01 November, 2025 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હવે ગટરનું પાણી રીસાઇકલ કરીને આવક ઊભી કરવાની યોજના બનાવી રહ્યું છે. સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રીસાઇકલ કરેલા પાણીને તાતા પાવર, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (HPCL) અને પ્રાઇવેટ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીને વેચવામાં આવશે.
BMC પ્રતિ કિલોલીટર (૧૦૦૦ લીટર) એક રૂપિયાના ભાવે રીસાઇકલ્ડ વૉટર વેચશે. પ્લાન મુજબ રોજ ૧૨૦૦ મિલ્યન લીટર પાણીને કેમિકલી પ્રોસેસ કરવામાં આવશે. એને લીધે BMCને ૪૩.૮૦ કરોડ રૂપિયાની વાર્ષિક આવક થશે.
વરલી, ઘાટકોપર, વર્સોવા, મલાડ, બાંદરા, ભાંડુપ અને ધારાવી એમ ૭ જગ્યા પર BMCના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે. આ પ્લાન્ટ્સને રીડેવલપ કરીને ગટરના પાણીને કેમિકલ પ્રોસેસ કરવા માટે તૈયાર કરવામાં આવશે. અત્યારે કેમિકલી પ્રોસેસ થયેલા ગટરના પાણીને જળાશયોમાં ઠાલવી દેવામાં આવે છે. આ પ્લાન્ટ્સમાં રોજ ૨૫૦૦ મિલ્યન લીટર પાણી જમા થાય છે. ૨૦૨૭ સુધીમાં આ પ્લાન્ટ્સનું રીડેવલપમેન્ટ થઈ જશે. ત્યાર બાદ એક દિવસમાં ૧૨૦૦ મિલ્યન લીટર પાણીને રીસાઇકલ કરી શકાશે. રીસાઇકલ કરેલા પાણીને બગીચામાં, વાહનો ધોવા માટે અને અમુક ઓદ્યોગિક કામ માટે ઉપયોગમાં લઈ શકાશે.