12 November, 2025 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બોરીવલી-વેસ્ટમાં પરોઢિયે દર્શન કરવા નીકળેલી મહિલા સાથે આઘાતજનક ઘટના બની હતી. સુધીર ફડકે બ્રિજ નીચે એક પુરુષ દ્વારા ૨૯ વર્ષની મહિલા પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. ગભરાયેલી મહિલાએ બચવા માટે પોતાનાં સોનાનાં ઘરેણાં આરોપીને આપી દીધાં હતાં અને ત્યાંથી ભાગી ગઈ હતી.
મહિલાની ફરિયાદના પગલે બોરીવલી, મલાડ અને કાંદિવલી પોલીસે સંયુક્ત રીતે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને મંગળવારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સંજય રાજપૂત એક હોટેલમાં વાસણો ધોવાનું કામ કરે છે.
પોલીસે આપેલી માહિતી મુજબ દહિસર-ઈસ્ટમાં રહેતી ગૃહિણી ૧૦ નવેમ્બરે સવારે ૪.૪૫ વાગ્યે બોરીવલી-વેસ્ટમાં એક દેરાસરમાં દર્શન કરવા ગઈ હતી. ત્યાંથી તે દહિસર-વેસ્ટમાં આવેલા શાંતિલાલ દેરાસરમાં ગઈ હતી. મંડપેશ્વર રોડ પર આવેલા ત્રીજા દેરાસરમાં જવા માટે ૫.૩૦ વાગ્યે જ્યારે તે સુધીર ફડકે પુલ નીચે એકલી ચાલી રહી હતી ત્યારે એક અજાણ્યો માણસ તેની પાછળથી આવ્યો અને તેને પકડીને રસ્તાના એક અંધારા ખૂણામાં ખેંચી ગયો હતો, જ્યાં તેણે મહિલા પર જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગભરાઈ ગયેલી મહિલાએ બચવા માટે પોતાની સોનાની વીંટી અને કાનની બુટ્ટીઓ તેને આપી દીધી હતી જેની કિંમત લગભગ ૫૦,૦૦૦ રૂપિયા હતી. આરોપીએ ભાગતાં પહેલાં તેનો મોબાઇલ ફોન અને ઇઅરફોન પણ છીનવી લીધા હતા.
થોડી જ વારમાં મહિલાએ પુલ પાસે પોલીસની એક ગાડી જોઈ અને અધિકારીઓને પોતાની સાથે થયેલો બનાવ જણાવ્યો તેમ જ આરોપીના દેખાવનું વિગતવાર વર્ણન કર્યું હતું. તરત જ બોરીવલી પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
મંગળવારે આરોપી પકડાઈ ગયો હતો. પોલીસે આપેલી વિગત મુજબ આરોપી ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. તેની સામે ૨૦૧૩માં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં લૂંટનો કેસ નોંધાયેલો છે અને દહિસર પોલીસ-સ્ટેશનમાં NDPS (નાર્કોટિક ડ્રગ્સ અને સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સ) ઍક્ટ હેઠળ બીજો કેસ નોંધાયેલો છે.