ મહિલા સહિત કુલ ૨૪ નાઇજીરિયન નાગરિકોને તાબામાં લેવામાં આવ્યાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

ડોમ્બિવલીમાંથી કૉમ્બિંગ ઑપરેશન દરમ્યાન ૭ મહિલા સહિત કુલ ૨૪ નાઇજીરિયન નાગરિકોને તાબામાં લેવામાં આવ્યાં હતાં. કલ્યાણ ઝોનના ડેપ્યુટી પોલીસ-કમિશનર અતુલ ઝેન્ડેએ એક પત્રકાર-પરિષદ જણાવ્યું હતું કે ખોની પલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીની વિગતો આપતાં અતુલ ઝેન્ડેએ જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકો વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ થાણે અને નવી મુંબઈ પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. કુલ ૨૪ નાઇજીરિયન નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. એમાં ૧૩ પુરુષો, ૭ મહિલાઓ, ૩ સગીર છોકરાઓ અને એક સગીર છોકરીનો સમાવેશ થાય છે. તેમના પાસપોર્ટ અને વીઝા જેવા કાનૂની દસ્તાવેજોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે અને શોધના આધારે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આ‍વશે.’ 

નવી મુંબઈના વાશી પોલીસ-સ્ટેશનમાં કેસના ફરાર આરોપીઓને શોધવા માટે બે વર્ષના પ્રયાસના ભાગરૂપે આ સફળતા મળી છે એમ જણાવતાં અતુલ ઝેન્ડેએ વધુમાં કહ્યું હતું કે ‘આ કામગીરીમાં માનપાડા પોલીસ-સ્ટેશનના પચીસ અધિકારીઓ અને ૭૧ કર્મચારીઓ ઉપરાંત નવી મુંબઈ પોલીસ-સ્ટેશનના કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી.’

mumbai news mumbai dombivli mumbai crime news Crime News mumbai police