02 November, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રાચી ઠાકર અને સુજય શેઠ
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના ગ્રાઉન્ડ પર બુધવારે અને ગુરુવારે સાંજે આયોજિત એન્રિકે ઇગ્લેસિયસની કૉન્સર્ટમાં લાખો રૂપિયાની કિંમતના ૭૩ પ્રીમિયમ મોબાઇલ ફોન ચોરાઈ ગયા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે BKC પોલીસે ૭ સેપરેટ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં રહેતી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી આર્ટિસ્ટ પ્રાચી ઠાકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું ગુરુવારે સાંજે MMRDAના ગ્રાઉન્ડ પર કૉન્સર્ટ જોવા અને ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી માટે કન્ટેટ ક્રીએટ કરવા ગઈ હતી. આ પ્રોગ્રામમાં મારી VIP ટિકિટ હતી એટલે અમારી વ્યવસ્થા જુદી રાખવામાં આવી હતી. પ્રોગ્રામ પૂરો થયા બાદ હું અને મારી ફ્રેન્ડ ફૂડ-કાઉન્ટર પર UPI પેમેન્ટ કરવા જતી હતી એ સમયે મારું UPI કામ ન કરતું હોવાથી ફોન મારા ખિસ્સામાં રાખીને રોકડા પૈસા આપ્યા હતા અને પાછો મારો ફોન હાથમાં લેવા જતાં એ ગાયબ થઈ ગયો હતો. મારો ફોન માત્ર ૩૦ સેકન્ડમાં સેરવી લેવાયો હતો. આ ઘટનાની ફરિયાદ મેં BKC પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. અહીં આવીને પ્રોગ્રામ એન્જૉય તો કર્યો, પણ ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી માટેની કન્ટેટ મારા સૅમસંગના S24 મોબાઇલમાં હતી જે ચોરાઈ જતાં મારી તમામ કન્ટેટ વેસ્ટ ગઈ હતી એટલે મને નુકસાન પણ થયું હતું.’
બે દિવસ પહેલાં લીધેલો મારો મોબાઇલ ચોરાઈ ગયો એમ જણાવતાં વિરાર-વેસ્ટમાં રહેતા સુજય શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્સર્ટનાં હું અને મારી પત્ની બન્ને ફૅન હોવાથી ૭૦૦૦ રૂપિયાની એક ટિકિટ એમ ૧૪,૦૦૦ રૂપિયાની બે ટિકિટ લઈને ગુરુવારે સાંજે કૉન્સર્ટ એન્જૉય કરવા ગયાં હતાં. એ સમયે એક જગ્યા પર ઊભા રહીને અમે કૉન્સર્ટ એન્જૉય કરી રહ્યાં હતાં ત્યારે મારા ખિસ્સામાં રાખેલો મોબાઇલ સેરવી લેવામાં આવ્યો હતો. મને એની જાણ થતાં મેં તાત્કાલિક ત્યાં ઊભેલી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જોકે પોલીસે એ સમયે મારી ફરિયાદ સાંભળી નહોતી. મેં માત્ર બે દિવસ પહેલાં મારા માટે આઇફોન 17 લીધો હતો.’
BKC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમામ ફોનની માહિતી લઈને એને ટ્રેસિંગ પર રાખવામાં આવ્યા છે. ચોક્કસ ગૅન્ગે એ કામ કર્યું હોવાની માહિતી અમને મળી છે જેના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.’