01 November, 2025 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ દાદીના અનોખા ખેલે જીતી લીધું ખિલાડીનું દિલ
૧૭મી અક્ષય કુમાર ઇન્ટરનૅશનલ કુડો ટુર્નામેન્ટ ૨૦૨૫-’૨૬ સુરતમાં ગ્લૅમર અને રોમાંચ સાથે પૂરી થઈ. આ ઇવેન્ટમાં ભારતનાં ૩૨ રાજ્યોના ૨૦૦૦થી વધુ કુડો ખેલાડીઓએ ભાગ લીધો હતો, પણ ૮૮ વર્ષનાં વૉરિયર દાદીએ શો-સ્ટૉપર બનીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને અક્ષય કુમારનું દિલ પણ જીતી લીધું હતું.
દાદીમાના ૧૫ મિનિટના પ્રદર્શનને હજારો દર્શકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યું હતું. માર્શલ આર્ટ્સ ચૅમ્પિયન અક્ષય કુમાર પણ આ પ્રદર્શન જોઈને અભિભૂત થઈ ગયો હતો અને સ્ટેજ પરથી નીચે ઊતરી આવીને શાંતાબાને ભેટી પડ્યો હતો.
ઝૂમ ટીવીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં શાંતાબા તરીકે જાણીતાં શાંતા પવારનું પ્રદર્શન અને અક્ષય કુમાર સાથેની ઇમોશનલ પળ જોવા મળ્યાં હતાં.
શાંતાબાએ રજૂ કરેલો ખેલ પરંપરાગત રીતે શિવકાલીન લાઠી કાઠી મર્દાની ખેલ તરીકે ઓળખાય છે. તેઓ પુણેથી તેમની પૌત્રીઓ સાથે આવ્યાં હતાં. તેમના અદ્ભુત લાઠી અને તલવારપ્રદર્શને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કોણ છે શાંતાબા?
શાંતાબા નવ વર્ષનાં હતાં ત્યારથી જ તેમને માતા-પિતા પાસેથી માર્શલ આર્ટ્સની તાલીમ મળી હતી. એ પછી તેમણે પોતાનું જીવન આ પરંપરાગત કલાને જાળવવા માટે સમર્પિત કર્યું છે. આજે તે ભારતનાં વિવિધ શહેરોમાં પ્રદર્શન કરે છે અને અનાથ બાળકોને મદદ કરવા માટે શેરીનાટકો યોજે છે.
તેમની માર્શલ આર્ટ્સ સફર તેમને હિન્દી સિનેમામાં પણ લઈ ગઈ હતી. અભિનેત્રીઓ માટે તેમણે બૉડી-ડબલ તરીકે પણ કામ કર્યું હતું. સીતા ઔર ગીતા (હેમા માલિની સાથે) અને શેરની (શ્રીદેવી સાથે) જેવી ફિલ્મોમાં તેમણે સ્ટન્ટ પણ ભજવ્યા હતા.